તેમના સંબંધ પરસ્પર સંમતિથી બંધાયેલા હતા: થાણે કોર્ટ
થાણે: થાણે જિલ્લાની કોર્ટે લગ્નની લાલચે મહિલા પર બળાત્કાર ગુજારવા અને તેને ધમકાવવાના આરોપનો સામનો કરી રહેલા યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે તેમના સંબંધ પરસ્પર સંમતિથી બંધાયેલા હતા.
એડિશનલ સેશન્સ જજ જી. ટી. પવારે મંગળવારે જારી કરેલા આદેશમાં સર્વોચ્ચ અદાલતના એક ચુકાદાનો સંદર્ભ આપતાં જણાવ્યું હતું કે લાંબા સમય સુધી ચાલેલા પરસ્પર સંમતિપૂર્ણ સંબંધ લગ્નના ખોટા વાયદા પર આધારિત હોવા છતાં તેને બળાત્કાર ગણી ન શકાય.
તપાસકર્તા પક્ષના જણાવ્યા અનુસાર વિધવા અને બાળકીની માતા એવી ફરિયાદી ઇન્સ્ટાગ્રામ મારફત આરોપીના સંપર્કમાં આવી હતી. આરોપીએ ફરિયાદી સાથે લગ્ન કરવા અને તેની બાળકીનું ધ્યાન રાખવાનું આશ્ર્વાસન આપ્યા બાદ 12 નવેમ્બર, 2022ના રોજ મુંબ્રા વિસ્તારમાં આવેલા ઘરમાં તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.
આરોપી વારંવાર તેનું જાતીય શોષણ કરતો હતો. પોતાના વેપાર માટે તેની પાસેથી ઉછીના રૂપિયા તથા દાગીના લીધા હતા. તે ફરિયાદીની મારપીટ કરતો હતો અને ફરિયાદીએ લગ્ન માટે દબાણ કરતાં તેના અંગત ફોટા વાયરલ કરવાની તેણે ધમકી આપી હતી, એવો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.
બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે તેમના સંબંધ સંમતિથી બંધાયા હતા અને આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો.
દરમિયાન બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજે નોંધ્યું હતું કે પીડિતાએ પોતાની જુબાનીમાં કહ્યું હતું કે આરોપી સાથેનો તેનો પ્રથમ જાતીય સંબંધ બળજબરીપૂર્વકનો હતો. જોકે તબીબી અધિકારી સમક્ષ ઘટનાક્રમ વર્ણવતી વખતે તેણે કહ્યું હતું કે સંબંધ સંમતિથી હતો.
ટ્રાયલ દરમિયાન તપાસકર્તા પક્ષે પીડિતા, પંચ સાક્ષીદાર, તબીબી અધિકારી, તપાસ અધિકારીને ચકાસ્યા હતા. (પીટીઆઇ)