સુરત: ગુજરાતના સુરતમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતાં આવતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સુરત એસઓજી અને ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને મેડિકલ સ્ટોર પર દરોડો પાડ્યો હતો. જેમાં મેડિકલ સ્ટોરનો માલિક મોહમ્મદ સાજિદ ઈબ્રાહિમ મુલ્લા પશુઓ માટેના લિવર ટોનિકને નાની બોટલોમાં ભરી મનુષ્ય ખાસ કરીને બાળકો માટે જાણીતી કંપનીના નકલી લેબલ લગાવીને વેચતો હતો.
પોલીસે માલિકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
આ અંગે મળતી માહિતી મુજબ એસઓજી અને ફૂડ વિભાગે સુરતના ગોપીપુરાના મોમનાવાડ રોડ પર આવેલા 'શાંતિનાથ મેડિકલ સ્ટોર' પર દરોડો પાડ્યો હતો. જેમાં પશુ માટેના લિવર ટોનિકને નાની બોટલમાં લેબલ મારીને બાળકો માટેની હોવાનું કહીને વેચતો હતો. જેની બાદ પોલીસે માલિકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
5 લિટરના કન્ટેનરમાંથી 60 એમએલ અને 100 એમએલની બોટલ ભરતો
જેમાં તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી 1 લિટર અને 5 લિટરના કન્ટેનરમાંથી પ્રવાહી જે લીવ-52 પ્રોટેક્સ (ઘોડા, ગાય, ભેંસ અને બળદ જેવા પશુઓ માટેનું સપ્લીમેન્ટ) તરીકે ઓળખાય છે.તેને કાઢીને 60 મિલી અને 100 મિલીની નાની બોટલોમાં ભરતો હતો. ત્યારબાદ તે તેના પર નકલી લેબલ લગાવતો હતો.જેમાં દર્શાવવામાં આવતું હતું કે આ ઉત્પાદન બાળકો માટે છે. તેને બજારમાં વેચતો હતો.
હેતુ ગેરકાયદે નફો કમાવવાનો
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પશુઓ માટેના આ સપ્લીમેન્ટના 1 લિટરના પેકની કિંમત આશરે ₹330 છે, જ્યારે 'લીવ-52 ડ્રોપ્સ ' (જે મનુષ્યો માટે છે) ની 60 મિલીની બોટલની કિંમત ₹160 છે. તેમજ આરોપ છે કે આરોપીએ મોટા કન્ટેનરમાંથી પ્રવાહી કાઢીને નાની બોટલોમાં ભર્યું તેના પર નકલી લેબલ લગાવ્યા અને તેને ઊંચા ભાવે વેચ્યું હતું. જેનો હેતુ ગેરકાયદે નફો કમાવવાનો હતો.
આશરે 1000 બોટલોનું વેચાણ કર્યું
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી લગભગ એક વર્ષથી આ પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો. તેમજ પૂછપરછ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે તેણે આ રીતે આશરે 1000 બોટલોનું વેચાણ કર્યું છે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ બોટલો કયા વિસ્તારોમાં વેચવામાં આવી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.