Thu Oct 15 2026

Logo

અમરેલીમાં રાજુલા-જાફરાબાદ ફોરલેન પ્રોજેક્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ

2026-10-15 20:04:04
Author: Mayur Patel
અમરેલીમાં રાજુલા-જાફરાબાદ ફોરલેન પ્રોજેક્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ

Chat GPT Image


 અમરેલીઃ રાજુલા-જાફરાબાદ વિસ્તારમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે-34 ના ફોરલેન પ્રોજેક્ટ સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. જમીન સંપાદન, રોડની હદ અને પૂરતા વળતર સહિતના પ્રશ્નોને લઈને અસરગ્રસ્ત ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ રાજુલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપી ઉગ્ર રજૂઆત કરી હતી.

રાજુલા-જાફરાબાદ ખેડૂત સંકલન સમિતિના નેજા હેઠળ લોઠપુર, લૂણસાપુર, વાંઢ, મિતિયાળા અને જાફરાબાદ ગામના ખેડૂતોએ વહીવટી તંત્ર સમક્ષ પોતાના વાંધાઓ રજૂ કર્યા હતા. ખેડૂતોએ તેમની માલિકીની ખાનગી જમીનનો ઉપયોગ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ તેની સામે સંપાદન અને વળતરના જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

ખેડૂત સંકલન સમિતિએ રોડની હદ 30 મીટર કે તેથી વધુ હોવા અંગે સત્તાવાર રેકોર્ડ આધારિત સ્પષ્ટતા માગી હતી. તેમજ સંયુક્ત માપણી શીટ, જમીન સંપાદનને લગતા તમામ દસ્તાવેજો જાહેર કરવાની તથા સ્થળ પર સંયુક્ત સર્વે કરી વાંધાઓનો ન્યાયપૂર્ણ નિકાલ લાવવાની માગ કરી હતી. ખેડૂતોના કહેવા પ્રમાણે,જ્યાં સુધી સત્તાવાર માપણી કરી માપણી શીટ ન અપાય અને કાયદેસર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ખેતરોનો કબજો ન લેવો જોઈએ અને સંબંધિત કામગીરી તાત્કાલિક સ્થગિત કરવી જોઈએ.

આ ઉપરાંત આવેદનપત્રમાં પર્યાવરણીય મુદ્દાઓ પણ ગંભીરતાથી ઉઠાવવામાં આવ્યા હતા. રોડ પહોળો કરવા માટે રક્ષિત જંગલના વૃક્ષો કપાવાની સંભાવના અને તેના બદલામાં અન્યત્ર વૃક્ષારોપણ કરવાની સરકારી જોગવાઈઓ સામે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ, હાઈવેની આસપાસ આવેલા ઘટાદાર વૃક્ષો પ્રદૂષણ અને ધૂળ રોકવા માટે કુદરતી ઢાલ સમાન છે. આ વૃક્ષો દૂર થવાથી આસપાસના કપાસ, કેરી તેમજ શાકભાજીના પાકને મોટું નુકસાન પહોંચશે અને સ્થાનિક પર્યાવરણ જોખમાશે. જો આગામી ત્રણ દિવસમાં હાઈવેની કામગીરી અટકાવી યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી.