કૌશિક મહેતા
ડિયર હની,
અકબર:
‘જોધા, તુમ નહીં જાણતી હમને ઇસ શેખુ બાબા કો કિસ તરહ પાયા હૈ! જબ હિન્દુસ્તાન કી તખ્ત-ઓ-તાજ ભી હમેં સંતાન નહીં દે સકી થી, તબ હમને અપને શહેનશાહી જૂતે ઉતાર કર, નંગે પાંવ અજમેર કી તપતી રેત પર મહીનોં સફર કિયા થા... ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી કી દરગાહ પર મન્નતેં માગી થી!’
અકબર એ પછી પોતાની વ્યથા અને સંતાન માટે કરેલા સમર્પણની વાત કરતાં કહે છે: ‘હમને ઇસ બેટે કે લિયે ખુદા સે રો-રોકર દુઆએં માગી હૈં! હમને અપની તાજ-ઓ-તખ્ત, અપની રિયાસત અને અપની શાન-ઓ-શૌકત સબ કુછ ઇસકી એક હંસી પર ન્યોછાવર કરને કા ફેસલા કિયા થા. સંતાન કા દુ:ખ ક્યા હોતા હૈ, વહ અકબર સે ઝ્યાદા કોઈ નહીં જાનતા, જોધા!’
તને થશે કે હું આ શું ‘મુગલ એ આઝમ’ના ડાયલોગ સંભળાવવા લાગ્યો, પણ એ વાત તો સાચી છે કે આમ આદમી હોય કે શહેનશાહ સંતાન પ્રાપ્તિ માટે બધાની ભૂખ એકસરખી હોય છે. હા, એટલું ખરું કે આજનાં દંપતીઓ જલદી સંતાન કરતાં નથી. એકથી વધુ પણ કરતાં નથી, પણ સંતાન તો જોઈએ જ એવું મોટાભાગે દંપતી માને છે. એમાં મા હોય કે બાપ, બંનેની ઇચ્છા પ્રબળ હોય છે. એનું શું કારણ છે, ખબર છે?
આ વાતનાં એકથી વધુ પાસાં છે. પ્રકૃતિએ સ્ત્રીના શરીરમાં માતૃત્વની ભાવના અને હૉર્મોન્સ (જેવાં કે ઑક્સિટોસિન) એવાં પ્રબળ બનાવ્યા છે કે શારીરિક સ્તરે બાળક સાથેનો તેનો લગાવ ખૂબ જ વહેલો ગાઢ બની જાય છે. ગર્ભમાં બાળકનો વિકાસ થતાંની સાથે જ માતાનું મનોવૈજ્ઞાનિક જોડાણ ઊંડું થતું જાય છે તો પિતા માટે આ જૈવિક પ્રક્રિયા સીધી હોતી નથી. બાળકનો જન્મ થાય કે તે મોટું થવા લાગે ત્યારે પિતામાં પિતૃત્વની ભાવના ખીલતી હોય છે.
મનોવિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો મોટા ભાગની સ્ત્રીઓ માટે માતૃત્વ એ સ્ત્રીજીવનની સર્વોચ્ચ ભાવનાત્મક પૂર્ણતા માનવામાં આવે છે. પોતાના અંશને જન્મ આપવો અને તેની સંભાળ રાખવી એ સ્ત્રીના માનસિક સંતોષ સાથે સીધેસીધું જોડાયેલું છે.
પિતાઓ માટે સંતાન એ પોતાનું નામ, વંશ અને કુટુંબ આગળ વધારવાનું પ્રતીક તેમજ સામાજિક અસ્મિતનો સવાલ હોય છે. સાથે જ, આધુનિક સમયમાં પિતાઓ પણ બાળકો સાથે ભાવનાત્મક રીતે એટલા જ ઊંડા જોડાયેલા હોય છે. સામાજિક દબાણ પણ કામ કરતું હોય છે. આપણા સમાજમાં સ્ત્રી પર લગ્ન પછી જલદીથી સંતાન પેદા કરવાનું દબાણ કુટુંબ અને સમાજ દ્વારા વધુ પ્રમાણમાં હોય છે.
