સના, યમનઃ વિશ્વમાં અત્યારે અનેક દેશો એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ઈરાન અને અમેરિકા બાદ હવે સાઉદી અરબ અને હુતી વિદ્રોહીઓ એકબીજા પર હુમલાઓ કરી રહ્યું છે. મધ્યપૂર્વ અત્યારે યુદ્ધનું મેદાન બની ગયું છે. તેવામાં હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. સાઉદી અરેબિયા અને ઈઝરાયેલને નિશાન બનાવવા માટે હુથી બળવાખોરોને ચીન મદદ કરી રહ્યું છે. ચીનની મદદથી, હુથી બળવાખોરો ઈરાનની 'ખૈબર શેકન' જેવી જ બેલેસ્ટિક મિસાઈલો વિકસાવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે
ચીને મિસાઈલો બનાવવા માટે જરૂરી ઘટકો આપ્યાં
આ મિસાઈલોથી હુથીઓ સાઉદી અરેબિયા અને ઈઝરાયેલ બંનેને નિશાન બનાવી શકે છે. ચીને હુથી બળવાખોરોને આ મિસાઈલો બનાવવા માટે જરૂરી ઘટકો પૂરા પાડ્યા છે. જો હુથીઓ આ મિસાઈલો બનાવવામાં સફળ થાય છે, તો મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધુ વકરી શકે છે. આ સ્થિતિમાં, સાઉદી અરેબિયા અને ઈઝરાયેલ બંનેના સાથી દેશ હોવાને કારણે, અમેરિકા પણ અન્ય એક યુદ્ધમાં ખેંચાઈ શકે છે. એક રીતે જોવા જઈ રહ્યો છે, વૈશ્વિક કક્ષાએ કોઈને કોઈ બાબતે યુદ્ધનો માહોલ સર્જાયેલો છે.
હુથીઓને મદદ કરીને ચીને આગમાં ઘી હોમવાનું કામ કર્યું
આ યુદ્ધની સ્થિતિમાં હુથીઓને મદદ કરીને ચીન આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યમનના હુથી બળવાખોરો ખતરનાક અને અત્યાધુનિક હાઇપરસોનિક મિસાઇલો બનાવવા માટે ચીન પાસેથી તેના ઘટકો ખરીદી રહ્યાં છે. અત્યારે હુથીઓ દ્વારા જે ઘટકો ચીની સપ્લાયર પાસેથી ખરીદવામાં આવ્યાં છે, તેનાથી જ ઈરાને 'ખૈબર શેકન' જેવી જ બેલેસ્ટિક મિસાઈલો બનાવી હતી.
હુથી વિદ્રોદીઓ દ્વારા પહેલેથી જ લાલ સાગરમાં આવેલા સાઉદી અરબના અનેક ઠેકાણા પર હુમલો કર્યો છે. તેવામાં જો તેમની પાસે બેલેસ્ટિક મિસાઈલો આવી જશે તો આ સંઘર્ષ વધારે ઉગ્ર અને ઘાતક બની જશે. જેના કારણે માત્ર સાઉદી અરબ જ નહીં પરંતુ મધ્યપૂર્વના અન્ય દેશો માટે પણ ખતરો પેદા થશે, તેવા દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. હુથીઓ દ્વારા કરવામાં આવતા હુમલાઓ તેલ અને ગેસના પુરવઠા તેમજ દરિયાઈ વેપાર માર્ગોને ખોરવી શકે છે; આનાથી પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસ જેવી રોજિંદી આવશ્યક વસ્તુઓની ઉપલબ્ધતામાં અવરોધ આવશે અને તેના ભાવમાં વધારો થશે.