Thu Oct 15 2026

Logo

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને લગાવી ફટકાર: કોર્ટ પરિસરમાં હોબાળા મામલે નોટિસ પાઠવી

2026-10-15 14:43:00
Author: Vimal Prajapati
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને લગાવી ફટકાર: કોર્ટ પરિસરમાં હોબાળા મામલે નોટિસ પાઠવી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના પરિસરમાં તાજેતરમાં વિપક્ષી ગઠબંધન દ્વારા કાઢવામાં આવેલી કૂચ અને કથિત હોબાળા મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓને આ મામલે નોટિસ ફટકારી છે. સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ન્યાયતંત્રને કોઈ ધમકાવી કે દબાણમાં લાવી શકતું નથી. 
રાહુલ ગાંધી સહિત મોટા ભાગના વિપક્ષી નેતાઓ 12 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરીને નારેબાજી કરી હતી, જેમાં આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને રાહુલ ગાંધીને ફટકાર લગાવી છે.

જાણો શું છે સમગ્ર મામલો?
ગત 12 ઓક્ટોબરના રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી દળોના નેતાઓએ ચૂંટણી પંચ અને મતદાર યાદીના વિશેષ સઘન પુનનિરીક્ષણ (SIR) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ સુધી એક કૂચ કાઢી હતી. આ દરમિયાન કોર્ટ પરિસરમાં ભારે ભીડ એકત્ર થઈ હતી અને નારેબાજી કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને વકીલો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને અદાલતની મર્યાદા તથા ગરિમા જાળવવા માટે માગણી કરાઈ હતી. 

કોઈ પણ વ્યક્તિ કોર્ટને ધમકાવી શકે નહીં

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ કોર્ટ પરિસરમાં થયેલા દેખાવોનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગૌરવ ભાટિયાએ રજૂઆત કરી કે લગભગ 200 વકીલોએ આ મામલે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA)ને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે અને આ કોર્ટ પર દબાણ લાવવાનો પ્રયાસ હતો.
 
આના જવાબમાં મુખ્ય ન્યાયાધીશે (CJI) ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ન્યાયતંત્રને ધમકાવી શકે નહી. તેમણે ઉમેર્યું કે બહાર ગમે તે નિવેદનો આપવામાં આવે, પરંતુ ન્યાયાલય આવા નબળા પ્રયાસોથી પ્રભાવિત થતું નથી. કોર્ટે આ મામલે વિરોધ પ્રદર્શન દરમિયાનના તમામ સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવાનો પણ આદેશ આપ્યો છે.

અત્રે નોંધનીય છે કે, વિરોધ પક્ષોએ સુપ્રીમ કોર્ટ સુધી એક કૂચ યોજી હતી. ઉલ્લેખનીય છે કે, 12 ઓક્ટોબર (સોમવાર)ના રોજ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિરોધ પક્ષોના નેતાઓએ ચૂંટણી પંચ અને મતદાર યાદીઓની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયાને લગતા મુદ્દાઓ ઉઠાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરી હતી.
 
આ દરમિયાન, રાહુલ ગાંધી અને અન્ય વિરોધ પક્ષના નેતાઓએ SIR પ્રક્રિયા અને જ્ઞાનેશ કુમારની ભૂમિકાને પડકારતી અરજીઓ દાખલ કરી હતી. કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને કોર્ટ સંકુલની અંદર જ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.