Thu Oct 15 2026

Logo

સાયન બ્રિજ વીકએન્ડમાં ખુલ્લો મુકાશે: ટ્રાફિક ડિપાર્ટમેન્ટની એનઓસીની રાહ જોવાઈ રહી છે.

2026-10-15 09:35:00
Author: Sapna Desai
સાયન બ્રિજ વીકએન્ડમાં ખુલ્લો મુકાશે: ટ્રાફિક ડિપાર્ટમેન્ટની એનઓસીની રાહ જોવાઈ રહી છે.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તે સાયન રેલવે ઓવર બ્રિજ આ અઠવાડિયાના અંતમાં ખુલ્લો મૂકવામાં આવવાનો હોવાનું જણાઈ આવ્યું છે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટ તરફથી  નો ઓબ્જેકશન સર્ટિફિકેટ મળે એટલે તેને ખુલ્લો મૂકી દેવામાં આવશે એવું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

સાયનનો તોડી પાડવામાં આવેલો બ્રિજ ૧૯૧૨ની સાલમાં બાંધવામાં આવ્યો હતો. સ્ટ્રક્ચરલ ઓડિટમાં બ્રિજની હાલત જર્જરિત હોવાનું જણાઈ આવ્યા બાદ તેને  ૨૦૧૯માં તોડી પાડીને નવેસરથી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે એ બાદ પણ સ્થાનિકોના વિરોધ સહિત અન્ય કારણોથી લાંબા સમય સુધી પુલ વાહનવ્યહાર માટે ચાલુ જ રહ્યો હતો. 

બે વર્ષથી વધુ સમય સુધી બંધ રહ્યા બાદ છેવટે  સાયનના બ્રિજનું કામ પૂરું થયા બાદ તેને ખુલ્લો મૂકવામાં આવવાનો છે. હાલ છેલ્લી ઘડીના કામ એટલે કે રોડ માર્કિંગ, બીમ અને ટ્રાફિક લાઈટ બેસાડવા જેવા કામ ચાલી રહ્યા છે, જે લગભગ પૂરા થવાની તૈયારીમાં છે.

સાયન પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો આ મહત્ત્વનો બ્રિજ પાલિકા અને મધ્ય  રેલવે દ્વારા સંયુક્ત રીતે બાંધવામાં આવ્યો છે. બ્રિજને અંદાજે ૬૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છેે. જૂનો બ્રિજ લગભગ ૪૦ મીટર લાંબો હતો પણ તેની સરખામણીમાં નવો બ્રિજ ૬૧ મીટર લાંબો છે. અગાઉ આ બ્રિજ બે લેનનો હતો પણ હવે તેને પહોળો કરવામાં આવતા હવે તે ફોર-લેનનો થઈ ગયો છે. બ્રિજને સાયન રેલવે સ્ટેશન સાથે જોડતી એક ફૂટપાથ પણ બનાવવામાં આવી છે.
 
પાલિકા દ્વારા બ્રિજ વાહનવ્યહાર માટે ખુલ્લો મૂકવા માટે ૧૫ ઑક્ટોબરની ડેડલાઈન હતી તે મુજબ  ગયા અઠવાડિયે લોડ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ પાસેથી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ મળે એટલે તરત બ્રિજ ખોલવામાં આવવાનો છે.