અબ્બુ-અમ્મીએ ટેરરિસ્ટ અજમલને પનાહ આપીને એને સુરક્ષિત નથી કર્યો, પોતાને અસુરક્ષિત કર્યાં છે.
સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ
ઝૈનાબ કશ્મકશમાં હતી. એ એક એવા ત્રિભેટે અટકી પડી હતી કે જે રસ્તો અપનાવે એમાં જોખમ હતું. એની સામે અકલ્પ્ય વિકરાળ હકીકત મોં ફાડીને ઊભી હતી. અજમલને પકડાવી દઉં તો અબ્બુ-અમ્મી પણ પકડાઈ જાય... હું ખુદ પણ ફસાઈ જાઉં... મારી પર ડબલ એજન્ટનો ઇલ્જામ આવે. અને જો હું ચૂપ રહું તો અજમલનું ત્રાસવાદી પગલું મને જિંદગીભર ડંખતું રહે...
અબ્બુુ-અમ્મીએ ટેરરિસ્ટ ડૉ. અજમલ અન્સારીને પનાહ આપીને એને સુરક્ષિત નથી કર્યો, પોતાને અસુરક્ષિત કર્યાં છે. ઝૈનાબને એમના આ ભયંકર ગુનાના પરિણામની કલ્પના થથરાવી ગઈ. યા અલ્લાહ... તેં મને આ કેવી મુસીબતમાં મૂકી દીધી.
ઝૈનાબે સ્કેચ પર્સમાં મૂક્યો. મોં પર પાણી છાંટ્યું. બહાર આવીને કૉફી મશીનમાંથી કૉફી લઈને ટેબલ પર આવી. કામ સૂઝતું નહતું. એના દિમાગમાંથી ડૉ. અજમલ અન્સારીનો સ્કેચ હટતો નહતો... વિચારો પીછો છોડતા ન હતા, પણ ઑફિસનો ઓવરટાઇમ ઓવર થિંકિંગ માટે ન હતો. કાઈક તો માર્ગ કાઢવો પડશે. ઝૈનાબે કૉફીની સિપ મારી. એ ડૉ. અજમલ અન્સારી તથા અબ્બુ-અમ્મીના અસલી ચહેરા જોવા ઝડપથી કામ આટોપવા લાગી ગઈ.
**********************
પુરોહિતનો પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ તૈયાર થઈ ગયો હતો. સરકારી હૉસ્પિટલના ડૉ. જૈને પોલીસ, રાઘવ અને પુરોહિતના પુત્ર ધનરાજને એમની કૅબિનમાં બોલાવ્યા. ડૉક્ટર જૈને ટેબલ પર મૂકી રાખેલો પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ પોલીસને આપ્યો.
‘હાર્ટ અટેક સે મોત હુઈ હૈ... થોડી દેર મેં આપકો ડેડબૉડી સોંપ દી જાયેગી...’
ડૉ. જૈને બોલીને રાઘવની સામે જોયું. ધનરાજની આંખોમાં આંસુ આવ્યાં.
‘પુરે બેજલમેડ મેં મેરે પાપા કા કોઈ દુશ્મન નહીં... ઉસકા કોઈ મર્ડર કરે યે મૈં માન હી નહીં સકતા થા.’ બધા બહાર નીકળ્યા. ધનરાજ એની મા અને વાઇફ પાસે જઈને કહેવા લાગ્યો: ‘મુઝે માલૂમ થા કી રિપોર્ટ ક્લીન હોગા. પાપા કી નેચરલ ડેથ... હાર્ટ એટેક સે હુઈ હૈ...’ એ બોલ્યો. મા ધનરાજને વળગીને રડવા લાગી.
‘મૈં અભી આયા’ કહીને રાઘવ બે ટકોરા મારીને ડૉ. જૈનની કૅબિનમાં ગયો.
‘સર, દુસરા રિપોર્ટ...?’ એણે પૂછ્યું.
‘દુસરા રિપોર્ટ...? એક હી થા જો પોલીસ કો દિયા.’ ડૉ. જૈને કહ્યું. રાઘવ મુંઝાયો. શું પુરોહિતનું મોત ખરેખર હાર્ટ એટેકથી થયું છે? રાધાએ કહ્યું કે એને મર્ડરની શંકા છે એટલે તો ઉદયપુરની સરકારી હૉસ્પિટલમાં મેં બધી ગોઠવણ કરી... એણે ડૉ. જૈનની સાથે બીજી કોઈ વાત કરવાનું યોગ્ય ન લાગ્યું. રાઘવ થૅન્ક યુ કહીને બહાર નીકળી ગયો.
