Sun Jul 12 2026

Logo

પાવર ઓફ એટર્ની - કુલમુખત્યારનામું રદ કઈ રીતે થઈ શકે ?

2026-07-12 09:20:30
Author: Najmuddin Meghani (Advocate)
Article Image

શું છે કાયદાકીય જોગવાઇ...

મિલકતની નોંધપોથી - નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

આપણા રોજિંદા જીવન વ્યવહારમાં ઘણીવાર પાવર ઓફ એટર્ની એટલે કે કુલમુખત્યારનામું જેવા શબ્દો સાંભળવા મળે છે માટે એ વિશે જાણકારી મેળવી લઇએ. 

સામાન્ય રીતે પાવર આપનારના નામથી અને તેના વતી તેના કોઇ કાર્યો કરવા માટે પાવર આપનાર પોતાના  દસ્તાવેજમાં જે વ્યક્તિની નિમણૂંક છે તેને એટર્ની યાને પાવર લેનાર તરીકે ઓળખાવી શકાય. આમ કેટલાંક કામ  કરવા માટે પાવર આપનાર કોઇ અન્ય વ્યક્તિની તરફેણમાં (એટર્નીની તરફેણમાં) એ કાર્યો કરવા અને એટર્ની તરીકે પોતાની સહી કરી શકવા અંગેની સત્તા આપવામાં આવે છે. આ રીતે સત્તા આપતા દસ્તાવેજને પાવર ઓફ એટર્ની તરીકે ઓળખાય છે.   

પાવર ઓફ એટર્નીના દસ્તાવેજ બે પ્રકારના હોય છે. (1) જનરલ પાવર ઓફ એટર્ની (2) સ્પેશ્યલ પાવર ઓફ એટર્ની.

 જનરલ પાવર ઓફ એટર્નીના પાવર આપનાર દ્વારા નિશ્ર્ચિત વિષય સંબંધી જનરલ બાબતો અંગે પાવર આપનાર વતી સહીઓ યા કાર્યો કરવાની સત્તા પાવર લેનાર યાને એટર્નીને આપવામાં આવે છે. જયારે સ્પેશ્યલ પાવર ઓફ એટર્નીના લેખમાં પાવર આપનાર દ્વારા નિશ્ર્ચિત વિષય સંબંધી ખાસ પ્રકારના ચોક્કસ અને વિશિષ્ટ કાર્યો અંગે પાવર આપનાર વતી વહીવટ, વ્યવસ્થા કરવાની સત્તા આપવામાં આવે છે.

પાવર ઓફ એટર્નીમાં જણાવેલ હેતુ જયાં સુધી પૂર્ણ થાય યા સમાપ્ત થાય અથવા તેવો હેતુ પૂર્ણ કરવો અશક્ય બને ત્યાં સુધી પાવર ઓફ એટર્નીનો લેખ ચાલુ રહી શકે યાને અસ્તિત્વ ધરાવી શકે છે...

પાવર આપનાર અને પાવર લેનાર વચ્ચે માલિક (પ્રિન્સિપલ) અને એજન્ટ તરીકેના સંબંધ હોય છે યાને બંને વચ્ચે એજન્સીનો સંબંધ ઉત્પન્ન થાય છે. આથી સ્વભાવિક રીતે પાવર આપનાર મૃત્યુ પછી તે બન્નેની વચ્ચે થયેલ પાવર ઓફ એટર્નીનો લેખ આપોઆપ રદ થયેલો ગણાય. 

પાવર ઓફ એટર્ની રદ કરવા માટેની કાયદાકીય જોગવાઇ 

સામાન્ય સંજોગોમાં પાવર ઓફ એટર્ની યાને કે  કુલમુખત્યારનામું રદ કરવા માટે કોઇ મોટી કે અટપટ્ટી કાર્યવાહી નથી. જે વ્યક્તિએ પાવર ઓફ એટર્ની આપ્યો હોય તે પોતાની ઇચ્છા મુજબ પોતાને મરજીમાં આવે તે સમયે પરત ખેંચી શકે છે યાને કે રદ કરી શકે છે. એમાં પાવર ઓફ એટર્ની લેનારની સહી કે સંમતિની જરૂર નથી. અમુક ખાસ સંજોગો સિવાય દરેક પાવર ઓફ એટર્ની રદ થવાને પાત્ર ગણાય છે, પાવર ઓફ એટર્નીએ પાવર આપનારની ઇચ્છા અને મરજી પર આધારીત છે, ઘણીવાર પાવર ઓફ એટર્નીના લખાણ પર ઇરરીવોકેબલ પાવર ઓફ એટર્ની લખેલા હોય છે, પરંતુ અપવાદરૂપ અને ખાસ સંજોગોમાં ઇરરીવોકેબલ પાવર ઓફ એટર્ની લખવા માત્રથી પાવર રદ ન થઇ શકે કે પરત પાછો ન ખેંચાય એવું નથી. ઇરરીવોકેબલ પાવર ઓફ એટર્ની પણ ખાસ વિશિષ્ટ સંજોગો સિવાય પાવર આપનાર પોતાની ઇચ્છા તથા મરજીમાં આવે તે સમયે પરત ખેંચી શકે છે, કે રદ કરી શકે છે. 

