નવી દિલ્હી: અમેરિકામાં ઊંચા પગાર અને સારી કારકિર્દીનું સપનું લઈને ગયેલા ભારતીય ટેક પ્રોફેશનલ્સ હવે પાછા ભારત તરફ વળી રહ્યા છે. એચ-1બી વિઝાને લઈને વધતી અનિશ્ચિતતા, અમેરિકાની બદલાતી ઈમિગ્રેશન નીતિઓ અને ટેક કંપનીઓમાં છટણી વચ્ચે આ વાપસીનો આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન અમેરિકાથી આશરે 12,700 વ્હાઈટ-કોલર ટેક પ્રોફેશનલ્સ ભારત પરત ફર્યા છે. આ આંકડો 2025માં નોંધાયેલા 15,100ના વાર્ષિક રેકોર્ડની નજીક પહોંચી ગયો છે.
વર્ષ 2026માં તૂટી શકે છે વાપસીનો રેકોર્ડ
સ્ટાફિંગ કંપની એક્સફેનોના ડેટા મુજબ, 2023માં અમેરિકાથી ભારત પરત ફરનારા ટેક પ્રોફેશનલ્સની સંખ્યા 7,200 હતી, જે 2024માં વધીને 9,800 થઈ હતી. 2025માં આ આંકડો 15,100 સુધી પહોંચ્યો હતો. આ જ ગતિ ચાલુ રહે તો 2026ના અંત સુધીમાં પાછા ફરનારા પ્રોફેશનલ્સની સંખ્યા ગયા વર્ષનો રેકોર્ડ વટાવી શકે છે. જોકે, આ આંકડા માત્ર એચ-1બી વિઝા ધારકોના નથી, પરંતુ ભારત અને અમેરિકા વચ્ચે આવનજાવન કરતા વ્હાઈટ-કોલર ટેક કર્મચારીઓનો પણ આમાં સમાવેશ થાય છે.
અમેરિકાથી પરત ફર્યા, પણ નોકરી મેળવવી સરળ નથી
ભારત પરત ફરવાનો નિર્ણય લેતા પહેલાં ઘણા પ્રોફેશનલ્સ માને છે કે વિદેશનો અનુભવ તેમને અહીં સારી નોકરી અપાવશે. પરંતુ ભારતીય ટેક ક્ષેત્રમાં ભરતી સ્થિરતા લાવતી નથી અને કંપનીઓ હવે પસંદગીના કૌશલ્ય ધરાવતા ઉમેદવારોને જ પ્રાથમિકતા આપી રહી છે. એક્સફેનોના સહ-સ્થાપક કમલ કરંથના જણાવ્યા અનુસાર, ભારતીય ટેક ક્ષેત્રમાં 2021 પછી ભરતીમાં સતત સ્થિરતા જોવા મળી નથી. બીજી તરફ, કંપનીઓ હવે ઉમેદવારનો વિદેશી અનુભવ જ નહીં, પરંતુ તેની વિશેષ કુશળતા અને કામના અનુભવને પણ મહત્ત્વ આપે છે.
અમેરિકાના પગારની સરખામણીમાં ભારતમાં આવક ઘણી ઓછી
પરત ફરનારા ટેક પ્રોફેશનલ્સ માટે સૌથી મોટો પડકાર પગારનો છે. અહેવાલમાં નિષ્ણાતોના હવાલાથી જણાવાયું છે કે હોદ્દા, કંપની, સ્થળ અને પ્રોજેક્ટના અનુભવ પ્રમાણે ઘણા લોકોને અમેરિકામાં મળતા પગારના માત્ર 25થી 33 ટકા જેટલા પગારમાં કામ સ્વીકારવું પડી શકે છે.
એક્સફેનોના ડેટા મુજબ, અમેરિકામાં એચ-1બી વિઝા પર કામ કરતા ફુલ-સ્ટેક એન્જિનિયરનો સરેરાશ વાર્ષિક પગાર 1,05,000 ડૉલર છે, જ્યારે ભારતમાં સમાન કૌશલ્ય ધરાવતા ટોચના એક ટકા પ્રોફેશનલ્સ વાર્ષિક 20,000થી 32,000 ડૉલર જેટલી આવક મેળવી શકે છે.
ટીમલીઝ ડિજિટલનાં મુખ્ય કાર્યકારી અધિકારી નીતિ શર્માના જણાવ્યા મુજબ, ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ), મશીન લર્નિંગ, ડેટા, પ્રોડક્ટ લીડરશિપ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં કુશળતા ધરાવતા પ્રોફેશનલ્સની માગ છે. એઆઈનો ઉપયોગ કરીને કંપનીઓમાં નવી ટેક્નોલોજી લાગુ કરી શકે તેવા નિષ્ણાતો માટે પણ તકો છે. જોકે, અમેરિકાથી પરત ફરેલા ઉમેદવારોએ ભારતમાં ઉપલબ્ધ પગાર અને નોકરીની વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને પોતાની અપેક્ષાઓ સાથે સમાધાન કરવું પડી શકે છે.
ભારત તરફ વાપસી વધી, છતાં અમેરિકા જનારાઓની સંખ્યા વધુ
એક્સફેનોના આંકડા પ્રમાણે જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ભારતમાંથી આશરે 14,500 લોકો અમેરિકા ગયા હતા. એટલે કે, હાલના આંકડા મુજબ અમેરિકા જનારાઓની સંખ્યા ભારત પરત ફરનારાઓ કરતાં હજુ વધારે છે. જોકે, વાપસીની વધતી સંખ્યા બંને વચ્ચેનું અંતર ઘટાડી રહી છે.
અમેરિકાની વિઝા નીતિઓમાં અનિશ્ચિતતા અને ટેક કંપનીઓમાં છટણી આ બદલાવ પાછળનાં સંભવિત કારણો તરીકે જોવામાં આવે છે. ભારત પરત ફરનારા પ્રોફેશનલ્સ માટે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી) પણ નોકરીની એક સંભવિત તક છે, પરંતુ અહીં પણ તેમને અનુભવી સ્થાનિક ઉમેદવારો સાથે સ્પર્ધા કરવી પડશે.