‘મૈં દુસરી બાર પૂછ કર આયા. પોલીસ કો શક થા એસા કૂછ નહીં હૈ.’ રાઘવે પુરોહિતની ફૅમિલી પાસે જઈને કહ્યું. થોડીવાર પછી રાઘવ, બેજલમેડની પોલીસ, ઇરાવતી, ધનરાજ અને સાન્વી ઍમ્બ્યુલન્સમાં બેજલમેડ પાછાં જઈ રહ્યાં હતાં. રાઘવ આખે રસ્તે બીજા પોસ્ટમૉર્ટમ રિપોર્ટના રહસ્યના વિચારમાં ખોવાયેલો હતો.
******************
રાઘવના ગયા પછી ડૉ. જૈને એક કૉલ લગાડ્યો.
‘હેલો, ડૉ. જૈન બોલ રહા હૂં. દુસરા પોસ્ટમૉર્ટમ રિપોર્ટ તૈયાર હૈ. કલેક્ટ કરને કે લિયે કિસી કો ભેજ દેના.’
‘કોડવર્ડ જય ગોપાલા... વો આદમી જય ગોપાલા બોલેગા... ઉસકો રિપોર્ટ દેના.’
‘ઓકે.’ ડૉ. જૈન બોલ્યા... રાધાએ થૅન્ક યુ કહીને ફોન કાપી નાખ્યો.
***********************
ઍમ્બ્યુલન્સ બેજલમેડના પાદરમાં પહોંચી અને બેજલમેડથી એક ટૅક્સી ઉદયપુર જવા નીકળી. બંને ક્રૉસ થયા... ઉદયપુર જતી ટૅક્સીમાં દેવીપ્રસાદજી બેઠા હતા. ડૉ. જૈનનો કૉલ આવ્યો ત્યારે રાધા દેવીપ્રસાદજીના ઘરે બેઠી હતી.
‘દેવીપ્રસાદજી, તમારે જ જવું પડશે,’ રાધાએ કહ્યું હતું.
‘રાધા, રાઘવ પાસે રિપોર્ટ કેમ ન મગાવી લીધો?’ દેવીપ્રસાદજીએ પૂછેલું પણ ખરું.
‘એ હું તમને અત્યારે નહીં કહી શકું... સમય આવ્યે તમને ખબર પડી જશે,’ રાધાએ માત્ર એટલું જ કહ્યું હતું.
********************
ધનરાજ અને નિકટનાં સગાંઓ સ્મશાનયાત્રાની તૈયારીમાં હતાં. ધીમે ધીમે લોકો એકઠા થવા લાગ્યા હતા. રાઘવે રાધાને કૉલ કર્યો. પછી બંને પુરોહિતના ઘરની શેરીમાં મળ્યાં. જગદીશ પણ પહોંચી ગયો હતો.
‘રાધા, બીજો રિપોર્ટ નથી, કંઈક ગરબડ થઈ હોય એવું લાગે છે...’ રાઘવે કહ્યું.
‘ઓહ... મને હજી માન્યામાં નથી આવતું કે પુરોહિતનું નેચરલ ડેથ છે. ખેર, બીજીવાર મારું અનુમાન ખોટું પડ્યું. પહેલા તારા કેસમાં અને પછી પુરોહિતના કેસમાં,’ રાધા ખોટું પણ સહજ રીતે બોલી.
‘રાધા, મને આમાં કોઈ મેલી રમત લાગે છે,’ રાઘવે કહ્યું.
‘એમાં મેલી રમત શું હોય...? ડૉક્ટરના રિપોર્ટને સાચો માની લેવાનો...’ રાધાએ ખભા ઉછાળતાં કહ્યું.
‘દેવીપ્રસાદજી દેખાતા નથી,’ જગદીશે પૂછ્યું ને બંને વચ્ચેની વાત અધૂરી રહી ગઈ.
