(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ રિઝર્વ બૅન્કે ડૉલરમાં સટ્ટાકીય આકર્ષણ ઘટાડવા અને રૂપિયામાં થતું ધોવાણ અટકાવવા માટે લીધેલા પગલાંને ટેકે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત પાંચમાં સત્રમાં ડૉલર સામે રૂપિયામાં આગેકૂચ જળવાઈ રહેતાં વધુ 18 પૈસા મજબૂત થઈને 94.99ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ડેરિવેટીવ્સ માર્કેટમાં ટ્રેડરો દ્વારા લાંબાગાળાની પોઝિશન સરભર કરવામાં આવી હોવાથી અને સંભવિતપણે રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ રહેતાં ડૉલર સામે રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો. જોકે, હાલના બાહ્ય પરિબળો રૂપિયામાં દબાણ લાવી શકે છે, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.17ના બંધ સામે સુધારાના અન્ડરટોને 94.95ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.11 અને ઉપરમાં 94.86 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 18 પૈસા વધીને 94.99ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંઘનીય બાબત એ છે કે છેલ્લાં પાંચ સત્રમાં ડૉલર સામે રૂપિયામાં 189 પૈસાનો સુધારો નોંધાયો છે.
આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા સુધારા અને રોકાણકારોએ ડેરિવેટીવ્સની પોઝિશનો સરભર કરતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, વેપાર ખાધમાં થયેલા વધારા અને આયાતકારોની ડૉલરમાં માગ વધતાં અમુક અંશે સુધારો ધોવાઈ ગયો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્લેષક દિલીપ પરમારે જણાવતા ઉમેર્યું હતું કે હાલમા ડૉલર સામે રૂપિયા માટે 94.70 ડૉલરની સપાટી ટેકાની અને 95.50ની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા જણાય છે.
આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.57 ટકા ઘટીને 101.96 આસપાસ અને બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ 1.82 ટકા ઘટીને બેરલદીઠ 104.13 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 1533.72 પૉઈન્ટનો અને 374.65 પૉઈન્ટનો ઉછાળો આવ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1857.44 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.