Thu Oct 15 2026

Logo

ચાંદી રૂ. 5547 ગબડી, સોનામાં રૂ. 122નો ઘસરકો

2026-10-15 19:58:00
Author: Ramesh Gohil
ચાંદી રૂ. 5547 ગબડી, સોનામાં રૂ. 122નો ઘસરકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈન્ડેક્સની જાહેરાત પૂર્વે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યાના પ્રોત્સાહક અહેવાલ છતાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 5547 ગબડી ગયા હતા, જ્યારે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 121થી 122નો સાધારણ ઘસરકો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 5547ના ઘટાડા સાથે રૂ. 2,08,275ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં પણ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે રોકાણલક્ષી માગ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 121ના ઘટાડા સાથે રૂ. 1,45,358 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 122 ઘટીને રૂ. 1,45,942ના મથાળે રહ્યા હતા. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.3 ટકા વધીને આૈંસદીઠ 4156.58 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 1.7 ટકા વધીને 4178.50 ડૉલર આસપાસ તથા ચાંદીના ભાવ 1.9 ટકા ઊછળીને આૈંસદીઠ 56.69 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

ગઈકાલે અમેરિકાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં અપેક્ષા કરતાં વધુ વધારો થયો હોવાથી આગામી 27-28 ઑક્ટોબરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા સોનામાં વેચવાલીનું દબાણ રહ્યા બાદ આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા ઘટાડા ઉપરાંત 10 વર્ષીય અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ ઘટી આવી હોવાથી ઘટ્યા મથાળેથી લેવાલીનો ટેકો મળ્ો હોવાનું સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજી વિભાગના હેડ ઑલે હાસને જણાવ્યું હતું. 

હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અને ફેડરલ રિઝર્વનાં વ્યાજદરમાં વધારો કરવાના નિર્ણયને સ્પર્શે તેવા અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના અને રિટેલ વેચાણના ડેટા પર સ્થિર થઈ હતી. બજાર વર્તુળો પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેકસ 5.4 ટકાના સ્તરે રહે તેવી ધારણા મૂકી રહ્યા છે જો અનુમાન આસપાસ સપાટી રહેશે તો બૉન્ડની યિલ્ડમાં વધારો થતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવી શકે છે, એમ સ્ટોન એક્સના વિશ્લેષક ર્હોના ઑ કૉનેલે જણાવ્યું હતું. 

સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ગઈકાલે ફુગાવાના ડેટાની જોહેરાત પશ્ચાત્‌‍ ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી 29 ટકા શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા હતા. જોકે ફુગાવાની જાહેરાત પૂર્વે બાવીસ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી હતી. વધુમાં ગઈકાલે સાન ફ્રાન્સિસ્કો ફેડના પ્રમુખ મેરી ડેલેએ વ્યાજદરમાં વધુ વધારાની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું, પરંતુ ઑક્ટોબરની બેઠકમાં વ્યાજદરમાં વધારાની જરૂર ન હોવાનું પણ કહ્યું હતું.