સર્જકના સથવારે - રમેશ પુરોહિત
આદિલ મન્સૂરી
આદિલ મન્સૂરી નામે ગઝલચમત્કારની વાત આગળ વધારીએ. આદિલ પહેલાં ગુજરાતી ગઝલ મુખ્યત્વે પ્રેમ, વિરહ, મિલન અને શૃંગારની આસપાસ ફરતી રહી. આદિલે આ બધું તો કોઠે પાડીને પોતાની આગવી સૂઝથી આધુનિક માનવીની એકલતા, હયાતીની વેદના, નગરજીવનની વિટંબણા, બટકણા સંબંધો, પરાયાપણું, આંતરિક ખાલીપો અને સમય સાથેની દોડ જેવા નવીન વિષયોનો ઉમેરો કર્યો. આનાથી ગુજરાતી ગઝલમાં આધુનિક ચેતનાનો પ્રવેશ થયો.
આદિલ પોતાની ભાષાથી પણ જુદા પડે છે. એમ કહી શકાય કે એમના ઉર્દૂના અભ્યાસને લઈને એમણે ગુજરાતી ભાષાને ઉર્દૂની નજાકત અને સંગીતમયતા સાથે જોડીને નવી અભિવ્યક્તિ આપી. વિશિષ્ટ પ્રદાન માટે વિશેષતાઓ જરૂરી છે. ભાષા સરળ, સંકેતાત્મક, પ્રતીકાત્મક, કલાત્મક, સંક્ષિપ્ત અને અર્થગંભીર છે. એમણે સાબિત કર્યું છે કે ઓછા સરળ શબ્દોમાં પણ ગહન ભાવ વ્યક્ત થઈ શકે છે.
પેઢી દર પેઢી કલ્પનો અને પ્રતીકો બદલાતાં રહે છે. પરંપરાગત ગઝલમાં જોવા મળતાં ગુલાબ, ગુલશન, સાકી, સુરા, શમા, શબનમ, પરવાના, દીપક, મય, મયખાનું, ગમે-જિંદગી જેવાની સામે આદિલ આપે છે: રસ્તો, અરીસો, બારી, દીવાલ, ધૂળ, શહેર, ટ્રાફિક, મૌન, અંધકાર અને ન્યૂ યોર્ક નામે ગામ જેવા આધુનિક પ્રતીકોનો પ્રયોગ કર્યો. આ નવાં પ્રતીકોએ ગુજરાતી ગઝલને સમકાલીન જીવન સાથે વધુ નજીકથી જોડીને નવી દૃષ્ટિ આપી.
પરંપરા અને પ્રયોગશીલતાનો એમણે સમન્વય કર્યો. આદિલે ગઝલનું મૂળ સ્વરૂપ જાળવી રાખ્યું અને સાથે વિષય તથા અભિવ્યક્તિમાં નવીનતા લાવી, મત્લા, મક્તા, કાફિયા, રદીફ અને છંદની પરંપરા જાળવીને તેમણે આધુનિક સંવેદના અને વિચારધારાને ગઝલમાં સ્થાન આપ્યું. પરંપરા અને પ્રયોગનો આ સંતુલિત સમન્વય તેમની મોટી સિદ્ધિઓમાંનો એક છે.
ઉર્દૂ સાહિત્યના ઊંડા અભ્યાસને કારણે તેમની ગઝલોમાં ઉર્દૂની સંગીતમયતા, નજાકતા અને તત્ત્વચિંતન જોવા મળે છે. તેમણે ગુજરાત ગઝલને ઉર્દૂની કાવ્ય પરંપરાથી સમૃદ્ધ બનાવી અને બંને ભાષાઓ વચ્ચે સર્જનાત્મક સેતુ રચી આપ્યો.