પાવર ઓફ એટર્ની જો જમીન કે મિલકતના વહીવટ, વ્યવસ્થા માટે લખી આપેલ હોય તો તેથી તેવી જમીન કે મિલકતમાં પાવર લેનારનું હિત કે હક્ક, અધિકાર ઉત્પન્ન થતાં નથી. જે પાવર આપનાર જયારે પાવર રદ કરે કે પરત ખેંચે એટલે તુરત જ તેવી જમીન -મિલકત પરત્વે પાવર લેનારના વહીવટ, વ્યવસ્થા કરવાની સત્તાનો અંત આવે છે.

પાવર ઓફ એટર્નીની સામાન્ય સંજોગોમાં કોઇ મુદ્ત હોતી નથી યાને પાવર ઓફ એટર્ની આપોઆપ રદ થતો નથી, પરંતુ પાવર ઓફ એટર્ની આપનાર જો ગુજરી જાય તો તેવો પાવર આપોઆપ રદ ગણાય. એ પછી તેવા પાવર ઓફ એટર્ની દ્વારા પાવર ઓફ એટર્ની લેનાર દ્વારા કરવામાં આવેલ કાર્યો ગેરકાયદેસર અને રદ ગણાય.

આ પ્રમાણે સામાન્ય સંજોગોમાં પાવર ઓફ એટર્ની લેનાર ગુજરી જાય તો પાવર ઓફ એટર્ની આપોઆપ રદ થયેલ ગણાય. પાવર ઓફ એટર્ની લેનારના ગુજરી જવાથી પાવર ઓફ એટર્નીના અંત આવેલ ગણાય. સામાન્ય સંજોગોમાં પાવર ઓફ એટર્ની લેનારના ગુજરી ગયા બાદ તેના વારસદારોને તેવા પાવર ઓફ એટર્ની દ્વારા કાર્યો કરવાનો હક્ક, અધિકાર પ્રાપ્ત થતા નથી. પાવર ઓફ એટર્ની લેનારના હક્કો, સત્તા વારસાગત નથી એટલે કે પાવર ઓફ એટર્ની લેનાર ગુજરી ગયા બાદ તેવા પાવર ઓફ એટર્ની દ્વારા મળેલી સત્તા અને અધિકાર તેના વારસદારોને પ્રાપ્ત થતી નથી.            
મૂળ સૌરાષ્ટ્ર અને સુરતમાં જન્મેલા નજમુદ્દીન મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ સામાન્ય શાળામાં પ્રાપ્ત કર્યા પછી  બી.એસ.સી.ની ડિગ્રી મેળવી વિજ્ઞાન સ્નાતક બન્યા.

ત્યારબાદ અનેક પ્રકારના આર્થિક સંકટ વચ્ચે પણ તેમણે પોતાના સપનાઓ છોડ્યા નહીં અને વકીલાતનો અભ્યાસ પૂર્ણ કરીને એડવોકેટ તરીકે પદવી પ્રાપ્ત કરી છે.  મિલકતના ટાઈટલ વેરિફિકેશન, દસ્તાવેજોની તૈયારી અને રજિસ્ટ્રેશન તથા જમીન અને રેવન્યુ કાયદા અંગે સચોટ માર્ગદર્શન અને ક્ધસલ્ટન્સીનું મહત્ત્વપૂર્ણ કાર્ય પણ કરે છે. આ ક્ષેત્રમાં એમણે અનન્ય સફળતા મેળવી છે. 

આજે 700થી વધુ લેખ કોલમ લખનારા નજમુદ્દીન મેઘાણી એક ઉત્તમ જાહેર વક્તા પણ છે.