Thu Oct 15 2026

Logo

ધર્માતરણ બાદ અનામતનો લાભ નહીં મળે! સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો, જાણો શું છે સમગ્ર મામલો....

2026-10-15 13:29:00
Author: Vimal Prajapati
ધર્માતરણ બાદ અનામતનો લાભ નહીં મળે! સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો, જાણો શું છે સમગ્ર મામલો....

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે કે જે વ્યક્તિએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે તે પછાત વર્ગ (BC) અનામત માટે હકદાર નથી. ન્યાયાધીશ પીકે મિશ્રા અને શ્રી ચંદ્રશેખરની બેન્ચે જણાવ્યું છે કે જે વ્યક્તિ હિન્દુ સમાજ વ્યવસ્થામાંથી બિન-હિન્દુ સમાજ વ્યવસ્થામાં ધર્માંતર કરે છે તે આવા લાભોનો દાવો કરી શકે નહીં. તમિલનાડુ સરકારે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જેમાં સાત પછાત વર્ગના મુસ્લિમ સંપ્રદાયોને માન્યતા આપવાના તેના નિર્ણયને રદ કરવામાં આવ્યો હતો, જેમાં પછાત વર્ગના વ્યક્તિઓને ઇસ્લામ ધર્મ સ્વીકાર્યા પછી પછાત વર્ગના મુસ્લિમ તરીકે ગણવામાં આવે છે.

કેસની વિગતે વાત કરવામાં આવે તો, તમિલનાડુ સરકારે 9 માર્ચ, 2024ના રોજ એવો નિર્ણય લીધો હતો કે પછાત વર્ગો (Backward Classes), અત્યંત પછાત વર્ગો (Most Backward Classes) અને અનુસૂચિત જાતિઓના એવા વ્યક્તિઓ, જેમણે અન્ય ધર્મ અંગીકાર કર્યો છે, તેમને 'મુસ્લિમ પછાત વર્ગો'ના સભ્યો તરીકે ગણી શકાય! આનો અર્થ એ થયો કે ધર્મ પરિવર્તન કર્યા પછી પણ, આ સમુદાયોની વ્યક્તિઓ 'પછાત વર્ગો' તરીકે જ વર્ગીકૃત રહેશે અને અનામતનો લાભ મેળવવા માટે પાત્ર ગણાશે. 

જેથી મદ્રાસ હાઈકોર્ટે સરકારના આ નિર્ણય પર રોક લગાવી દીધી હતી, જેની સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ શ્રી ચંદ્રશેખરની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરી અને મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો. ન્યાયાધીશોએ સ્પષ્ટ કર્યું કે, બંધારણની કલમ 16(4) હેઠળ, જે વ્યક્તિઓએ અન્ય ધર્મ અંગીકાર કર્યો છે તેઓ અનામતના લાભનો દાવો કરી શકતા નથી.

આ કેસમાં ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે બંધારણના 1950ના અનુસૂચત જાતિના આદેશનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, અનુસૂચિત જાતિને દરજ્જો હિન્દૂ, બૌદ્ધ અને શીખ ધર્મ સિવાય કોઈ બીજા ધર્મના લોકોને આપી શકાય નહીં. ધર્માતરણ બાદ તે વ્યક્તિનો પોતાની મૂળ જાતિથી જોડાયેલ અનુસૂચિત જાતિનો દરજ્જો ખતમ થઈ જાય છે.

શું હતો આ સમગ્ર મામલો?

આ વિવાદ ક્યાંથી સર્જાયો અને શા માટે મદ્રાસ હાઈ કોર્ટ દ્વારા સરકારના આ નિર્ણય પર રોક લગાવી દેવામાં આવી હતી? આ મામલો સેક્રેટરી ટુ ગવર્નમેન્ટ વિરુદ્ધ સમીર અહેમદ એન. (Secretary to Government v. Sameer Ahmed N) ના કેસ સાથે સંબંધિત હતી. સમીર અહેમદનું મૂળ નામ પરમાશિવમ હતું. તેનો જન્મ તુતીકોરીન જિલ્લામાં એક હિન્દુ પરિવારમાં થયો હતો. પરંતુ 2015માં તેણે ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો. આ દરમિયાન તેણે પોતાનું નામ બદલ્યું અને લગ્ન પણ ઇસ્લામી રીતિ-રિવાજ સાથે કર્યાં હતાં. ત્યારબાદ, તેમણે 'મુસ્લિમ લેબ્બાઈ' (Muslim Lebbai) ના નામે સામુદાયિક પ્રમાણપત્ર (community certificate) માટે અરજી કરી હતી.

મદ્રાસ હાઈ કોર્ટે રાજ્ય સરકારના નિર્ણયને પણ ગેરબંધારણીય ગણાવ્યો

મુસ્લિમ લેબ્બાઈ રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે પછાત વર્ગના મુસ્લિમોની માન્યતા પ્રાપ્ત થયેલી સાત જાતિઓમાં આવે છે. પરંતુ તહસીલદાર દ્વારા તેની અરજીને રદ્દ કરી દેવામાં આવી હતી. જેથી સમીરે મદ્રાસ હાઈ કોર્ટમાં કેસ કર્યો હતો. કોર્ટમાં તેણે કહ્યું કે, તે હજી પણ પછાત વર્ગ સાથે જોડાયેલો છે. જો કે, મદ્રાસ હાઈ કોર્ટે પણ તેની અરજી રદ્દ કરી નાખી હતી. આ સાથે મદ્રાસ હાઈ કોર્ટે રાજ્ય સરકારના 2024ના નિર્ણયને પણ ગેરબંધારણીય ગણાવ્યો હતો. હાઈ કોર્ટે જણાવ્યું કે, કોઈ વ્યક્તિ ઈસ્લામ ધર્મ અપનાવી શકે છે, પરંતુ અનામત મેળવવાના હેતુથી તે ઈસ્લામની અંદર કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમુદાયમાં પરિવર્તિત થઈ શકતી નથી.