મુંબઈ: કલ્યાણ પૂર્વમાં મેટ્રો લાઈન 12ના બાંધકામ સ્થળેથી લોખંડનો સળિયો નીચે પડતાં મોટરસાઇકલ પર જઈ રહેલા યુવકના માથામાં વાગ્યો હતો. આ ઘટનામાં અબ્દુલ હક ગંભીર રીતે ઘાયલ થયો છે અને હાલ ફોર્ટિસ હોસ્પિટલના આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત બાદ મેટ્રોના બાંધકામ સ્થળે સલામતીનાં પગલાં અંગે ફરી સવાલો ઊભા થયા છે.
આ પ્રકરણે સામે આવેલી માહિતી પ્રમાણે અબ્દુલ હક તેના મિત્ર હિતાંશુ સાથે મોટરસાઈકલની પાછળ બેઠો હતો. બંને કલ્યાણ પૂર્વથી ઉલ્હાસનગર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન એ.પી.એમ.સી. માર્કેટ અને બૈલ બજાર વચ્ચે મેટ્રો લાઈન 12ના ચાલી રહેલા બાંધકામ સ્થળેથી લોખંડનો સળિયો નીચે પડ્યો અને અબ્દુલના માથા પર વાગ્યો હતો. ઘટના બાદ અબ્દુલને તેના સંબંધીઓ તાબડતોબ મીરા હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેને ફોર્ટિસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર, હાલ તેની હાલત ગંભીર છે.
આ ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓએ બાંધકામ સ્થળે સલામતીની વ્યવસ્થામાં કોઈ બેદરકારી થઈ છે કે કેમ તેની તપાસ કરવાની અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક બલિરામસિંહ પરદેશીએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે પોલીસ અબ્દુલનું નિવેદન નોંધશે અને ત્યારબાદ આગળની તપાસ હાથ ધરશે .
કલ્યાણથી તલોજાને જોડતી મેટ્રો લાઈન 12ના બાંધકામ સ્થળે બનેલી આ ઘટના પહેલાં પણ મુંબઈ મહાનગર વિસ્તારમાં આવી દુર્ઘટનાઓ બની ચૂકી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં મુલુંડમાં બાંધકામ હેઠળની મેટ્રો લાઇન 4 પરથી કોંક્રિટનો પેરાપેટ સ્લેબ પડતાં એક ઑટોરિક્ષા ચાલકનું મોત થયું હતું, જ્યારે ગયા વર્ષે ભિવંડીમાં મેટ્રો લાઇન 5ના બાંધકામ સ્થળેથી આશરે સાતથી આઠ ફૂટ લાંબો લોખંડનો સળિયો ઑટોરિક્ષામાં મુસાફરી કરી રહેલા 20 વર્ષના સોનુ અલીના માથા પર પડ્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.