આજે આટલું જ - શોભિત દેસાઈ
હસમુખ ગાંધી
એક તો માંડ માંડ હજી આ નવાસવા ‘સમકાલીન’થી ટેવાવાનું શરૂ થયું હતું 1984માં, એમાં 31 જાન્યુઆરીએ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા અને ગણતરીના કલાકોમાં બિનઅનુભવી સુપુત્ર રાજીવ ગાંધીને વડા પ્રધાન નિમી દેવાયાં અને બીજા દિવસે હસમુખ ગાંધીએ છાપાના અક્ષરોની મોટામાં મોટી ફોન્ટ સાઈઝમાં પહેલે પાને મથાળું બાંધ્યું ‘બે ગોઝારી ઘટના’...લોકો હબક જરૂર ખાઈ ગયા પણ ગાંધીની દૂરંદેશી કોઈએ ન પકડી. આજે એમનાં વિશે લખતાં એમનાં કેટલાંય મથાળાં યાદ આવે છે. ‘તનખૈયાં અને ભગતડાં’ કે ‘શંકર દયાળ શર્મા ભપ્પ થઈ ગયાં’ કે એમના નૌતમલાલ જેવાં પાત્રો કે...કે...કે...
એમની પત્રકાર વિલાપ યાત્રાની વાત આગળ વધારીએ આજે
* * *
તંત્રી કોઇને પ્રસિદ્ધિ આપવાની ના પાડે તો એ કોઇ પછીથી પાછલે બારણેથી, એટલે કે એકાદ કટાર દ્વારા અખબારમાં ડોકાય છે. કોમર્સના પાનાં બહુ છેતરામણાં હોઇ શકે છે. કંપની સમાચાર છાપવા એટલે અલીબાબાનો કે કુબેર ભંડારીનો ખજાનો ઉઘાડો મૂકવો. તમે અમુક કંપનીના શેરની હિમાયત કરો તો તમને પ્રેફરન્શિયલ શેરની કૂંચી મળી જાય.
કંપનીના ડિરેક્ટર વાર્ષિક જે સભાનું જે ભાષણ એક જાહેરખબર તરીકે છપાવવા માગતા હોય એ જ ભાષણ બેઠું જો કોમર્સ પેજ ઉપર આવે તો સમજવું કે જાહેરખબર ખાતાને તેની લેજિટિમેટ આવકથી વંચિત રાખવામાં આવ્યું છે. સામાજિક સમાચારોને નામે એક મોટું ધતિંગ ચાલે છે. પરીક્ષામાં ત્રીજે ચોથે નંબરે પાસ થનારની છબી ફલાણી જ્ઞાતિનું ગૌરવ એવા મથાળા સાથે છપાય છે અને પીએચડી કરનાર દરેક વ્યક્તિ પોતાનો ફોટો છપાવડાવી જાય છે.
પત્રકારત્વ એક નાજુક વ્યવસાય છે. પત્રકારત્વ એટલે ઉતાવળમાં લખાયેલું સાહિત્ય, પત્રકારત્વમાં પ્રવેશનાર વ્યક્તિ એક ક્રાફ્ટસમેન હોવી જોઇએ. ગુજરાતી પત્રકારત્વ ઊંચું નથી આવતું તેનું કારણ એ છે કે લોકો પાસે આ વ્યવસાયની કોઇ સજ્જતા નથી હોતી. જરૂર પણ નથી જણાતી. મેટ્રિક કે તેથીય ઓછું ભણેલા માણસો અહીં તંત્રી, મદદનીશ તંત્રી, ન્યૂઝ એડિટર, ચીફ રિપોર્ટર કે કોમર્સ તંત્રી બની જાય છે. દરેક તસવીરની કિંમત હોય છે. કયારેક કેશ મળે તો કયારેક કાઇન્ડમાં એની કિંમતની ચુકવણી થાય.
ન્યૂઝની વાત મૂકીને વ્યૂઝ કે વિવરણ ઉપર આવીએ તો અગ્રલેખો કાં તો મૂર્ખાઇભર્યા હોય છે અને કાં તો અંગ્રેજી અખબારોમાંથી તફડાવેલા હોય છે. ગુજરાતી અખબારોની કટારો પણ એવી જ વાહિયાત હોય છે. આ કટારોની ફાળવણી સગાસ્નેહીઓને ઉપકૃત કરવા માટે થતી લહાણી (લાર્જેસ) જેવી હોય છે. એમાં પાછું કન્સિડરેશન (ગણતરી, વળતર, સાટાદોઢા) હોય છે. વિવરણનું કે વ્યૂઝનું પાનું જેમ તેમ ભરવા માટે જે કટાર લેખકો રાખવા પડે છે તેમાંના કેટલાક તો પોતાના ધંધાને લાભાર્થે એ કટારને બોડી બામણીનું ખેતર માનીને એનો ઉપયોગ કરે છે. ઘણીવાર જર્નલિઝમની કોલેજમાંથી આવેલી વ્યક્તિઓ પણ ફલોપ જાય છે. મૂળભૂત ટૂલ્સ છે ભાષા, જનરલ નોલેજ, સૌંદર્યદૃષ્ટિ, રોબસ્ટ તબિયત, વ્યવસાયી ડેડિકેશન અને લગન તથા હોમવર્ક કરવાની તૈયારી. પત્રકારત્વ એક રાઉન્ડ ધ કલોક વ્યવસાય છે.