એમની રચનાઓમાં જોવા મળતાં મુખ્ય લક્ષણોની વાત કરીએ એમાં આધુનિક સમસંવેદના, પ્રતીકવાદ, અસ્તિત્વવાદી ચિંતન, નગરચેતના, કલ્પનની તાજગી, ભાષાનો સંયમ, ઊંડું તત્ત્વચિંતન, મૌસિકી, મૌન અને સંકેતોની કલા અને વૈશ્ર્વિક અનુભવના દર્શન થાય છે.
આમ આદિલ મન્સૂરીએ ગુજરાતી ગઝલને પરંપરાની સીમાઓમાંથી બહાર કાઢીને આધુનિક જીવનના ધબકાર અને આંતરિક સંઘર્ષની કાવ્યભાષા આપી. તેમણે પ્રયોજયેલી નવીનતાએ ગુજરાતી ગઝલને વધુ આકર્ષક બનાવી આધુનિક ગઝલ અને કાવ્યને નવી દિશા આપનાર સર્જક તરીકે સદાય જીવંત રહેશે.
આદિલ ગઝલની સાથે ગુજરાતી કવિતાનું સગપણ કરાવે છે. ગઝલનાં બાહ્યતત્ત્વોના ચોકઠાની બહાર છલાંગ મારીને ઊફરો ચાલે છે. શરૂઆતની ગઝલમાં પરંપરાના તંતુઓ નિભાવીને મુખરિત ગઝલો આપે છે. જેમ કે:
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર,
ઝૂલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઝૂલ્ફોના અંધકારનો રેશમસ્પર્શ અકબંધ રાખીને ‘ન્યૂયોર્ક નામે ગામ’માં શાયર મુખર થાય છે પણ મુખરિત થયા વગર:
ઝૂલ્ફોના અંધકારની પહેલી જ રાત છે
ને સ્પર્શ આરપારની પહેલી જ રાત છે.
આપણે સૌ જાણીએ તેમ ગઝલ એ ઊર્મિપ્રધાન કાવ્ય છે અને જે કહેવાનું છે તે ફક્ત બે પંક્તિઓમાં સમાવી લેવાનું છે. આથી શાયર સંકેત અને ઈશારાથી પ્રતીકો દ્વારા કહે છે. આદિલ શરૂઆતથી જ જીવનને અખિલાઈમાં જોવાનો પ્રયત્ન કરે છે. એમની પાસે એક ચોક્કસ સૌન્દર્યલક્ષી નજર છે. ગઝલો કરતાં કાવ્યોમાં સમગ્રતા અને જીવનદર્શનની વ્યાપકતાભરી સમગ્રતા વધારે જોવા મળે છે. એ જીવનનું વિવેચન નથી કરતો પણ અરીસો ધરે છે. એ બિંબ-પ્રતિબિંબની પળોજણમાં નથી પડતો પણ સાર તત્ત્વને સંગોપીને સરળ બાનીમાં રસળતું કરે છે.
આદિલ પચંમહાભૂત એટલે આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વીના વિવિધ સ્વરૂપોનો વિનિયોગ કરીને પંચેન્દ્રિય- કાન, નાક, જીભ, આંખ અને ત્વચાનું સાયુજ્ય પ્રગટ કરે છે. પવન કહો, વાયુ કહો કે સમીર કહો કે હવા કહો પરંતુ કવિ હવાની અને ખુશ્બૂની જુગલબંદીને વિસારે પાડીને વાત કરી શકે નહીં. આદિલની રચનાઓમાં પવન-વાયુતત્ત્વ કેવી રીતે આવે છે તે જાણવું રસપ્રદ બની રહેશે:
વ્હેલી સવારે બાગમાં ડોકાય છે પવન
ખુશ્બૂની રોજ ચોરી કરી જાય છે પવન.
* * *
એ પગરવ હોય કે ધડકન હૃદયની,
હવાઓ કાન દઈને સાંભળે છે.
* * *
લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
ફૂલો દબાઈ જાય ના ખુશ્બૂના ભારથી.
