અમરેલીઃ ગુજરાતમાં અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદમાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ફોરલેન વિસ્તરણ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટની જમીન સંપાદનની પ્રક્રિયાના અને વિવિધ માંગણીઓ ન સંતોષાતા ખેડૂતો નારાજ છે. જેના પગલે ખેડૂતોએ એકત્ર થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
ખેડૂતોની માગ
આ અંગે મળતી માહિતી મુજબ લોઠપૂર, લુણસાપુર, મીતીયાળા તેમજ જાફરાબાદ પંથકના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જમીન સંપાદન બાબતે ખેડૂતોના હિત સચવાય તે માટે સરકારી સ્તરે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે, જો તેમની માંગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે. ખેતરમાં વીજલાઈન નાંખવા મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શન બાદ આ બીજું મોટું વિરોધ પ્રદર્શન બને એવી શક્યતાઓ વર્તાય રહી છે.
મોટી ચિમકી
ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવાયું છે કે, જો આગામી 3 દિવસની અંદર ફોરલેન પ્રોજેક્ટ અને જમીન સંપાદનના પ્રશ્નો અંગે હકારાત્મક અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે, તો ખેડૂતો આગળની રણનીતિ નક્કી કરશે. તેમજ જો સમયમર્યાદામાં તેમની વિવિધ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો ફોરલેન પ્રોજેક્ટનું કામ અટકાવી દેશે અને હાઇવે પર ઉતરીને ગાંધીચિંધ્યા માર્ગે આક્રમક આંદોલન શરૂ કરશે.