શહેરમાં શક્ય નથી, પણ ગામડાના લોકો વિશે એમ કહેવાય છે કે ત્યાં રહેતા બધા લોકો એકબીજાની છઠ્ઠી જાણતા હોય. આમ છતાંય અપવાદરૂપ ગામમાંય એવું બને કે પાડોશીને પારખવામાં એ થાપ ખાઈ જાય. જાણો, આવા ચોંકાવનારા કિસ્સા...
સિક્કાની ત્રીજી બાજુ - જયવંત પંડ્યા
સૌરાષ્ટ્રમાં કોઈ નવા લોકો પડોશમાં રહેવા આવે એટલે એની આખી કુંડળી મીઠી રીતે કાઢી લેવામાં આવે. અને આ કામ સ્ત્રીઓનું. તમારુંં શું નામ? તમે ક્યાંના? પરિવારમાં કેટલા લોકો? અને મારા ભાઈ શું કરે છે? ત્યાંથી માંડીને તમારી બેબી માટે હવે તમે જોવાનું શરૂ કર્યું હશે, નહીં? આમ પૂછી-પૂછીને બધી માહિતી કઢાવી લેવામાં આવે.
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ જેવાં મહાનગરોમાં આપણી બાજુમાં કોણ રહે છે તે આપણને ખાસ ખબર નથી હોતી, પરંતુ શું ગામડામાં પણ બધાને ખબર હોય છે ખરી કે તેમની બાજુમાં કોણ રહે છે? તો ઉત્તર છે ના. એવા બે વ્યક્તિની વાત કરવી છે જે પડોશી તરીકે રહ્યા હશે, પરંતુ તેમનો સાચો પરિચય થયો ત્યારે બધા ચોંકી ગયા.
પહેલી વાત છત્તીસગઢના બલૌદાબાજાર જિલ્લાના ખાર્વે ગામની છે. અહીં ફેબ્રુઆરીથી મે 2026ના ચાર મહિનામાં એક પછી એક આઠ વ્યક્તિનું મોત થયું... લોકોને એમ કે એ બીમાર હશે તેથી મરી ગયા, પણ પહેલું મૃત્યુ થયું, બીજું થયું આમ કરતાં આઠમું થયું એટલે ગામના લોકોને શંકા ગઈ. તેમણે પોલીસ ફરિયાદ કરી.
તેમણે સ્થાનિક રહેવાસી રામસહાય જયસ્વાલ પર શંકા વ્યક્ત કરી. આ ફરિયાદના લીધે પોલીસે વિગતવાર તપાસ કરવી પડી અને અજય દેવગનની ‘દૃશ્યમ’ને આંટી મારે તેવી વાત એમાંથી બહર આવી... એમાં એવું બહાર આવ્યું કે રામસહાય જયસ્વાલે પહેલાં શ્વાન પર ઝેરનો પ્રયોગ કર્યો હતો. તેમાં સફળ થયો તે પછી તે પીડિતોને ઝેરયુક્ત દારૂ પીવડાવતો, પણ પેલા આઠ લોકોને મારી નાખવાનું કારણ?
રામસહાયને કોઈની સાથે જૂનો વિવાદ હતો. કોઈની સાથે જમીનનો ઝઘડો હતો. કોઈની સાથે દેવા-ઉધારી (ઋણ)ની તકરાર હતી. અરે, કોઈની સાથે સામાન્ય જીભાજોડી પણ થઈ હોય તો પણ આ ભાઈ પેલાને ટપકાવી દેતો.
ટૂંકમાં, કારણ અલગ-અલગ એટલે તેને સાઇકો કિલર પણ ન કહી શકાય. લોકોને પહેલાં રામસહાય પર શંકા જ નહોતી પડી, કારણ એ હતું કે ગામમાં રામસહાયની છાપ સારા અને સહાય માટે સદા તત્પર માણસની હતી. તેમાંય પીડિતને પોતે જ દારૂ પીવડાવે અને પછી તેનું સ્વાસ્થ્ય કથળે એટલે હૉસ્પિટલ પણ તે જ પહોંચાડે. તેની અંતિમ ક્રિયામાં પણ તેના પરિવારજનોની પડખે ઊભો રહે. ટૂંકમાં, સારા પડોશીની છાપ તેની હતી. હવે તમે જ કહો, તેના પર કોણ શંકા કરે?
