Thu Oct 15 2026

Logo

મુખ્બિરે ઈસ્લામઃ સારું કામ દિલને શાંતિ-રાહત આપે બૂરું કામ બેચેન બનાવે

2026-10-15 08:30:00
Author: Anwar Valiani
મુખ્બિરે ઈસ્લામઃ સારું કામ દિલને શાંતિ-રાહત આપે બૂરું કામ બેચેન બનાવે

 

અનવર વલિયાણી

માનવીનો અંતરાત્મા જ તેનો ચોકીદાર હોઈ, અલ્લાહની અજોડ ને’મત; ઈશ્ર્વરિય દેણગી અક્કલ અને હૃદય છે.
પવિત્ર કુરાનમાં જગતકર્તાએ જ્યારે મનુષ્યને બુદ્ધિ, અક્કલથી કામ લેવા કહ્યું છે તેમ તેણે હૃદય, દિલને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે, લેખ્યું છે, કારણ કે,

* ઈમાન, સચ્ચાઈ, તાબેદારી હૃદયમાં જ જન્મે છે, પેદા થાય છે.
- ઈલાહી કિતાબ કુરાન પાકમાં સૃષ્ટિના સર્જનહાર કહે છે કે,

-‘અય મોમીનો અર્થાત્ અલ્લાહ ઉપર ઈમાન લાવનાર ઉમ્મત માત્ર તે લોકો જ લેખાય છે કે જ્યારે અલ્લાહનું નામ લેવામાં આવે છે ત્યારે તેમના હૃદય તેના પ્રભાવ અને જલાલથી કંપી ઊઠે છે અને જ્યારે તેની આયતો તેમની સામે પઢવામાં આવે છે ત્યારે તેમના ઈમાનને વધારી મૂકે છે...’

આ ઈમાન એક નૂર છે, જેની રોશનીમાં અક્કલ પોતાનું વિચારવાનું કાર્ય કરે તો તેને ધર્મનો સાચો રસ્તો મળી રહે છે, અલ્લાહતઆલાની પેદા કરેલ ચીજો પર ચિંતન-મનન કરે છે. જેમ જેમ ઈમાનમાં વધારો થાય છે તેમ તેમ ઈન્સાન અલ્લાહની નિશાનીઓ પર વધુને વધુ ચિંતન-મનન કરે છે અને હીકમતના (બુદ્ધિ-ચાતુર્યના) મોતી પ્રાપ્ત કરે છે.

એક તરફ દિલમાં ઈમાન, ખૌફે ખૂદા (અલ્લાહનો ડર) અને મહોબ્બતે ઈલાહી પેદા થઈ શકે છે તો બીજી તરફ એ જ હૃદયમાં અંધશ્રદ્ધા અને કુક્ર (નાસ્તિકપણું) પણ પેદા થઈ શકે છે. જેમ કે પવિત્ર કિતાબમાં ફરમાવવામાં આવ્યું છે કે - ‘નહીં, નહીં! વાત એ છે, કે જે કૃત્યો તેઓ કર્યા કરતા હતા તેના કારણે તેમના અંત:કરણો પર કાટ ચઢી ગયો છે...’ 

આ કાટના કારણે દિલમાં મનોવાસના પણ ઊભરાવા લાગે છે ત્યારે બુદ્ધિનું કામ છે કે આ મનોવિકાર પર કાબૂ મેળવે અને માનવીને સીધો રસ્તો દેખાડે, પણ હૃદય જો અક્કલની વાત ન માને તો આ મનોવિકાર વધતો ચાલે છે અને તેની સામે અક્કલ લાચાર થઈ જાય છે અને માણસ ગુમરાહીના અંધકારમાં ભટકવા લાગે છે પછી તો દિલ ઉપર એક પડદો પડી જાય છે અને ઈન્સાન સારું નરસું કંઈ જ સમજી નથી શકતો. અલ્લાહતઆલાએ આ દિલને સારું નરસું પારખવાની શક્તિ આપેલી જ છે.

ઈસ્લામના આખરી પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈંયહિ વસલામની ખિદમતમાં એક શખસ ઉપસ્થિત થયો અને અરજ ગુજારી કે તે અમુક સવાલો પૂછવા માગે છે. 

અલ્લાહના રસૂલે સલ. તેની છાતી પર ત્રણ આંગળીઓ મૂકી અને ફરમાવ્યું કે - ‘... આ બાબતને તેણે હંમેશાં પોતાના દિલને જ પૂછવી જોઈએ, કારણ કે આ હૃદયની રચના જ એવી છે કે તેને સારા-નરસાની પિછાણ મળી જ જાય છે. માણસ જ્યારે કોઈ સારું કામ કરે છે ત્યારે તેના દિલને શાંતિ અને રાહત મળે છે, પણ જ્યારે કોઈ બૂરું કામ કરે છે ત્યારે તે તરત જ બેચેન બની જાય છે. તેથી માણસે હંમેશાં પોતાની અંત:સ્ફુરણાને જ અનુસરતા રહેવું જોઈએ...’ અમિરૂલ મોઅમિનીન હઝરત અલી કર્રમલ્લાહુ વજહુ પણ એ જ ફરમાવે છે કે - ‘ખુદ તમારો અંતરાત્મા જ તમારો ચોકીદાર છે...’

કુરાને મજીદમાં ફરમાવવામાં આવ્યું છે કે ‘ઈન્સાન પોતાના નફસને પાક સાફ રાખવા અથાક પ્રયત્ન કરે તો એવું યકિન, વિશ્વાસ હાંસલ કરવા સક્ષમ પુરવાર થઈ શકે છે.’ 

ગાગરમાં સાગર:

સમજદાર માનવી સંપૂર્ણતા ઈચ્છે છે, જ્યારે મૂર્ખ માણસની નજર માલો-દૌલત પર હોય છે.
*** *** ***
માનવી કંઈ વાહન નથી કે કોઈના ચલાવ્યાથી તે ચાલે. તેને પોતાને જ પોતાનો માર્ગ પાર કરી લેવો પડશે અને મોમિન એ જ મંઝિલ પર પહોંચશે જે તરફ તેનું રૂખ (કૂચ) હશે.
*** *** ***
અંધકાર તરફ જાણ્યે-અજાણ્યે ઘસડાતા જતા મોમિન બંદાએ બુદ્ધિના બારણાં ઉઘાડવાના સમયે ઘંટ વગાડી દીધો છે.
*** *** ***
સાપ્તાહિક સંદેશ:

જેઓ પોતાને અલ્લાહવાલા કહે છે તેઓ માટે ખુદાવંદે કરીમ કહે છે કે,
- ‘હે નબી (પયગંબર હઝરત મુહમ્મદ સલ.)!’
- ‘તેઓને આપ કહી દો કે તો પછી અલ્લાહતઆલા તમારા ગુનાહોને કારણે તમોને અઝાબ (દુખ, કષ્ટ, વિપત્તિયાતના, સજા) કેમ આપે છે?’
* સાચો મોમિન, આસ્થાળુ, શ્રદ્ધા લાવનાર મુસલમાન તે છે જેની જીભ અને હાથ, વર્તન અને વ્યવહારથી કોઈને તકલીફ ન પહોંચે.
- સૌ સાથે સદ્વર્તનનું નામ જ મુસલમાન છે.