Thu Oct 15 2026

Logo

મહારાષ્ટ્રમાં 'જળસંકટ' ઘેરાયુંઃ એક સપ્તાહમાં ટેન્કરની સંખ્યામાં 25 ટકાનો વધારો

2026-10-15 10:18:00
Author: Kshitij Nayak
મહારાષ્ટ્રમાં 'જળસંકટ' ઘેરાયુંઃ એક સપ્તાહમાં ટેન્કરની સંખ્યામાં 25 ટકાનો વધારો

મુંબઈ: મહારાષ્ટ્રમાં દુષ્કાળની ગંભીર પરિસ્થિતિને કારણે પીવાના પાણીની તંગી સતત વધી રહી છે. માત્ર એક જ સપ્તાહમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પાણી સપ્લાય કરતા ટેન્કરોની સંખ્યા 611થી વધીને 768 પર પહોંચી ગઈ છે, જે 25.7%નો વધારો દર્શાવે છે.

રાજ્યમાં દુષ્કાળની સ્થિતિને કારણે પાણીની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. માત્ર એક જ અઠવાડિયામાં મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડતા ટેન્કરોની સંખ્યામાં અધધ 25.7%થી વધુનો વધારો થયો છે.

માત્ર એક અઠવાડિયા પહેલાં 611 ટેન્કરો તૈનાત કરવામાં આવ્યા હતા જેની સંખ્યા હાલમાં વધીને  768 ટેન્કરો થઇ ગઈ છે. એટલે કે, માત્ર એક અઠવાડિયામાં 157 ટેન્કરોનો વધારો થયો છે. નોંધપાત્ર બાબત એ છે કે, છેલ્લાં પાંચ વર્ષોમાં આ સમયગાળા દરમિયાન ટેન્કરનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો.

તેમાંના લગભગ અડધા એટલે કે 374 ટેન્કરો (48.7%) સૂકા મરાઠવાડા વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. પશ્ચિમ મહારાષ્ટ્ર 218 ટેન્કરો, જ્યારે ઉત્તર મહારાષ્ટ્રમાં 176 ટેન્કરો વપરાય છે. કોંકણ અને વિદર્ભમાં પાણીના કોઈ ટેન્કર તૈનાત કરવામાં આવ્યા નથી.

ગયા અઠવાડિયે 2,664 ગામો અને વસ્તીઓને પાણી પૂરું પાડવામાં આવતું હતું, તેની સરખામણીએ અત્યારે 3,082 ગામો અને વસ્તીઓને ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં ડેમમાં પાણીનું સ્તર ગયા વર્ષે આ સમયે 90.6% હતું, જે ઘટીને 72.1% થઈ ગયું છે. મરાઠવાડામાં, પાણીનો સંગ્રહ (લાઈવ સ્ટોરેજ) ક્ષમતાના 42.7% છે, જ્યારે ગયા વર્ષે આ સમયે તે 86.9% હતો. વિદર્ભમાં પણ ડેમમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઘટ્યું છે.

અમરાવતી વિભાગના ડેમમાં પાણીનો સંગ્રહ ક્ષમતાના 60.9% છે, જે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન 88.6% હતો. નાગપુરમાં તે ક્ષમતાના 68.6% છે, જ્યારે ગયા વર્ષે તે 89.8% હતો. 

પશ્ચિમ મહારાષ્ટ્રમાં ડેમમાં પાણીનું સ્તર 82.9% છે, જે ગયા વર્ષે 93.7% હતું. કોંકણ વિસ્તારમાં પણ, જ્યાં સામાન્ય રીતે પુષ્કળ વરસાદ પડે છે, ત્યાં ઉપલબ્ધ પાણીનો જથ્થો ક્ષમતાના 88.8% છે; તેની સરખામણીએ ગયા વર્ષે આ પ્રમાણ 93% હતું.