દ્વિપક્ષીય વેપાર કરારનો કાનૂની મુસદ્દો તૈયાર, વાટાઘાટો અંતિમ અને નિર્ણાયક તબક્કામાં હોવાનો દાવો
નવી દિલ્હીઃ ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરેએ જણાવ્યું હતું કે દ્વિપક્ષીય વેપાર કરાર માટેની વાટાઘાટો "ખૂબ જ ઝડપે" આગળ વધી રહી છે અને "મોટા ભાગના મુદ્દાઓ" ઉકેલાઈ ગયા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને પક્ષો આ કરારને આખરી ઓપ આપવામાં સફળ થશે.
અહીં આયોજિત 'બ્લૂમબર્ગ ન્યૂ ઈકોનોમી ફોરમ'માં વાતચીત દરમિયાન ગોરે પ્રસ્તાવિત ભારત-અમેરિકા વેપાર કરારમાં થયેલી પ્રગતિ અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરના મૂલ્યાંકન સાથે સહમતિ દર્શાવતા કહ્યું કે, "અમે આ કરારને અંતિમ રૂપ આપવાની ખૂબ નજીક છીએ." વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત-અમેરિકા વેપાર કરારનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને હાલમાં તેનું કાયદાકીય ડ્રાફ્ટિંગ (કાનૂની મુસદ્દો તૈયાર કરવાનું કામ) ચાલી રહ્યું છે.
તેમણે આશા વ્યક્ત કરી કે આ કરાર ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ લઈ લેશે અને જ્યારે ભારત અન્ય હરીફ દેશોની સરખામણીમાં સ્પર્ધાત્મક લાભ મેળવી લેશે ત્યારે તેને અમલમાં મૂકવામાં આવશે.
અહીં એક કાર્યક્રમમાં ગોયલે કહ્યું હતું કે, "અમેરિકા સાથેના દ્વિપક્ષીય વેપાર કરારનો પ્રથમ હિસ્સો નક્કી થઈ ગયો છે અને હાલમાં કાયદાકીય ડ્રાફ્ટિંગ ચાલી રહ્યું છે. અમને આશા છે કે અમે તેને જલ્દી જ પૂર્ણ કરી લઈશું અને જ્યારે આપણને અન્ય હરીફ દેશોની તુલનામાં સ્પર્ધાત્મક લાભ મળી જશે, ત્યારે તેને અમલમાં મૂકીશું."
વાટાઘાટોની સ્થિતિ વિશે પૂછવામાં આવતા ગોરે કહ્યું હતું કે, "હું અત્યારે બહુ વિગતોમાં જવા માંગતો નથી, આ જાહેરાત મંત્રીઓ દ્વારા જ થવા દઈએ. પરંતુ એકંદરે જોઈએ તો મોટા મુદ્દાઓ પર સહમતી સધાઈ ગઈ છે. અમે સક્રિયપણે કામ કરી રહ્યા છીએ. અહીં આવ્યાના ત્રણ અઠવાડિયાની અંદર જ અમે એક વેપાર કરારની જાહેરાત કરી દીધી હતી. યુરોપિયન યુનિયન સાથેના વેપાર કરારમાં લગભગ 20 વર્ષ લાગ્યા હતા. તેથી આપણે અત્યંત ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમે આ કરાર પૂર્ણ કરી લઈશું."
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેનો મુક્ત વેપાર કરાર લગભગ 20 વર્ષની વાટાઘાટો બાદ જાન્યુઆરીમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ગોરે કહ્યું હતું કે અમે દોઢ વર્ષથી આ દિશામાં કામ કરી રહ્યા છીએ. અમારી ગતિ અવિશ્વસનીય છે, કદાચ આવી ગતિ અગાઉ ક્યારેય જોવા મળી નથી. તેથી મને ખાતરી છે કે અમે આ કરાર પૂર્ણ કરી લઈશું. ભારતે સ્પષ્ટ કર્યું છે કે બંને પક્ષો પરસ્પર લાભદાયી દ્વિપક્ષીય વેપાર કરાર માટે સતત પ્રયત્નશીલ છે.
ફોરમના અગાઉના એક સત્રમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત કરાર અંગેના મતભેદોને દૂર કરવા માટે બંને પક્ષો સતત વાતચીત કરી રહ્યા છે અને વાટાઘાટો હવે એક 'નિર્ણાયક તબક્કા' તરફ આગળ વધી રહી છે. અમેરિકી દૂતે એ વાત પર પણ ભાર મૂક્યો કે આ એક "અત્યંત જટિલ વ્યાપાર કરાર" છે.