Thu Oct 15 2026

Logo

મણિપુરમાં BSFના 75 જવાન ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા: હોસ્પિટલમાં દાખલ

2026-10-15 19:35:32
Author: Mumbai Samachar Team
મણિપુરમાં BSFના 75 જવાન ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા: હોસ્પિટલમાં દાખલ

ઈમ્ફાલઃ મણિપુરના પાટનગર શહેર ઈમ્ફાલમાં આજે ફૂડ પોઈઝનિંગને કારણે BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)ના 75 જવાન સહિત અન્ય ત્રણ લોકોની તબિયત લથડી છે. સારવાર માટે એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઊલ્ટી અને સતત પેટમાં દુખાવાની ફરિયાદ ઊઠતા આ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. 
અધિકારીએ જણાવેલી વિગત અનુસાર, ફૂડ પોઈઝનિંગની અસર સૈન્યના જવાન અને ત્રણ નાગરિકોને થઈ છે. આ ઘટના ગુરૂવારે બપોરના સમયે બની હતી.  પછી તેમને યુદ્ધના ધોરણે હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. 

તમામ લોકોની તબિયત સારી

એવું જાણવા મળ્યું હતું કે, બપોરના સમયે આ લોકોએ નાસ્તો કર્યા બાદ એમની તબિયત લથડી ગઈ હતી. એ પછી સારવાર માટે એમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ તમામ લોકોની ઈમરજન્સી વોર્ડમાં સારવાર ચાલું છે. હાલમાં આ તમામ લોકોની સ્થિતિ સારી છે. રિક્વરી પણ સારી છે. 

બીમાર થવા પાછળનું કારણ ફૂડ પોઇઝનિંગ હોવાનું જાણવા મળ્યું છે. વિગત એવી પણ મળી છે કે, લામશાંગ વિસ્તારમાં તૈનાત BSFની 58મી બટાલિયનના 75 જવાનો અને 3 નાગરિકો આ ઘટનાનો ભોગ બન્યા છે. નાસ્તામાં પૂરી-શાક ખાધા પછી, સૈનિકોએ સતત ઉલટી થવાની ફરિયાદ કરી. પ્રાદેશિક તબીબી વિજ્ઞાન સંસ્થાનમાં એમની સારવાર કરવામાં આવી રહી છે. 

ફૂડની તપાસ શરૂ

ઈમ્ફાલમાંથી આ કેસ સામે આવ્યા બાદ સૈન્યના અન્ય યુનિટમાં ફૂડની તપાસ વધારી દેવામાં આવી છે. ખાસ કરીને સમયાંતરે આપવમાં આવતા ફૂડની પણ તપાસ થઈ રહી છે. ફરી આવી કોઈ ઘટના ન બને એ માટે સૈન્ય વિભાગ તરફથી પણ પગલાં લેવાના શરૂ થઈ ગયા છે.