Thu Oct 15 2026

Logo

ઇમરાન ખાનને ભારત છોડવા નોટિસ! મુંબઈ પોલીસે 28 ઑક્ટોબર સુધીનો સમય આપ્યો, જાણો શું છે સમગ્ર મામલો

2026-10-15 11:59:00
Author: Mumbai Samachar Team
ઇમરાન ખાનને ભારત છોડવા નોટિસ! મુંબઈ પોલીસે 28 ઑક્ટોબર સુધીનો સમય આપ્યો, જાણો શું છે સમગ્ર મામલો

મુંબઈ: બોલિવૂડ અભિનેતા આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી છે. મુંબઈ પોલીસે ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ ફટકારી છે. પોલીસના નિર્દેશ અનુસાર, ઈમરાન ખાને 28 ઑક્ટોબર, 2026 સુધીમાં ભારત છોડવું પડશે. મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ઈમરાન ખાન 10 ઑક્ટોબરે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. આ પ્રદર્શન કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના વિરોધ પ્રદર્શનના સમર્થનમાં યોજાયું હતું. પ્રદર્શનકારીઓએ મતદાર યાદીઓના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) દરમિયાન કથિત અનિયમિતતાઓના આક્ષેપો સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી હતી.

આ પ્રદર્શન દરમિયાન મુંબઈ પોલીસે ઈમરાન ખાનની અટકાયત કરવામાં આવી હતી. ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરી હતી. ઇમરાન ખાનને પણ અટકાયતમાં લીધા બાદ મોડી રાત્રે મુક્ત કરવામાં આવ્યા હતા.

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ઈમરાન ખાન ભારતીય નાગરિક નથી અને તેમ છતાં રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હોવાના આરોપસર તેની સામે ઈમિગ્રેશન કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ જ કાર્યવાહી અંતર્ગત તેને ભારત છોડવાની નોટિસ આપવામાં આવી છે. અભિનેતાને 28 ઑક્ટોબર સુધીમાં દેશ છોડવાનું કહેવામાં આવ્યું છે.

અટકાયત દરમિયાન ઈમરાન ખાનની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પોલીસ વાનમાં બેઠેલા ઈમરાનની તસવીર ચર્ચાનો વિષય બની હતી. તેણે સોશિયલ મીડિયા પર આ તસવીર સાથે હળવી ટિપ્પણી પણ કરી હતી. આ ઘટનાને કારણે ઇમરાન ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ વિરોધ પ્રદર્શન દરમિયાન ઈમરાન ખાન સાથે અભિનેત્રી લેખા વોશિંગ્ટન અને આમિર ખાનની ભત્રીજી ઝૈન મેરી ખાન પણ હાજર હતાં. આ બંનેને પણ પોલીસની અટકાયતનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, પ્રદર્શનના આયોજકો અને સમર્થકો મતદાર યાદીઓમાં કથિત ગેરરીતિઓની તપાસ કરવાની અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી રહ્યા છે. જોકે, આ આક્ષેપો અંગે ચૂંટણી પંચનો પક્ષ અલગથી ધ્યાનમાં લેવો જરૂરી છે.