‘ઇમર્જન્સીમાં એમણે અચાનક અંગત કામસર ઉદયપુર જવું પડ્યું છે,’ રાધાએ કહ્યું. એટલામાં ગુપ્તાજી અને શંકર આવ્યા. સ્મશાનયાત્રા નીકળવાની તૈયારી હતી. અર્થી ઊઠી કે ગુપ્તાજી બોલ્યા : ‘શંકર, તૂમ અબ દુકાન પર જાઓ, મૈં સ્મશાન હો કર આતા હૂં.’
શંકર શબ્દ સાંભળીને રાધાના કાન ચમક્યા.
‘શંકર...?’ પુરોહિત શંકર શંભો બોલ્યો હતો. આનું પૂરું નામ શું હશે?’ રાધાને વિચાર આવ્યો.
********************
ઝૈનાબ પાસપોર્ટ ઑફિસમાંથી લગભગ દસેક વાગ્યે નીકળી. રસ્તામાં વગર કારણે એ કારનું હૉર્ન વગાડતી હતી. કોઈ પણ ઘડીએ અકસ્માત થઈ શકે એટલી સ્પીડે એ કાર ચલાવતી હતી. હકીકતમાં કારની સ્પીડ કરતાં બમણી સ્પીડે એના વિચારો દોડતા હતા. સદ્ભાગ્યે એણે સિગ્નલ તોડ્યું નહીં. જોકે, સિગ્નલ પર બાજુની સીટ પર મૂકેલા પર્સને જોતી ત્યારે એની આંખ સામે ડૉ. અજમલ અન્સારીનો સ્કેચ આવી જતો.
ઝૈનાબે ડોર બેલ વગાડી. અમ્મીએ દરવાજો ખોલ્યો.
‘અમ્મી, કહાં હૈ ડૉ. અજમલ?’ એણે પૂછ્યું.
અમ્મીને ઘરમાં આવતાંની સાથે આ રીતે પૂછવું સમજમાં ન આવ્યું. સાથે શંકા પણ ગઈ.
‘ક્યા હુઆ..? આતે હી સીધા ઉસકે બારેં મેં ક્યું પૂછ રહી હો,’ અમ્મીએ પૂછ્યું.
‘યે ઘર, મુસાફિરખાના નહીં... ઉસકો યહાં સે જાને કે લિયે બોલના હૈ...’ ઝૈનાબે કહ્યું.
‘ક્યા હુઆ બેટા?’ બીજા રૂમમાંથી અબ્બુ પ્રવેશ્યા.
‘તેરે બોલને સે પહેલે હી વોે ચલે ગયે,’ અમ્મીએ કહ્યું.
‘ચલે ગયે...?’ ઝૈનાબને ઝટકો લાગ્યો.
‘હાં, આજ દોપહર હમ દોનોં સોએ થે ઔર વો બિના બતાયે હી ચલા ગયા....’ અબ્બુએ કહ્યું.
ઝૈનાબને શંકા ગઈ. એની સામે અબ્બુ-અમ્મી નહીં, ત્રાસવાદીને પનાહ આપનારા બે જણ ઊભાં હતાં. ઝૈનાબે બંનેની આંખમાં આંખ નાખીને જોયું. બંનેની આંખોમાં કાવતરું રમતું હતું. અજમલ અચાનક આવ્યો ન હતો અને અચાનક જતો પણ નથી રહ્યો. એને બીજી કોઈ સલામત જગ્યાએ મોકલી આપ્યો છે... અને કાં તો નક્કી કંઈક મોટું થવા જઈ રહ્યું છે... કંઈક રંધાઈ રહ્યું છે અને અબ્બુ-અમ્મીની સામેલગીરી વિના આ શક્ય નથી. કોઈ પણ ભોગે અજમલને પકડવો જરૂરી છે... અબ્બુ-અમ્મીનું પછી જોયું જશે... ઝૈનાબે વિચારી લીધું.
‘અબ્બુ, મુઝે ઉસકા દિલ્હી કા પતા દો. મુઝે ઉસકી બીવી સે બાત કરની હૈ...’ ઝૈનાબે કહ્યું.
‘તુઝે ક્યા કરના હૈ અબ ઉસકે પતે કે બારે મેં જાન કર...? તૂ ચાહતી થી વો ચલા જાયે... તો વો ચલા ગયા,’ અમ્મી બોલી.