* * *
જો આપનો પડછાયો પડી જાય જરા પણ,
નક્કી પછી રંગીન બની જાય હવા પણ
* * *
પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે
વસંતોની અહીંયાં કબર હોય જાણે
* * *
હવે વરસાદ તો થંભી ગયો ને,
છતાં પાલવ હવાનો નીતરે છે
* * *
આગ, પાણી ને હવા દેખાય છે
ખાલી ખાલી શૂન્યતા દેખાય છે
* * *
ચારે તરફ એ મારાં ઉડાવે છે ચીંથરાં
સંજોગોનો પવન શું હજી સમજે સઢ મને
* * *
શેકાતી મકાઈની મહેકથી
છલકે છે પવનના ફેફસાં
* * *
પાણીની સપાટી પર લસરતો લસરતો આવતો પવન
કાંઠાની રેતમાં પગ મૂકતાં જ ખૂંપી ગયો.
પાંચ તત્ત્વોથી નાતો બાંધીને કવિ આકાશમાંથી બ્રહ્માંડ સુધીની સફર ખેડે અને ‘તદ્દૂરેતદન્તિકે’-નો પ્રતિઘોષ પાડે છે આ રીતે:
તેજ, વાયુ, જળ, ધરા ને અનંત આભ આ,
સર્વ દૂર દૂર ને સર્વ પાસ પાસમાં
* * *
હું જ્યારે ન હો તો આ બ્રહ્માંડમાં
આ બ્રહ્માંડ મારા કહ્યામાં હતું
* * *
ત્રણેય કાળ ને બ્રહ્માંડ છે હથેળીમાં
કશુંય બહાર નથી અર્પુ આચમન કોને
* * *
આગ, પાણી અને હવા સામે
માનવી એકલો બધા સામે
આદિલે ભાવની એકધારી પ્રવાહિતા જાળવીને એકાત્મતા અને સળંગતા દાખવતી રચનાઓ આદિલે આપી છે. સૂરજના તેજનો કવિ અંધકારનો અફીણી છે. આદિલનો પ્રિય વિષય અંધકાર છે. એમણે ‘અંધારું’ શબ્દને રદીફ બનાવીને સાત ગઝલનું એક ગઝલસપ્તક આપ્યું છે અને નોંધે છે કે... ‘મત્લઅ, મકતઅ, રદીફ, કાફિયાની જાળવણી સાથે ભાવ કે વિષય સાતત્યના આંતર પ્રવાહથી સંકળાયેલી સાત ગઝલોનું ગુચ્છ... સેવન ઈન વન, સમસ્ત ભાવવિશ્ર્વમાં આ પહેલવહેલો પ્રયોગ છે કદાચ.’
અંધકાર અને તેજની જુગલબંધીમાંથી અનેક નવા નવા અર્થ પરિમાણો નીપજાવવાના આદિલના આ બારીક નકશીકામના કેટલાંક ઉદાહરણો જોઈએ તેના પરથી ખ્યાલ આવશે.
