Thu Oct 15 2026

Logo

ઈમરાન ખાન સામે દેશ છોડવાનો આદેશ: શું આ નોટિસ સામે કોર્ટનું શરણું લઈ શકે અભિનેતા? જાણો ઓસીઆઈ કાર્ડના કાયદા

2026-10-15 14:22:00
Author: Darshana Visaria
ઈમરાન ખાન સામે દેશ છોડવાનો આદેશ: શું આ નોટિસ સામે કોર્ટનું શરણું લઈ શકે અભિનેતા? જાણો ઓસીઆઈ કાર્ડના કાયદા

બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનના ભાણેજ અને જાણીતા અભિનેતા ઇમરાન ખાન સામે મુંબઈ પોલીસે આકરી કાનૂની કાર્યવાહી કરી છે. મુંબઈ પોલીસે ઈમરાન ખાનને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાની ઓફિશિલી નોટિસ પાઠવી છે. આ કાર્યવાહી મુંબઈના ઐતિહાસિક ક્રાંતિ મેદાન ખાતે યોજાયેલા એક વિરોધ પ્રદર્શનમાં તેમની હાજરી બાદ કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી રહી હતી. ઈમરાન ખાન પાસે અમેરિકી નાગરિકત્વ અને યુએસ પાસપોર્ટ છે અને તેઓ ભારતમાં ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા કાર્ડ ધારક તરીકે રહે છે. 

લીવ ઇન્ડિયા નોટિસ કેમ જારી કરવામાં આવી?
મુંબઈ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ 1 અને ફોરેનર્સ રીજનલ રજીસ્ટ્રેશન ઓફિસ દ્વારા ઈમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટની કલમ 7 અને 29 હેઠળ આ લીવ ઈન્ડિયા નોટિસ ફટકારવામાં આવી છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પોલીસ અને ગૃહ મંત્રાલય સમક્ષ ઓફિશિયલ ફરિયાદ નોંધાવી હતી કે ઈમરાન ખાને ભારતમાં રાજકીય આંદોલનમાં જોડાઈને તથા ભાષણ આપીને પોતાના ઓસીઆઈ કાર્ડની શરતોનો ભંગ કર્યો છે. 

ભારતીય કાયદા અનુસાર, કોઈપણ વિદેશી નાગરિક કે ઓસીઆઈ કાર્ડ ધારકને ભારતીય ધરતી પર રાજકીય વિરોધ પ્રદર્શન, ચૂંટણી પ્રચાર કે રાજકીય ગતિવિધિઓમાં ભાગ લેવાની કાનૂની મંજૂરી હોતી નથી. ઓસીઆઈ કાર્ડ મલ્ટિપલ એન્ટ્રી વિઝા આપે છે પરંતુ તેમાં વોટ આપવાનો કે રાજકીય પ્રવૃત્તિ કરવાનો અધિકાર મળતો નથી.

શું ઈમરાન ખાન આ નોટિસને પડકારી શકે છે?
ઇમરાન ખાન આ નોટિસ સામે રાહત મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખટખટાવી શકે છે. ભારતના બંધારણના અનુચ્છેદ 21 હેઠળ વિદેશી નાગરિકોને પણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર મળે છે. કાનૂની જોગવાઈ મુજબ કોઈ પણ ઓસીઆઈ કાર્ડ ધારક સામે આટલું આકરું પગલું ભરતાં પહેલાં તેને પોતાનો પક્ષ રજૂ કરવાની યોગ્ય તક આપવી અનિવાર્ય ગણાય છે. 

જો નિયમ મુજબ પ્રક્રિયા ન થઈ હોય તો કોર્ટમાં તેની સમીક્ષા થઈ શકે છે. અટકાયતમાં લેવાયા પહેલાં ઇમરાન ખાને સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઈ રાજકીય પક્ષના પ્રતિનિધિ તરીકે નહીં પરંતુ એક જાગૃત નાગરિક તરીકે અંગત ક્ષમતામાં ત્યાં ઉપસ્થિત હતા, જે દેશની સુરક્ષા સામે કોઈ જોખમ નથી.

ભારત છોડવાની નોટિસ અને ઓસીઆઈ રદ થવા વચ્ચેનો તફાવત
નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 7ડી હેઠળ બંધારણનું અનાદર કરવા બદલ કે રાષ્ટ્રીય હિત વિરુદ્ધ કામ કરવા બદલ ઓસીઆઈ નોંધણી રદ થઈ શકે છે. જોકે, ભારત છોડવાની આ નોટિસ મળવાનો અર્થ એવો નથી કે તેમનું ઓસીઆઈ રજીસ્ટ્રેશન આપોઆપ રદ થઈ ગયું છે. બંને કાયદાકીય રીતે અલગ પ્રક્રિયાઓ છે.