Fri Oct 16 2026

Logo

કચ્છમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો! ભીમાસરમાંથી રૂ. 63 લાખથી વધુનો દારૂ-બિયર ઝડપાયો

2026-10-15 22:41:14
Author: Mumbai Samachar Team
કચ્છમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો! ભીમાસરમાંથી રૂ. 63 લાખથી વધુનો દારૂ-બિયર ઝડપાયો

Chat GPT Generated Image


ભુજ: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી સીમાવર્તી રાપર તાલુકાના ભીમાસર ગામમાંથી રૂ. 63 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગાંધીનગર સ્થિત ખાસ ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી આ મોટું ઓપરેશન પાર પાડતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા અને ઘોર બેદરકારીના પ્રત્યાઘાતરૂપે આડેસર પોલીસ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકી દેવાયા છે.

રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકની સીધી સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ કે.ડી. રવિયા અને તેમની ટીમે બાતમીના આધારે રાપરના ભીમાસર ગામે પૃથ્વીરાજસિંહના બંધ મકાન તેમજ દુકાનમાં સપાટો બોલાવ્યો હતો. સ્થળ પર તપાસ હાથ ધરતાં વિદેશી શરાબ અને બિયરની કુલ 604 પેટીઓ એટલે કે અંદાજે 23729 બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 6295091ની કિંમતનો શરાબ-બિયર, એક મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ. 6308761નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રામદેવસિંહ દિલુભા વાઘેલા (રહે. ભીમાસર, તા. રાપર) નામના આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો. જ્યારે અન્ય આરોપીઓ હરદેવસિંહ દિલુભા વાઘેલા (રહે. ભીમાસર), પટેલ જ્ઞાતિનો એક અજ્ઞાત શખ્સ તેમજ સરહદ પારથી ગેરકાયદે માલ ભરી આપનાર અજાણ્યા સપ્લાયર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરાઈ છે.

આડેસર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સરહદી વાગડ પંથકમાં આટલી મોટી માત્રામાં શરાબનો જથ્થો ક્યાંથી ઘૂસાડાયો અને આગળ ક્યાં કટિંગ થવાનું હતું, તે દિશામાં ઉચ્ચ સ્તરેથી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉત્સવ વૈદ્ય