Fri Oct 16 2026

Logo

વરલી સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કાદવમાંથી બાયોગૅસનું નિર્માણ થશે

2026-10-15 22:47:52
Author: Sapna Desai
વરલી સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કાદવમાંથી બાયોગૅસનું નિર્માણ થશે

પ્રોજેક્ટનું ૬૩ ટકા કામ પૂર્ણ, સપ્ટેમ્બર, ૨૭ સુધીમાં કામ પૂરું કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
પર્યાવરણનું સંરક્ષણ કરવા, દરિયાના પાણીની ગુણવત્તા સુધારવા તેમ જ દરિયાઈ જીવોના સંવર્ધન માટે સાત સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)નું કામ મુંબઈ મહાનગર પાલિકાએ હાથ ધર્યું છે, તેમાંથી વરલી સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૭માં પૂર્ણ કરાશે. પ્રોજેક્ટ હેઠળ દરરોજ ૫૦૦ મિલ્યન લિટર સ્યૂએજ વોટર પર દ્વિતીય સ્તરની પ્રક્રિયા અને તેમાંથી ૨૫૦ એમએલ સ્યૂએજ વોટર પર તૃતીય સ્તરની પક્રિયા કરાશે, જેમાં પ્લાન્ટમાં નીકળનારા ગાળ પર પ્રક્રિયા વખતે નિર્માણ થનારા બાયોગૅસમાંથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે.  હાલ આ પ્રોજેક્ટનું ૬૩ ટકા કામ પૂર્ણ થયું છે.

મુંબઈમાં સ્યૂએજ વોટર પ્રોજેક્ટ હેઠળ વરલીમાં પ્રતિદિન ૫૦૦ મિલ્યન લિટરની ક્ષમતાનું સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભું કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ તેની નિર્ધારીત ડેડલાઈનમાં પૂરું કરવા માટે વધારાના મનુષ્યબળને તહેનાત કરવાનો નિર્દેશ પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે આપ્યો હતો. ગુરુવારે પ્રોજેક્ટના ઈન્સ્પેકશન દરમ્યાન બાંગરે અલગ અલગ પ્રોસેસ ટાંકી, ઈનલેટ-આઉટલેટ વ્યવસ્થા, પંપ હાઉસ, સ્લજ પ્રોસેસ યુનિટ અંતર્ગત પાઈપલાઈન, પંપ, એરેશન બ્લોઅર્સ, સ્ક્રીનિંગ અને સ્લજ પ્રક્રિયા સિસ્ટમ, વિવિધ મેકેનિકલ ઉપકરણો અને પાઈપિંગ ઊભારણી જેવા કામનો  અહેવાલ લીધો હતો. સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પહેલા તબક્કામાં એક પમ્પિંગ સ્ટેશનનું કામ પૂર્ણ થયું છે, તેથી તેને જલદી શરૂ કરવામાં આવવાનું છે.

 આ પ્રોજેક્ટમાં મેમ્બ્રેન બાયો રિએક્ટર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પ્રોજેકટ હેઠળ દરરોજ ૫૦૦ મિલ્યન લિટર ગંદા પાણીને બીજા સ્તરની  ટ્રીટમેન્ટ કરવામાં આવશે, જ્યારે ત્રીજા સ્તરમાં દરરોજ ૨૫૦ મિલ્યન લિટર ગટરના પાણી પર પ્રક્રિયા કરાશે. આ સાથે જ ( કાદવ)ને વર્ગ ‘અ’ સ્તર સુધી પ્રક્રિયા કરવામાં આવશે અને પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા બાયોગેસમાંથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે.