(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના ડુંગરાળ વિસ્તારો, ચાલીઓ અને ખાસ કરીને દહિસર, બોરીવલી જેવા મુંબઈના છેવાડાના વિસ્તારોમાં ઓછા દબાણ સાથે અને અપૂરતા પાણી પુરવઠોને ધ્યાનમાં રાખીનેે મુંબઈ મહાનગરપાલિકાએ પચ્ચીસ વધારાના પાણીના ટેન્કરો તહેનાત કર્યા છે. એ સાથે જ પાલિકાએ પારદર્શિતા સુનિશ્ર્ચિત કરવા અને દુરુપયોગ રોકવા માટે ઓટીપી આધારિત ચકાસણી અને દરેક વ્યવહારના ડિજિટલ રેકોર્ડને ફરજિયાત બનાવતી ટેન્કર નીતિ પણ તૈયાર કરી છે.
પાલિકા હાલમાં ૩૭ ટેન્કરોનું સંચાલન કરે છે અને વધતી જતી માગણી તથા ઊંચા તાપમાનને ધ્યાનમાં રાખીને આ સંખ્યા વધારીને ૬૨ કરવાની યોજના ધરાવે છે. પીવાના પાણીની માંગને પહોંચી વળવા માટે ખાનગી ટેન્કરો ભાડે લેવાના પ્રસ્તાવને બુધવારે સ્થાયી સમિતિ તરફથી ‘પોસ્ટ-ફેક્ટો’ (કાર્ય થયા પછીની) મંજૂરી મળી હતી. જોકે નગરસેવકોએ ટેન્કરના પાણીના સ્ત્રોત અને ગુણવત્તા, ફાળવણીની પદ્ધતિઓ અને ખાનગી સંચાલકો દ્વારા કથિત નફાખોરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
નગરસેવકો દ્વારા જોકે રહેવાસીઓ પાસેથી પ્રતિ ટેન્કર ૩,૦૦૦ થી ૪,૦૦૦ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. સ્થાયી સમિતિના સભ્યોએ ૧૫ મેના રોજ પાણીના પુરવઠામાં ૧૦ ટકા કાપ મૂકવામાં આવ્યો ત્યારથી ટેન્કરની ટ્રિપ્સ અને રિફિલિંગ સ્ટેશનના ઉપયોગ અંગેના આંકડા પણ માંગ્યા હતા.
એડિશનલ કમિશનર અવિનાશ ઢકાણેએ જણાવ્યું હતું કે દેખરેખ મજબૂત કરવા માટે જીપીએસ ટ્રેકિંગ અને ઓટીપી આધારિત વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવશે એવું જણાવ્યું હતું.
અપૂરતા પાણી બાબતે પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે પાલિકા આગામી છ મહિનામાં ૧,૧૪૫ ટેન્કર ટ્રિપનું આયોજન કર્યું છે, જેમાં પ્રતિ ટ્રિપ ખર્ચ ૩,૯૬૫ રૂપિયાથી વધીને ૪,૩૬૬ રૂપિયા થશે. નગરસેવકોએ પીવાલાયક પાણી પરની નિર્ભરતા ઘટાડવા માટે બગીચાઓ, જાહેર શૌચાલયો અને બાંધકામ સ્થળોએ પ્રક્રિયા કરેલ ગટરનું પાણી પૂરું પાડવાની પણ માગણી કરી હતી.