આવા એક બીજા પડોશીની કથા તમિળનાડુના સોક્કાલિંગપુરમ્ન ગામના 61 વર્ષના એક ભાઈની છે. તેમનું નામ મુતુ માસ્ટર. તે ચેન્નાઈમાં રસોઇયા તરીકે કામ કરતા હતા. બીડીઓ ફૂંકે.
2022માં આ ભાઈએ તેમની ઓળખ છતી કરી કે તે તો સ્ત્રી છે! તો આ મહિલા પુરુષ તરીકે કેમ રહેતી હતી?
મુતુ માસ્ટર તરીકે લગભગ 37 વર્ષ રહેલી મહિલાનું મૂળ નામ પેત્ચિયમ્મલ છે. લગ્નના પંદર જ દિવસમાં તે વિધવા થઈ ગયાં, પરંતુ પતિ થકી તે ગર્ભવતી થયાં. એક છોકરીને જન્મ આપ્યો. તેમની વય હશે વીસ વર્ષ. ઘર ચલાવવા ટુટિકોરિનની કોલસાની ફૅક્ટરીમાં પેત્ચિયમ્મલ કામ કરવા લાગી. એક રાત્રે એક ટ્રક ડ્રાઇવરે તેને પરાણે ટ્રકમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો, જેમાં તે સફળ ન ગયો. તે પછી પચ્ચિયમ્મલે પોતાના મહિલા રૂપને વિદાય આપી દીધી. તેણે બીજા દિવસે શર્ટ અને ધોતી લીધાં અને બની ગઈ મુતુ માસ્ટર. (રાજ કપૂરની ‘મેરા નામ જોકર’નો મીનુ માસ્ટર યાદ છે ને?)
એ પછી ટુટિકોરિનમાં ઘણો સમય તેણે રસોઇયા તરીકે કામ કર્યું. તે પછી ત્રણ વર્ષ ચેન્નઈમાં તે રહી અને પછી કટ્ટુનૈક્કનપટ્ટી નામના ગામમાં તે તેની દીકરી સાથે રહેવા ગઈ. તેની દીકરી સાત વર્ષની થઈ ત્યારે જ તેને ખબર પડી કે તે જેને પિતા (અપ્પા) ગણે છે તે મુતુ માસ્ટર જ તેની ‘અમ્મા’ છે. તે પહેલાં તે એમ માનતી હતી કે તેની માસી તેની માતા છે, પરંતુ દીકરીએ જાહેરમાં તેની માતાને મુતુ માસ્ટર જ કહ્યા રાખ્યું. તેની ઓળખ છતી ન કરી.
આ દરમિયાન મુતુએ વૃદ્ધોને પેન્શન માટે યાચિકા ન કરી હોત તો કદાચ તેમની સાચી ઓળખ કોઈને ખબર ન પડી હોત, પણ એણે અરજી કરી અને હકીક્ત બહાર આવી . જોકે મુતુ માસ્ટરની પાસે પોતે સ્ત્રી છે તેવું પુરવાર કરવા કોઈ પુરાવા માટે હાલમાં આધાર કાર્ડ જેવો કોઈ સરકારી દસ્તાવેજ નથી માટે હાલમાં તેને પેન્શન તો ‘મુતુ માસ્ટર’ તરીકે મળશે. ભવિષ્યમાં એ તબીબી પરીક્ષણ પછી પુરવાર કરાવે કે એ પુરુષ નહીં, પણ એક સ્ત્રી છે ત્યારે એની ખરી ઓળખનો નિવેડો આવશે...