નવી દિલ્હીઃ આજના સમયમાં સતત વધી રહેલી મોંઘવારીના કારણે ઘરના ખર્ચાઓ પહોંચી વળવા અને જરૂરિયાતો પૂરી કરવા માટે સામાન્ય માણસ બેંક લોન પર નિર્ભર બન્યો છે. જો તમે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના ગ્રાહક છો અને ત્યાંથી હોમ લોન, પર્સનલ લોન કે ઓટો લોન લીધી છે તો આ સમાચાર તમારા ખિસ્સા પર સીધી અસર પાડશે. એસબીઆઈ દ્વારા તેની મુખ્ય વ્યાજદર પ્રણાલીઓ જેવી કે RLLR, EBLR અને MCLRમાં વધારો કરવાનો સત્તાવાર નિર્ણય લેવાયો છે.
બેંકે કયા વ્યાજદરોમાં કેટલો વધારો કર્યો?
વ્યાજદરમાં થયેલા આ વધારાને કારણે હવે જે ગ્રાહકોની લોન આ દર સાથે જોડાયેલી છે, તેમણે દર મહિને વધુ ઈએમઆઈ ચુકવવા પડશે. બેંકે રેપો લિન્ક લેન્ડિંગ રેટ (RLLR)માં 0.25 ટકાનો વધારો કરીને તેને 7.50 ટકાથી વધારીને 7.75 ટકા કરી દીધો છે. આ દર સાથે નિયમ મુજબ ક્રેડિટ રિસ્ક પ્રીમિયમ (CRP) પણ ઉમેરાશે. આ સાથે હોમ લોન અને અન્ય બેંચમાર્ક લોન માટે વપરાતા EBLRને 7.90 ટકાથી વધારીને 8.15 ટકા કરવામાં આવ્યો છે. આ દરમાં CRP અને બઝનેસ સ્ટ્રેટેજી પ્રીમિયમ (BSP) પણ લાગુ થશે.
અલગ-અલગ મુદતની MCLR દરોમાં પણ વધારો કર્યો
MCLR દરોમાં વધારાની વાત કરવામાં આવે તો ત્રણ મહિનાનો MCLR દર 8.25 ટકાથી વધીને 8.40 ટકા કરવામાં આવ્યો છે. છ મહિના માટેનો MCLR દર 8.75 ટકા, 1 વર્ષ માટેનો MCLR દર 8.70 ટકાથી વધીને 8.85 ટકા અને 3 વર્ષ માટેનો MCLR દર 8.95 ટકા સુધીનો નવો દર નક્કી કરવામાં આવ્યો છે. જો કે, ઓવરનાઇટ અને 1 મહિનાની મુદત માટે MCLRનો દર 7.85 ટકાએ યથાવત રાખવામાં આવ્યો છે. તો હવે પ્રશ્ન થાય કે આ બદલાવ ક્યારથી લાગુ કરવામાં આવશે?
તેવી વિગતે વાત કરવામાં આવે તો, આ નવા દર આજે એટલે કે 15 ઓક્ટોબરથી લાગુ કરી દેવામાં આવ્યાં છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ નવા દરોને આજથી લાગુ કરવા માટે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આજથી લાગુ થતા આ નવા દરો તમારી ઈએમઆઈ પર કેવી રીતે અસર કરશે, તે તમારી લોન કેવા પ્રકારની અને કયા બેંચમાર્ક સાથે જોડાયેલી છે તેના પર નિર્ભર કરે છે.