‘માતા બન્યા વગર સ્ત્રીનું જીવન અધૂરું છે’ તેવી માનસિકતાના કારણે પણ ઘણીવાર સ્ત્રીમાં સંતાન પ્રાપ્તિની ઇચ્છા માત્ર કુદરતી ખેંચાણ ઉપરાંત સામાજિક અપેક્ષાઓનું પરિણામ પણ બની જાય છે. પ્રખ્યાત ઉત્ક્રાંતિવાદી જીવવિજ્ઞાની રોબર્ટ ટ્રિવર્સ દ્વારા આપવામાં આવેલી આ થિયરી મુજબ સ્ત્રી અને પુરુષમાં સંતાન માટેનું જૈવિક રોકાણ અલગ-અલગ હોય છે. ન્યુરોસાયન્સના અભ્યાસો દર્શાવે છે કે જ્યારે માતા-પિતા તેમના બાળક સાથે વાત કરે છે કે રમે છે ત્યારે મગજનો ‘ઑક્સિટોસિન’ અને ‘ડોપામાઇન’ સિસ્ટમ સક્રિય થાય છે.
જોકે બધાં મા-બાપ નસીબદાર નથી હોતાં. માતૃત્વ કે પિતૃત્વ વચ્ચે કેટલીક સમસ્યા આવે છે. એમાંથી ફર્ટિલિટી ટુરિઝમ શરૂ થયું છે. આ ટુરિઝમ એટલે કે જ્યારે વ્યક્તિઓ અથવા દંપતીઓ પોતાના ગૃહદેશ સિવાયના અન્ય દેશોમાં પ્રજનનક્ષમતા સંબંધિત સારવાર જેવી કે આઈવીએફ, સરોગસી, એગ કે સ્પર્મ ડોનેશન અને પ્રી-ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ કરાવવા માટે પ્રવાસ કરે છે.
તને જાણીને આશ્ર્ચર્ય થશે કે ભારત આ ટુરિઝમમાં અગ્રેસર છે. કૅનેડા કે યુરોપ જેવા વિકસિત દેશોમાં આઇ.વી.એફ. અથવા સરોગસીનો ખર્ચ અત્યંત ઊંચો હોય છે. તેની સરખમણીએ ભારત, થાઇલૅન્ડ, મેક્સિકો, સ્પેન કે પૂર્વ યુરોપના કેટલાક દેશોમાં આ જ સારવાર ખૂબ જ ઓછા ખર્ચે અને ઉચ્ચ ગુણવત્તાવાળી મેડિકલ સુવિધાઓ સાથે મળી રહે છે.
ભારતમાં ફર્ટિલટી ટુરિઝમ (ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન - IVF અને આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નૉલૉજી) એક અત્યંત ઝડપથી વિકસતું કરોડો રૂપિયાનું બજાર છે. ભારતમાં બજારનું કદ અંદાજે રૂ. 12,000 કરોડથી રૂ. 16,000 કરોડની આસપાસ ગણાય છે.
ભારત આવતા કુલ મેડિકલ ટુરિસ્ટ્સમાંથી લગભગ 10 ટકા થી 15 ટકા દર્દીઓ ફર્ટિલિટી કે આવા પ્રકારની એફ સારવાર માટે આવે છે.
માત્ર વિદેશી દર્દીઓમાંથી જ ભારતીય ફર્ટિલિટી ક્ષેત્રને વાર્ષિક આશરે રૂ. 6,000 કરોડથી વધુની આવક થાય છે. આ ક્ષેત્ર વર્ષે 15 ટકાથી 20 ટકાના વાર્ષિક દરે વધી રહ્યું છે જે ભારતને ગ્લોબલ ફર્ટિલિટી હબ બનાવે છે. ભારતમાં દર વર્ષે આશરે 3,000,00 (3 લાખ)થી 3,50,000 (સાડા ત્રણ લાખ) IVF સાઇકલ્સ કરવામાં આવે છે.
આ બધી દૃષ્ટિએ આપણે તો નસીબદાર રહ્યા. લગ્નનાં અમુક વર્ષ બાદ સંતાન પ્રાપ્તિ થઈ, પણ જે મા-બાપ એ માટે શક્તિમાન નથી હોતાં એમના માટે આ મુદો ભાવનાશીલ બની જાય છે. જોકે વિજ્ઞાને આ માટેના ઉપાય આપ્યા છે. જેમને સંતાન નથી એ દુ:ખી છે. સવાલ એ પણ પુછાય છે કે સંતાન છે એ શું ખરેખર સુખી છે? આપણા પૂરતી વાત કરીએ તો આપણે સુખી છીએ. ખરુંને! - તારો બન્ની