મુંબઈ: દાદર વિસ્તારમાં મિલ કામગારો માટેના મ્હાડા ફ્લેટ સસ્તી કિંમતે અપાવવાને બહાને લોકો સાથે 3.63 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના આરોપસર સાત વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આરોપીઓએ મ્હાડાના ફ્લેટ અપાવવાનું આશ્ર્વાસન આપીને 16 જણ પાસેથી રૂપિયા લીધા હતા. આરોપીઓની ઓળખ અનિલ અરૂણ માને, સંતોષ ટકલે, સુધીર વયંગનકર, શીલા ધુરી, વિલાસ ભાલેરાવ, સિદ્ધેશ જાધવ અને નીલેશ ખાડે તરીકે થઇ હતી.
મઝગાંવ વિસ્તારમાં રહેનારા સુરેશ વસંત શિંદેએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, સુરેશ શિંદેએ આક્ષેપ કર્યો હતો કે રિયલ એસ્ટેટ એજન્ટ અનિલ માને અને તેના સાથીદારે દાદર અને નાયગાંવ ખાતે બોમ્બે ડાઇંગ મિલ મ્હાડા કોલોનીમાં ફ્લેટ અપાવવાની ખાતરી આપી હતી અને નોટરી કરાવેલા મેમોરેન્ડ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર સહી-સિક્કા થયા બાદ તેની પાસેથી 20 લાખ રૂપિયા લીધા હતા.
જોકે બે મહિનામાં ફ્લેટનો શિંદેને ફ્લેટનો તાબો ન મળતાં આરોપીઓએ અન્ય બે ફ્લેટનું અલગથી એમઓયુ કર્યો હતો, પણ એ ફ્લેટનો પણ તાબો આપવામાં આરોપીઓ નિષ્ફળ ગયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
દરમિયાન શિંદેને જાણવા મળ્યું હતું કે આ ટોળકીએ આવી જ મોડસ ઓપરેન્ડીથી અન્ય લોકો સાથે પણ છેતરપિંડી આચરી હતી. અત્યાર સુધી કુલ 16 ફરિયાદી આગળ આવ્યા છે, જેમની પાસેથી આરોપીઓએ 3.63 કરોડ લીધા હતા. (પીટીઆઇ)