નોકરાણી સહિત બે જણને આજીવન કારાવાસ
મુંબઈ: બાંદ્રા વિસ્તારમાં 2018માં વૃદ્ધ દંપતીની હત્યા અને લૂંટના કેસમાં કોર્ટે ગુરુવારે નોકરાણી અને તેના સાથીદારને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
એડિશનલ સેશન્સ જજ વી. બી. બોહરાએ જણાવ્યું હતું કે તપાસકર્તા પક્ષ એ હકીકત પુરવાર કરવામાં સફળ રહ્યો હતો કે આરોપીઓએ તેમના સમાન ઇરાદાને આગળ વધારતા દંપતીના ઘરમાં લૂંટ ચલાવી હતી અને બાદમાં તેમની હત્યા કરી હતી.
જોકે કોર્ટે આરોપીઓ માટે મૃત્યુદંડની માગણી કરતી તપાસકર્તા પક્ષની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે ધ્યાનમાં લીધું હતું કે આ કેસ સાંયોગિક પુરાવાઓ પર આધારિત છે અને તેે ‘રૅરેસ્ટ ઓફ રૅર’ શ્રેણીમાં આવતો નથી.
મૂળ ઓડિશાના વતની આરોપી નોકરાણી પાર્વતી કે. ખાકા અને તેના પુરુષ સાથીદાર સિંઘાસન મુકુટ ઇક્કા (એ સમયે 20 અને 26 વર્ષનાં)ને ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા) અને 394 (લૂંટ) હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા હતા.
બાંદ્રા પશ્ર્ચિમમાં એકતા હાઇટ્સ બિલ્ડિંગના ફ્લેટમાં 21 જૂન, 2018ના રોજ નાનક ગોપાલદાસ મખીજાની (85) અને તેમની પત્ની દયા (81)ના હત્યા કરાયેલા મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાના પંદર દિવસ અગાઉ પાર્વતી ખાકા વૃદ્ધ દંપતીને ત્યાં કેરટેકર તરીકે જોડાઇ હતી. 20 જૂને રાતે પાર્વતી તેના સાથીદાર સાથે વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસી હતી. બંનેએ વૃદ્ધ દંપતીના હાથ-પગ બાંધી દીધા હતા અને બાદમાં ગળું દબાવીને તેમની હત્યા કરી હતી. આરોપીઓએ કબાટનો સામાન અસ્તવ્યસ્ત કર્યો હતો અને દાગીના તથા રોકડ ચોરી તેઓ ફરાર થઇ ગયા હતા.
(પીટીઆઇ)