(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ દેશના મુખ્ય ખાંડના ઉત્પાદક રાજ્યોમાં પુરવઠાખેંચની સ્થિતિ સામે દેશાવરોની માગ પ્રબળ રહેતાં ટેન્ડરોમાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહ્યો હોવાથી સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ વન વૅ તેજી આગળ ધપતા હાજરમાં ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. 70થી 140નો અને નાકા ડિલિવરી ધોરણે ક્વિન્ટલે રૂ. 100થી 150નો ઉછાળો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે ઉપાડ લગભગ 27થી 28 ટ્રકનો રહ્યો હતો. તેમ જ મથકો પરના પ્રોત્સાહક અહેવાલે હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 70થી 140 વધીને રૂ. 5282થી 5402 આસપાસ અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 72 અને ઉપલા મથાળેથી રૂ. 70ના સુધારા સાથે રૂ. 5372થી 5512માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે આગામી તહેવારોની મોસમને અનુલક્ષીને ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 150 અને ઉપલા મથાળેથી રૂ. 100ના સુધારા સાથે રૂ. 5150થી 5200માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 100ના સુધારા સાથે રૂ. 5250થી 5350માં થયાના અહેવાલ હતા.