નવી દિલ્હીઃ SIR વિવાદ વચ્ચે દેશના મુખ્ય ચૂંટણીપંચે ગુરૂવારે એક મહત્ત્વનું એલાન કર્યું, દેશના 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની મતદાર યાદીનું SSR (સ્પેશ્યલ સમરી રિવિઝન) કરવામાં આવશે. આ યોજનામાં એવા રાજ્યો પણ સામેલ છે જ્યાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, અને ગોવા સહિતના રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશના ચૂંટણીપંચને આ અંગે એક ખાસ પત્ર લખવામાં આવ્યો છે.
SSRનો હેતુ
આ રિવિઝન અંદામાન અને નિકોબાર ટાપુ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, મણિપુર, પોંડીચેરી, પંજાબ, રાજસ્થાન, તમિલનાડું, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં લાગુ થશે. જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR - વિશેષ સઘન પુનરાવલોકન) પ્રક્રિયા ચાલી રહી છે અથવા તાજેતરમાં પૂર્ણ થઈ છે, ત્યાં'સ્પેશિયલ સમરી રિવિઝન' (SSR - વિશેષ સંક્ષિપ્ત પુનરાવલોકન) માટેનું સમયપત્રક પછીથી જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ SSRનો હેતુ પાત્ર મતદારો ખાસ કરીને યુવાનો અને પ્રથમ વખત મતદાન કરનારાઓને મતદાર યાદીમાં સામેલ કરવાનો છે, તેમજ તેમાં નોંધાયેલી વિગતોની ચોકસાઈ સુધારવી અને પુનરાવલોકન પ્રક્રિયાને વધુ સચોટ બનાવવાનો છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 22 મે, 2027ના રોજ પૂર્ણ થશે. આ ઉપરાંત, મણિપુર (60 સભ્યો), ગોવા (40 સભ્યો), પંજાબ (117 સભ્યો) અને ઉત્તરાખંડ (70 સભ્યો)ની વિધાનસભાઓનો કાર્યકાળ માર્ચ 2027માં અલગ-અલગ તારીખોએ સમાપ્ત થશે.
ચૂંટણી પહેલા મોટો નિર્ણય
'રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ, 1950' (લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950) હેઠળ, ચૂંટણી પંચને વિધાનસભાનો કાર્યકાળ પૂરો થવાના છ મહિના પહેલાં ચૂંટણી યોજવાની સત્તા આપવામાં આવી છે. આ દરમિયાન, વિપક્ષી ગઠબંધન 'INDIA' અને અન્ય રાજકીય જૂથોએ SIR પ્રક્રિયામાં અનિયમિતતાઓનો આરોપ લગાવતા દેશભરમાં ચૂંટણી પંચ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે. તેમણે આ વિવાદના સંદર્ભમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે. વિપક્ષી નેતાઓએ મતદાર યાદી પુનરાવલોકન પ્રક્રિયામાં અનિયમિતતાઓ હોવાનો આરોપ લગાવ્યો છે અને સમગ્ર પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરી છે.