અમદાવાદઃ વર્ષ 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાથી લઈને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર મેડ સંધૂની હત્યા સુધી પંજાબના કેટલાક સૌથી હાઈ-પ્રોફાઇલ ગુનાહિત કેસોમાં વોન્ટેડ શંકાસ્પદો માટે ગુજરાતમાં સંતાવવાની પસંદગીની જગ્યા તરીકે ઉભરી આવ્યું છે.
ગુજરાત પોલીસના રેકોર્ડ મુજબ, એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા રાજ્યભરમાંથી પંજાબ સાથે સંકળાયેલા 11 કેસમાં વોન્ટેડ 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસોમાં પંજાબમાં થયેલી હત્યાઓ, રાજકીય હત્યાઓ, હથિયારો અને ગ્રેનેડની સપ્લાય તેમ જ આતંકવાદ સંબંધિત ગુનાઓ સાથેની કથિત સંડોવણી સામેલ છે.
જે સ્થળોએથી શંકાસ્પદો ઝડપાયા છે તેમાં કચ્છ, ભરૂચ, નડિયાદ, મહેસાણા, હાલોલ, જામનગર, અમદાવાદ, ડીસા, પાલનપુર અને વાપીનો સમાવેશ થાય છે. આમાંના ઘણા આરોપીઓ ઔદ્યોગિક મજૂરો, હેલ્પર્સ કે ફેક્ટરી કામદારો તરીકે કામ કરતા ઝડપાયા હતા. જ્યારે અન્યોએ પોતાના વતનના સંપર્કોનો ઉપયોગ કરીને વોન્ટેડ શંકાસ્પદોને આશરો અથવા સાધન-સામગ્રીની સહાય પૂરી પાડી હોવાનો આરોપ છે.
આ ઉપરાંત, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 8 સપ્ટેમ્બરના રોજ મેડ સંધૂ હત્યા કેસના કથિત શૂટર પરમિન્દર પ્રસાદ ઉર્ફે પરમિન્દર કાકાની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સંધૂની ઓક્ટોબર 2026માં અમૃતસરમાં હત્યા કરવામાં આવી હતી. તે કેસ સાથે જોડાયેલા ત્રણ શંકાસ્પદો રાજ્યમાંથી ઝડપાયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યનો ઔદ્યોગિક પાયો, પરિવહન નેટવર્ક, બંદરો અને હાઇવે પરના મથકો તેને ભૂગર્ભમાં ઉતરી જવા માટે અનુકૂળ બનાવે છે. ગુનાઓમાં સંડોવાયેલા લોકો ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં કામની શોધમાં અહીં આવે છે.
કેટલાક પોતાના વતનના સંપર્કો મારફતે પણ આશરો મેળવી લે છે. કોઈ સ્થાનિક વ્યક્તિઓએ તેમની મદદ કરી હતી કે નહીં તેની અમે તપાસ કરી રહ્યા છીએ. જો કોઈ સાંઠગાંઠ સામે આવશે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ ધરપકડો પંજાબ પોલીસ અને ગુજરાતની એજન્સીઓ વચ્ચે માહિતીના સંકલિત આદાન-પ્રદાન બાદ વિવિધ સ્થળોએ હાથ ધરાયેલા ઓપરેશન્સ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ માત્ર મોટા શહેરો પૂરતો મર્યાદિત નથી. આ વોન્ટેડ ગુનેગારોએ અમદાવાદની જેમ જ નાના ઔદ્યોગિક નગરો અને શ્રમિક વસાહતોમાં પણ સરળતાથી આશરો શોધ્યો હતો.