‘ચલા ગયા લેકિન કહાં...? કહાં ચલા ગયા?’ ઝૈનાબ ઉશ્કેરાઈ.
‘હમેં ક્યા માલુમ કહાં ગયા... ઔર તુમ્હે ક્યું જાનના હૈ...?’ અબ્બુએ પૂછ્યું.
‘ક્યું કી વો એક ટેરરિસ્ટ હૈ... આપને એક ટેરરિસ્ટ કો પનાહ દી હૈ...’ ઝૈનાબે પર્સમાંથી એનો સ્કેચ કાઢીને બતાવ્યો. અબ્બુ અને અમ્મીના પગ તળેથી જમીન સરકી ગઈ. ઝૈનાબને કઈ રીતે ખબર પડી. ઝૈનાબ કોણ છે... એની અસલિયત શું છે.
‘તુમ્હારે પાસ યે કહાં સે આયા...? તુમ કૌન હો.?’ અબ્બુએ પૂછ્યું.
‘મુઝે સબ પતા ચલ ગયા હૈ... આપ દોનોં આઇએસઆઇ કે લિયે કામ કરતે હો... અગર બચના હૈ તો... અજમલ કહાં ગયા હૈ યે બતા દો.’
‘તુમ કૌન હો બેટી...?’ અમ્મીએ પૂછ્યું.
‘મૈં આપકી બેટી થી, અબ નહીં હું... અજમલ કહાં હૈ?’ ઝૈનાબે કહ્યું.
‘હમેં સચ મેં પતા નહીં...’ અબ્બુ બોલ્યા.
‘પતા લગાઓ... ઔર મુઝે બોલો... મૈં દુઆ કરુંંગી કી આપ દોનોં બચ જાયેં,’ ઝૈનાબે કહ્યું.
‘આજ દોપહર હમારે ઘર કી ઘંટી બજી. મૈંને દરવાઝા ખોલા. સામે એક ફકીર ખડા થા... ઉસને ચૂપચાપ મેરે હાથ મેં ઘીસા હુઆ ચમડે કા પુરાના થેલા થમા દિયા... ઔર કહા: ઉનકો દે દો... મૈંને દરવાઝા ખુલ્લા રખા... અજમલ કો થેલા દિયા. થોડી દેર મેં વો નિકલ ગયા... પતા નહીં કહાં ગયા...’ અબ્બુએ કહ્યું. થોડીવાર ઘરમાં સન્નાટો છવાઈ ગયો.
‘અબ્બુ, આપકા વો દૂસરા મોબાઇલ મુઝે દે દો,’ ઝૈનાબે આંચકો આપ્યો.
‘વો મોબાઇલ અજમલ લે ગયા...’ અબ્બુએ કહ્યું.
‘વાહ... ક્યા પ્લાનિંગ હૈ...? સબૂત ભી સાથ લે ગયા...’
**********************
અજમલ અમદાવાદના એક જાહેર શૌચાલયમાં ગયો. થોડીવારે એ બહાર નીકળ્યો ત્યારે એનો વેશપલટો થયેલો હતો. લઘરવઘર હાલત, મેલાં ફાટેલાં લેંઘો-ઝભ્ભો, લાંબા વાળ, વધી ગયેલી બરછટ દાઢી. પગમાં તૂટેલાં ચપ્પલ ને બગલમાં પ્લાસ્ટિકની થેલી. શૌચાલયના સફાઈ કામદાર સામે ગાંડા હોવાનો અભિનય કરતો નીકળી ગયો. થોડી ક્ષણો બાદ સફાઈ કામદારે અંદર જઈને ચેક કર્યું. અજમલે સેફ્ટી ટૅન્ક પરથી પ્લાસ્ટિકની થેલીમાં મૂકેલું પૅકેટ લઈને થેલો ત્યાં મૂકી દીધો હતો. સફાઈ કામદારે સફાઈપૂર્વક કામ પાર પાડ્યું હતું.
અજમલે થોડે આગળ જઈને પ્લાસ્ટિકની થેલીમાંથી મોબાઇલ કાઢીને કૉલ લગાડ્યો:
‘જનાબ...’ એ બોલ્યો.
‘જીહાદ.’ સામેથી અવાજ આવ્યો... અજમલ સૂચના સાંભળતો ચાલતો રહ્યો.
(ક્રમશ:)