Thu Oct 15 2026

Logo

ઇન્દોરનો સોફ્ટવેર ડેવલપર ‘ડિજિટલ અરેસ્ટ’માંથી માંડ બચ્યો: તેણે બનાવેલી 2,805 એપીકે ફાઇલથી સાયબર

2026-10-15 19:04:00
Author: Yogesh C. Patel
ઇન્દોરનો સોફ્ટવેર ડેવલપર ‘ડિજિટલ અરેસ્ટ’માંથી માંડ બચ્યો: તેણે બનાવેલી 2,805 એપીકે ફાઇલથી સાયબર


ગુનેગારોએ 150 કરોડ રૂપિયાની ઠગાઇ આચરી

મુંબઈ: એક સમયે ‘ડિજિટલ અરેસ્ટ’નો શિકાર બનતા માંડ બચેલા ઇન્દોરના સોફટવેર ડેવલપરે આગળ જઇને 2,805 એપીકે (એન્ડ્રોઇડ પેકેજ કિટ) ફાઇલ બનાવી હતી અને બાદમાં સાયબર ગુનેગારોને તે વેચી હતી, જેમણે એપીકે ફાઇલ દ્વારા દેશભરમાં 9,600 નાગરિકો સાથે 150 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. 

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે ઇન્દોરના રહેવાસી પંકજ ગુપ્તાની ધરપકડ કરી હતી. બિહાર અને ઝારખંડથી કાર્યરત સાયબર ગુનેગારોની ટોળકીને 2,805 એપીકે ફાઇલ બનાવીને વેચ્યાનો પંકજ ગુપ્તા પર આરોપ છે.
પાંચ વર્ષ અગાઉ પંકજ ગુપ્તા ડિજિટલ અરેસ્ટ સ્કૅમનો શિકાર બનતો માંડ બચ્યો હતો. જોકે આ અનુભવ બાદ તેનાથી દૂર રહેવાને બદલે તેણે તેમાં કમાણીની તક જોઇ અને ઠગોનો સંપર્ક સાધ્યો. તેણે તૈયાર કરેલી એપીકે ફાઇલ આપવાની ઠગોને ઓફર કરી હતી, જે ડિજિટલ રિમોટ ક્ધટ્રોલ તરીકે કામ કરે છે અને તેના દ્વારા લક્ષિત સ્માર્ટફોનને નિયંત્રણમાં લઇ શકાય છે.

કોડિગ જાણતા પંકજ ગુપ્તાએ સિનિયર સિટિઝન કાર્ડ વેરિફિકેશન, ઇ-ટ્રાફિક ચલાન, પેન્શન વેરિફિકેશન, ક્રેડિટ કાર્ડ અપડેટ્સ અને પીએમ કિસાન યોજના પોર્ટલ્સ સહિતની લોકપ્રિય સરકારી અને અન્ય સેવાઓના નામે એપીકે ફાઇલ તૈયાર કરી હતી.

ભાયખલા વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન સાથે ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સિનિયર સિટિઝનને એક વ્યક્તિએ કૉલ કર્યો હતો, જેણે પોતાની ઓળખ રાષ્ટ્રીયકૃત બૅંકના પ્રતિનિધિ તરીકે આપી હતી અને સિનિયર સિટિઝન કાર્ડ યોજનામાં મદદ કરવાની ઓફર આપી હતી.

બાદમાં સિનિયર સિટિઝનને એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી, જેના પર ક્લિક કરતાં તેમના બૅંક ખાતામાંથી 5.62 લાખ રૂપિયા ડેબિટ થઇ ગયા હતા. આ કેસની તપાસ કરી રહેલા પ્રોપર્ટી સેલના અધિકારીઓ ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે ઇન્દોરમાં આરોપી સુધી પહોંચ્યા હતા. 
ગુપ્તાએ એપીકે ડૅટા હોસ્ટ કરવા માટે વિવિધ કંપનીઓ પાસેથી સર્વર ભાડે લીધા હતા અને દરેક ફાઇલ તેણે સાયબર ગુનેગારોને 20 હજારથી પચીસ હજાર રૂપિયામાં વેચી હતી. (પીટીઆઇ)