Thu Oct 15 2026

Logo

15 લાખ રૂપિયાના ભાવની જમીન વેચી ત્રણ કરોડ રૂપિયાના ભાવમાંઃ પંજાબ ક્રિકેટ અસોસિયેશનની ડીલમાં કૌભાંડ?

2026-10-15 22:35:27
Author: Ajay Motiwala
15 લાખ રૂપિયાના ભાવની જમીન વેચી ત્રણ કરોડ રૂપિયાના ભાવમાંઃ પંજાબ ક્રિકેટ અસોસિયેશનની ડીલમાં કૌભાંડ?

જલંધરઃ ભૂતપૂર્વ ક્રિકેટર રાકેશ હાંડાએ જમીન ખરીદીના મામલે પંજાબ ક્રિકેટ અસોસિયેશન (PCA) પર ગંભીર આરોપ લગાવ્યા છે જેમાં તેમણે કહ્યું છે કે એકર દીઠ 15 લાખ રૂપિયાના ભાવવાળી જમીન (LAND) ત્રણ કરોડ રૂપિયાના ભાવે વેચવામાં આવી હોવાનું કહેવાય છે. લગભગ 80 કરોડ રૂપિયામાં પીસીએ દ્વારા જમીન ખરીદવામાં આવી હોવાનું મનાય છે.

હાંડાએ પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં આક્ષેપ કર્યો છે કે ભટિંડામાં 18.5 એકર અને અમૃતસરમાં 19.5 એકર જમીનને લગતી કરોડો રૂપિયાની લૅન્ડ ડીલ સંબંધમાં શંકાની સૉય જેવી સ્થિતિ છે. આ આક્ષેપને પગલે એન્ફૉર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) દ્વારા કથિત ગરબડ શોધી કાઢી હોવાનું મનાય છે.

આ જમીનનું ડીલ ફેબ્રુઆરી, 2026માં થયું હતું જેમાં ખરીદ અને વેચાણ માટેના ભાવની રકમમાં 20 ગણો વધારો જોવા મળ્યો છે. ઇડીએ મોહાલી પોલીસમાં એફઆઇઆર નોંધવાની ભલામણ કરી છે.

એક જાણીતા ઇંગ્લિશ દૈનિકના અહેવાલ મુજબ પીસીએ દ્વારા આ જમીન ખેલકૂદને લગતી સગવડો ઊભી કરવા માટે ખરીદી હતી. ઑગસ્ટ-નવેમ્બર, 2025માં બે રિયલ એસ્ટેટ ડેવલપરે અમૃતસરમાં ખેતી માટેની જમીન એકર દીઠ 15 લાખ રૂપિયાના ભાવે ખરીદી હતી. ફેબ્રુઆરી, 2026માં એ જ જમીન એકર દીઠ ત્રણ કરોડ રૂપિયાના ભાવે પીસીએને વેચી હતી. પીસીએ દ્વારા બચાવમાં જણાવવામાં આવ્યું છે કે ઑગસ્ટ, 2025માં પીસીએ દ્વારા જે જાહેરખબર આપવામાં આવી હતી એ મુજબ જ જમીન ખરીદવામાં આવી હતી. એ જાહેરખબર મુજબ કોઈ પણ જમીન-માલિક પીસીએ સમક્ષ પોતાની જમીનની વિગતો રજૂ કરી શકતા હતા.