Thu Oct 15 2026

Logo

મેરઠના મુસ્કાન કેસ વચ્ચે ચર્ચામાં રતનબાઈ જૈન! આઝાદ ભારતમાં ફાંસી પામનારી એકમાત્ર મહિલા; જાણો શું હતો ગુનો

2026-10-15 15:36:56
Author: Darshana Visaria
મેરઠના મુસ્કાન કેસ વચ્ચે ચર્ચામાં રતનબાઈ જૈન! આઝાદ ભારતમાં ફાંસી પામનારી એકમાત્ર મહિલા; જાણો શું હતો ગુનો

હાલમાં જ મેરઠના સૌરભ રાજપૂત હત્યા કેસ (બ્લૂ ડ્રમ કેસ)માં મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને અદાલત દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ ભારતમાં મહિલાઓને ફાંસી આપવાના ઇતિહાસની ચર્ચા ફરી એક વખત તેજ બની છે. વાત કરીએ ભારતના ઓફિશિયલ જ્યુડિશિયલ હિસ્ટ્રમાં રતનબાઈ જૈન એકમાત્ર એવી મહિલા છે કે જેને આઝાદી પછી હકીકતમાં ફાંસીના માંચડે ચડાવવામાં આવી હતી. ચાલો જાણીએ કે આખરે રતનબાઈ જૈનનો ગુનો શું હતો અને શું છે આ પાછળની સ્ટોરી... 

કોણ હતી રતનબાઈ જૈન અને શું હતો ગુનો?

રતનબાઈ જૈન દેશની રાજધાની દિલ્હીમાં એક સ્ટેરિલીટી ક્લિનિકમાં મેનેજર તરીકે નોકરી કરતી હતી. રતનબાઈને શંકા હતી કે તેના પતિના આ ક્લિનિક સાથે સંકળાયેલી ત્રણ યુવતીઓ સાથે આડા સંબંધો હતા. પતિ પરના આ આંધળા વહેમ અને બદલાની આગમાં રતનબાઈએ તે ત્રણેય યુવતીઓને ઠંડા કલેજે પતાવી દેવાનું કાવતરું ઘડ્યું. તેણે ખાવા-પીવાની ચીજોમાં અત્યંત તીવ્ર ઝેર ભેળવીને ત્રણેય યુવતીઓની હત્યા કરી નાખી હતી.

ફાંસીની સજા અને અમલ

પોલીસે તપાસ બાદ રતનબાઈ સામે હત્યાના પુરાવા રજૂ કર્યા અને કોર્ટે તેને ગુનેગાર ઠેરવી ફાંસીની સજા સંભળાવી. અપીલો અને દયા યાચિકાઓ ફગાવી દેવાયા બાદ, 3જી જાન્યુઆરી, 1955ના રોજ દિલ્હીની તિહાર જેલ માં રતનબાઈ જૈનને ફાંસી આપવામાં આવી હતી. આઝાદ ભારત પછી ન્યાયિક રીતે ફાંસી આપવામાં આવેલી તે દેશની પ્રથમ અને અત્યાર સુધીની એકમાત્ર મહિલા છે.

મુસ્કાન કેસ સાથે કેમ થઈ રહી છે સરખામણી?

મુસ્કાન રસ્તોગીને નીચલી અદાલતે ફાંસીની સજા ફટકારી હોવા છતાં, અદાલત દ્વારા ફાંસી સંભળાવવી અને તેનો અમલ થવો બંને અલગ બાબતો છે. દેશમાં શબનમ સહિત ઘણી મહિલાઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી ચૂકી છે, પરંતુ ઉપલી અદાલતોમાં અપીલ, કાનૂની વિકલ્પો કે રાષ્ટ્રપતિ સમક્ષ દયા યાચિકાના કારણે હજુ સુધી ૧૯૫૫ પછી કોઈ મહિલાની ફાંસીનો અમલ થયો નથી.