Thu Oct 15 2026

Logo

એફડીએના ફરિયાદ પોર્ટલ પર નોંધાઈ 13,857 ફરિયાદ: 9,955નો નિકાલ

2026-10-15 21:14:21
Author: Mumbai Samachar Team
એફડીએના ફરિયાદ પોર્ટલ પર નોંધાઈ 13,857 ફરિયાદ: 9,955નો નિકાલ

મુંબઈ: મહારાષ્ટ્રના એફડીએના ફરિયાદ પોર્ટલ પર દબંગ અધિકારી તુકારામ મુંઢેના આવ્યા બાદ 15 ઑક્ટોબર 2026ના રોજ બપોરે 3:52 વાગ્યા સુધીમાં કુલ 13,857 ફરિયાદો નોંધાઈ હતી. તેમાંથી 9,955 ફરિયાદોનો નિકાલ થયો છે, એટલે કે 71.8 ટકા ફરિયાદો પર કાર્યવાહી પૂર્ણ થઈ છે. જોકે, 2,869 ફરિયાદોની તપાસ હજી ચાલુ છે, જ્યારે 1,033 નવી ફરિયાદોની તપાસ શરૂ થવાની બાકી છે.

કુલ 13,857 ફરિયાદોમાંથી 13,017 ફરિયાદો ખાદ્ય પદાર્થો સંબંધિત છે, જે કુલ ફરિયાદોના 93.9 ટકા થાય છે. દવાઓ અંગે 840 ફરિયાદો નોંધાઈ છે, જે 6.1 ટકા છે. આથી ફરિયાદ પોર્ટલ પર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી સંબંધિત ફરિયાદોનું પ્રમાણ સૌથી વધુ હોવાનું સ્પષ્ટ થાય છે.

ફરિયાદોની ગંભીરતા પ્રમાણે, 10,452 ફરિયાદો અતિગંભીર શ્રેણીમાં નોંધાઈ છે, જે કુલ મળેલી ફરિયાદોના 75.4 ટકા છે. આ ઉપરાંત, 1,409 ફરિયાદો અત્યંત ગંભીર, 1,884 મધ્યમ ગંભીર અને 112 ઓછી ગંભીરતાની શ્રેણીમાં છે.

ફરિયાદોના નિકાલ માટે અત્યાર સુધી સરેરાશ સમય 18.9 દિવસ લાગ્યો હોવાની માહિતી એફડીએના સંબંધિત અધિકારીઓએ આપી હતી. કુલ 4,068 ફરિયાદોને ઓછામાં ઓછી એક વખત ઉચ્ચ સ્તરે મોકલવામાં આવી હતી. આ ઉપરાંત, 11,491 નકારવામાં આવેલી એન્ટ્રીઓ અલગથી નોંધાઈ છે. આ આંકડો કુલ પ્રાપ્ત થયેલી 13,857 ફરિયાદોમાં સામેલ નથી.

એફડીએના આંકડા મુજબ, નિકાલ થયેલી ફરિયાદોમાં એવી ફરિયાદોનો પણ સમાવેશ થાય છે જેમાં વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નવી ફરિયાદો પર તપાસ હજી શરૂ થઈ નથી, જ્યારે તપાસ હેઠળની ફરિયાદોનો નિકાલ બાકી છે.

અહીં એ જણાવવાનું કે 25 મે, 2026ના એફડીએ કમિશનર તરીકે તુકારામ મુંઢેની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે સૌથી પહેલા એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યાર પછી ફૂડમાં ભેળસેળ કરનારા વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં હવે જનતાનો પણ સાથ મળી રહ્યો છે.