મુંબઈ: રોકાણ કરેલી રકમ પર મહિને ત્રણ ટકા વળતરની લાલચે છેતરપિંડી કરનારી કંપની ‘રિચ ટુ મની પ્રા. લિ.’ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આગળ આવવાની પાલઘર પોલીસે રોકાણકારોને અપીલ કરી હતી. પોન્ઝી સ્કીમના માધ્યમથી આ કંપનીએ 48 રોકાણકાર સાથે 5.91 કરોડ રૂપિયાથી વધુની કથિત છેતરપિંડી કરી હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું હતું.
આ છેતરપિંડીની તપાસ પાલઘર પોલીસની આર્થિક ગુના શાખા કરી રહી છે. જાન્યુઆરી, 2026માં બોઈસર પોલીસમાં આ મામલે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ આ પ્રકરણે એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદ અનુસાર કંપની દ્વારા શૅરબજારમાં રોકાણની વિવિધ સ્કીમ રોકાણકારો સમક્ષ રાખી હતી, જેમાં ફ્યુચર ઍન્ડ ઑપ્શન ટ્રેડિંગ, શૅર ઈક્વિટી, વર્કિંગ કૅપિટલમાં રોકાણ કરવાની લાલચ અપાી હતી. રોકાણ કરેલી રકમ પર આકર્ષક નફો મેળવી આપવાની ખાતરી કંપની દ્વારા અપાઈ હતી. ફરિયાદ અનુસાર મહિને ત્રણ ટકા વળતરની પણ લાલચ અપાઈ હતી.
રોકાણકારોનો વિશ્ર્વાસ કેળવવા માટે કંપનીના લેટર પેડ પર ઈન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ કરી આપવામાં આવતું હતું. એ સિવાય પોસ્ટ ડેટેડ ચેક અને જમીનના પ્લૉટ આપવાનો પણ સમાવેશ થતો હતો. જોકે બાદમાં રોકાણકારોને વળતર તો ઠીક, પોતાની મૂળ રકમ પણ પાછી મળી નહોતી.
પાલઘર પોલીસે રોકાણકારોને અપીલ કરી હતી કે કંપનીની સ્કીમ્સમાં નાણાં ગુમાવનારા રોકાણકારોએ ફરિયાદ માટે પોલીસ સ્ટેશનને આવવું જોઈએ. વધુમાં વધુ ફરિયાદ મળતાં પોલીસના પુરાવા સબળ બનશે.