સૂરજનો ચહેરો જોઈને એ નીકળી પડ્યો
‘આદિલ’ શરીરમાં હતો છાયાનો અંધકાર
* * *
કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિશે
તમે કહો તો કરું વાત અંધકાર વિશે
* * *
સૂરજમાં અંધકારના પડઘા શમી ગયા
ને રાતમાં સવારના પડઘા શમી ગયા
* *
પડઘાના અંતરો કદી કાપી શકાય ના
ઊંડાણ અંધકારનું માપી શકાય ના
* * *
સૂર્ય ઊગે છે સૂર્ય ડૂબે છે
ક્યાં કદી આથમે છે અંધારું
* * *
અશ્રુ કાજલ ભરેલ આંખોમાં
કે પછી ઓગળે છે અંધારું
કવિને નાતો શબ્દનો છે, શબ્દની સાથે પનારો છે. કવિતામાં શબ્દ એકલો લય નથી, પરંતુ ઊંડી સંવેદના છે. વાણીમાં સૂર્યનું તેજ ભરીને કહેવાતા જ્ઞાનના કે અજ્ઞાનના અંધકારને ભેદવાનું કામ શબ્દ કરે તો એ કવિનો શબ્દ બને છે. જીવનના સત્ત્વને, મર્મને અને સત્યને પામવા માટે કવિનો શબ્દ ક્યારેક ઓછો ઊતરે તો પણ એ અર્થ સાથેનું અનુસંધાન જાળવે છે. લાગણીની, ભાવના, સંવેદનાની અને તીવ્રતાની અભિવ્યક્તિ કરવા માટે આદિલ શબ્દો પાસેથી ધાર્યું કામ લઈ શકે છે. એ ચિત્રાત્મક બને છે, વાચાળ બને છે, ધારદાર અને ચોટદાર બને છે. શબ્દની તાકાત અને શબ્દના વિન્સાયસની વાતનો મર્મ આદિલ સમજે છે અને અનેક રચનાઓમાં સમજાવે પણ છે:
શબ્દ જે તુજ હોઠ પર આવ્યા હતા
એ તો મારા મૌનના પડઘા હતા
* * *
ને મૌન દ્વારા વાત હું સમજાવી ના શક્યો
લેવો પડ્યો ન છૂટકે આધાર શબ્દનો
* * *
અર્થોનાં જંગલો તો સળગતાં રહ્યાં અને
વસ્તીની વચ્ચે વાણીનો વહેવાર પણ હતો.
* * *
આજ સકલ બ્રહ્માંડ શબ્દનું ઝૂલ્યું ખૂલ્યું ખૂલ્યું
આજ મૌનનું બંધ શિવાલય ખૂલ્યું.
આદિલ શબ્દની ચમત્કૃતિમાં માને છે પણ શબ્દ રમતમાં સરતો નથી. એ પ્રશ્ન પૂછે છે પોતાની જાતને કે ‘શબ્દની બહાર સાંભળું કોને’ શબ્દના પતંગિયા ઉડાવવાની વાત શું છે. અર્થ વગરના શબ્દ તોરણો લટકાવીને કવિતાના ટોડલા સજાવી શકાય નહીં એવી જાણ હોવાથી એ કહે છે:
ખાલી શબ્દોને શું કરવાના કશા અર્થ વગર
હાથ બાંધીને હવે હાથમાં તલવાર ન આપ
* * *
પુરાયા અર્થસિંહ તો સરકસના પાંજરે
શબ્દોની ખાલી બોડમાં પડઘાય છે ડણક
ગઝલની બાનીનું પોત જુદા પ્રકારનું હોય છે. એમાં શબ્દની શાલિનતા અને શબ્દની બળકટતા સાથે સાથે રાખીને ભાવને અભિવ્યક્ત કરવાનો હોય છે. ગીત, છાંદસ અને અછાંદસ લખતા લખતા ગઝલો તરફ વળેલા કેટલાક કવિઓએ ગીતનુમા ગઝલો આપી છે અને ગઝલનુમા ગીતો આપ્યા છે.
આદિલની ગઝલની સરળતા જેટલી પ્રવાહી છે એટલી જ અનેક અર્થછાયાઓથી સભર સભર છે. ચિનુ મોદીએ નોંધ્યું છે કે આદિલને સમજવા માટે એમનાં અછાંદસ કાવ્યો પણ તપાસવા જ રહ્યાં. અમદાવાદના અને અમેરિકાના ભાવવિશ્ર્વમાં ફરક છે.
આદિલ મન્સૂરીના મને ગમતાં શેરથી સમાપન કરું છું:
રસ્તામાં એટલી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો
* * *
ટહુકે છે કમખેભર્યા મોર દિલમાં
ને ઊડીને રંગો ભરે છે નજરમાં
* * *
જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે
નામ, ધંધો, ધર્મ ને જાતિ ગઝલ