Thu Oct 15 2026

Logo

Matheran Mini Train: ફરી દોડશે માથેરાનની રાણી! 20મી ઓક્ટોબરથી નેરળ-માથેરાન મિની ટ્રેન સેવા પૂર્વવત, પર્યટકોમાં ભારે ઉત્સાહ

2026-10-15 20:56:52
Author: Darshana Visaria
Matheran Mini Train: ફરી દોડશે માથેરાનની રાણી! 20મી ઓક્ટોબરથી નેરળ-માથેરાન મિની ટ્રેન સેવા પૂર્વવત, પર્યટકોમાં ભારે ઉત્સાહ

ચોમાસાની ઋતુને કારણે બંધ રાખવામાં આવેલી પ્રવાસીઓની માનીતી નેરળ-માથેરાન મિની ટ્રેન દશેરાના પાવન અવસર પર ફરી પાટા પર દોડવા માટે તૈયાર છે. મંગળવાર, ૨૦ ઓક્ટોબરથી આ ઐતિહાસિક નેરોગેજ સેવા સંપૂર્ણપણે પૂર્વવત થઈ જશે.

આ નિર્ણયથી હવે સહેલાણીઓ સીધા નેરળ રેલવે સ્ટેશનથી જ મિની ટ્રેનમાં બેસીને માથેરાનના કુદરતી સૌંદર્યનો આનંદ માણતાં પહોંચી શકશે. દશેરા અને દિવાળીના તહેવારો ટાણે જ ટ્રેન શરૂ થવાથી સ્થાનિક હોટેલ અને પર્યટન ઉદ્યોગમાં નવી ચેતના આવવાની પૂરેપૂરી આશા છે.

15મી જૂનથી બંધ હતી સેવા

પશ્ચિમ ઘાટના ડુંગરાળ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ભેખડો ધસી પડવાના (લેન્ડસ્લાઇડ) જોખમને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવે દ્વારા 15મી જૂનથી નેરળથી અમન લોજ વચ્ચેની નિયમિત મિની ટ્રેન સેવા સ્થગિત કરવામાં આવી હતી. પ્રવાસીઓની સગવડ માટે માત્ર અમન લોજથી માથેરાન વચ્ચેની ટૂંકી શટલ સેવા ચાલુ રાખવામાં આવી હતી. હવે 20મી ઓક્ટોબરથી નેરળ-અમન લોજ વચ્ચેનો મુખ્ય ટ્રેક પણ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશ-વિદેશના પ્રવાસીઓમાં 'માથેરાનની રાણી' તરીકે જાણીતી આ મિની ટ્રેન આ પર્યટન સ્થળનું મુખ્ય આકર્ષણ છે. વાંકાચૂંકા પાટા પરથી ધીમી ગતિએ પસાર થતી આ ટ્રેનમાંથી પશ્ચિમ ઘાટના ગાઢ જંગલો, ખળખળ વહેતા ઝરણાં અને લીલાછમ ડુંગરોનો અદ્ભુત નજારો જોવા મળે છે. વરસાદ પૂરો થયા બાદ માથેરાનની પ્રાકૃતિક સુંદરતા સોળે કળાએ ખીલી ઊઠે છે, જેથી પ્રકૃતિપ્રેમીઓ માટે આ ટ્રેન સફર શ્રેષ્ઠ અનુભવ સાબિત થશે.