Thu Oct 15 2026

Logo

સિંગતેલના ડબ્બાનો ભાવ 3,000 રુપિયાને પારઃ એક જ અઠવાડિયામાં રૂ. 100નો ઉછાળો

2026-10-15 20:06:00
Author: Mayur Patel
સિંગતેલના ડબ્બાનો ભાવ 3,000 રુપિયાને પારઃ એક જ અઠવાડિયામાં રૂ. 100નો ઉછાળો

અમદાવાદઃ કૂદકેને ભૂસકે વધી રહેલી મોંઘવારીએ જનતાની ઊંઘ હરામ કરી નાખી છે, ત્યારે હવે સિંગતેલના ભાવમાં ધરખમ વધારો થવાના અહેવાલથી વધુ એક ફટકો પડ્યો છે. ગુજરાતમાં 15 કિલોના સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 3,000ને પાર થઈ ગયો છે, જેમાં છેલ્લા  એક જ અઠવાડિયામાં રૂ. 100નો વધારો નોંધાયો છે. 

વર્ષ 2023ની સિઝન પછી ભાવમાં લગભગ 20 ટકાનો ઉછાળો આવ્યો છે, જે ઘરોમાં સિંગતેલનો સૌથી વધુ વપરાશ કરવામાં આવે છે તેવા ઘરોમાં આ ભાવ વધારથી ગૃહિણીઓના બજેટ પર અસર પડી છે. 
વેપારીઓને એવી અપેક્ષા હતી કે નવી મગફળીની આવક શરૂ થતાં ભાવો ઘટશે, પરંતુ મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં પાકને થયેલા નુકસાન અને સીધા વપરાશ માટે મગફળીની ભારે માંગના કારણે ઓઇલ મિલો સુધી કાચો માલ ઓછો પહોંચી રહ્યો છે, જેના લીધે પુરવઠો ખોરવાયો છે.

સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લા છ-સાત દિવસમાં 15 કિલોના ડબ્બાદીઠ રૂ. 80થી રૂ. 100નો વધારો થયો છે. સામાન્ય ડબ્બો આશરે રૂ. 2,950માં વેચાઈ રહ્યો છે, જ્યારે 15 લિટરનું પેકિંગ રૂ. 2,700માં મળી રહ્યું છે. નવી આવક સાથે ભાવ ઘટવાની ધારણા હતી, પરંતુ તેનાથી વિપરીત સ્થિતિ સર્જાઈ છે. છૂટક બજારમાં જાણીતી બ્રાન્ડના 15 કિલોના ડબ્બાનો ભાવ ટેક્સ સહિત આશરે રૂ. 3,030 સુધી પહોંચી ગયો છે.

સૂત્રોએ ઉમેર્યું કે નવો પાક આવવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ ઓઇલ મિલો સુધી તે પૂરતા પ્રમાણમાં પહોંચી રહ્યો નથી. સારી ગુણવત્તાવાળી મગફળી સીધી ખાવા માટે બજારમાં વેચાઈ રહી છે. 

ઓઇલ મિલોએ હજુ સુધી આ સિઝન માટે પૂરતા પ્રમાણમાં પિલાણ શરૂ કર્યું નથી. વધુમાં, મગફળીના મુખ્ય ઉત્પાદક વિસ્તારો એવા દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન થયું છે. દ્વારકામાં પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જ્યારે જામનગરમાં આશરે 50 ટકા પાક પ્રભાવિત થયો  છે. જામનગરના દ્વારકા તરફના વિસ્તારોમાં પાકની સ્થિતિ નબળી રહી છે, જ્યારે રાજકોટ તરફના વિસ્તારોમાં પરિસ્થિતિ પ્રમાણમાં સારી છે. 

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું હતું કે સિઝન આગળ વધતાં મજબૂત માંગ અને મર્યાદિત પુરવઠાને કારણે ભાવ હજુ વધી શકે છે. ઓઇલ મિલોને વેચવાને બદલે ગ્રાહકોને સીધું વેચાણ કરવાથી ખેડૂતોને વધુ વળતર મળે છે, જેના કારણે મિલો માટે કાચા માલની તંગી વધુ ઘેરી બની છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતી પરિવારોમાં પરંપરાગત રીતે દિવાળી આસપાસ આખા વર્ષ માટે સિંગતેલનો સંગ્રહ કરવાનો રિવાજ છે. જોકે, તહેવારો ટાણે જ ભાવો આસમાને પહોંચતાં ગ્રાહકોના ખિસ્સા પર વધુ બોજ પડશે.