કમનસીબે, ઘણાખરા ગુજરાતી પત્રકારોની સ્થિતિ ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર (કર્ટસી અખેરામ સોની) જેવી છે. જેઓ સ્વચ્છ અને શુદ્ધ ગુજરાતી લખે તેમની ગુજરાતી પત્રકારો ઠેકડી ઉડાડે છે. ગુજરાતી લખતા ન આવડવું એ ગુજરાતી પત્રકારત્વમાં એક મોટું કવોલિફિકેશન ગણાય છે. એક અખબારમાં તો એક જોક બહુ પ્રચલિત છે. તમને ગુજરાતી આવડતું હોય તો તમારી નિમણૂક પ્રૂફરીડિંગ ડિપાર્ટમેન્ટમાં થશે અને જો ગુજરાતી નહીં આવડતું હોય તો તમારી નિમણૂક તંત્રી વિભાગમાં થશે.
દરેક ગુજરાતી અખબાર અને સામાયિકમાં (કવર પેજ ઉપર પણ) જોડણીની, વ્યાકરણની અને અનુસ્વારની અસંખ્ય ભૂલો હોય છે. રાજીવ ગાંધી આવ્યાં હતાં એમ તેઓ કહે છે અને વ્યાકરણના ગ્રાઉન્ડ રૂલનો ભંગ થવાને લીધે રાજીવ ગાંધી બાપડા એકાએક માર્ગરેટ થેચરની જાતિમાં મુકાઇ જાય છે.
આજે શાળાઓમાં માસ્તરો અને માસ્તરાણીઓને ગ્રામરના પિરિયડમાં ટાઢનું લખલખું આવી જાય છે. તેઓ વ્યાકરણને બદલે ગદ્યપદ્યસંગ્રહની ચોપડી મગાવે છે.
ગુજરાતી પત્રકારો, કટારલેખકો, તંત્રીઓ કે રિપોર્ટરો પોતાને જે કહેવું હોય તેનું નિ:શેષપણે ભાવસંક્રમણ (કોમ્યુનિકેશન) વાચકના ચિત્તમાં કરી શકતા નથી. સુજ્ઞ વાચક ! અનુભવ કરી જોજે. તું જે કહીશ તે ગુજરાતી પત્રકાર સમજી નહીં શકે અને એ પત્રકાર જે કહેવા માગતો હોય (કદાચિત કશુંક કહેવાનું પણ હોય છે એમ ધારી લઇએ) તો તે તને સમજાવી (કોમ્યુનિકેટ) નહીં શકે. અંધે અંધ આધારે મળ્યા, જેમ તલમાહી કોદરા ભળ્યા-જ્ઞાની કવિ અખાએ કહ્યું છે.
બેક ગ્રાઉન્ડ ન હોય પણ હોશ ઘણી હોય ત્યારે ગુજરાતી પત્રકારો ઇન્ટરવ્યૂ લેવા જાય છે. તેઓ અમરસિંહ ચૌધરી કે માધવસિંહ સોલંકી જેવા મુખ્ય પ્રધાનોને પૂછે છે : તમને ધોતિયું પહેરવું ગમે કે પાટલૂન? તમને શીરો ભાવે કે જલેબી? પછી એ પત્રકાર (એની ગટ્સ જુઓ) કહેશે. તમારે માથે પણ અમારા માથા જેટલી જ નવી નવી જવાબદારી છે. આવા પ્રશ્નો પૂછવા માટે કશું હોમવર્ક કરવાની જરૂર નથી રહેતી. કોર્પોરેટ હાઉસના નરીમાન પોઇન્ટ ખાતેના મકાન ઉપર દરોડો પડે ત્યારે કહેવાતા સંશોધનાત્મક વૃતાંતનિવેદકો દરોડા વિશે કે એન્ફોર્સમેન્ટ વિશે કે રેવન્યૂ ઇન્ટેલિજન્સ વિશે સવાલો પૂછવાને બદલે લિફ્ટ પાસે પડેલી પેટીઓ અને કાચમાંથી દેખાતા સમુદ્ર વિશે સવાલો પૂછશે.
છીછરાં જળમાં છબછબિયાં કરીને અને ફોટોગ્રાફર પાસે આડેધડ તસવીરો પડાવીને ગુજરાતી ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટર ભાગી જાય છે. આ ગામમાં દસ અભણો એવા હોય છે જેઓ રોજ સવારે દરેક તંત્રીને અને રિપોર્ટરને ફોન કરીને કોટિ કોટિ અભિનંદનો આપે છે. કબૂતરો ગળા ફૂલાવે છે અને કૂકડાઓ છાપરે ચઢીને કૂકડે કૂક કરે છે. તેમને લાગે છે કે કોકટેઇલ પાર્ટીમાં એક હાથમાં ફાઇવફાઇવફાઇવ અને બીજામાં વિહસ્કીનો ગ્લાસ રાખીને ફર્યા એટલે જેક એન્ડરસન આપણી પાસે બેડું લઇને પાણી ભરે.
ગુજરાતી પત્રકારોનો શબ્દકોશ કંગાળ હોય છે. એક જણે બાગડોર શબ્દને જોરે 35 વર્ષ ખેંચી કાઢયાં હતાં તો બીજાએ દસ લાખ વખત આક્રોશ શબ્દને ખાંડયો હતો. એક જણ કાયમ દાદ માગતો અને અભિનયના અજવાળાં પાથરતો. બીજો વળી દરેક મરનાર વીઆઇપીને ચિરવિદાય આપતો હતો અને કોઇપણ માણસ આગમાં મરી જાય ત્યારે તેનું ભડથું બનાવી દેતો હતો. ગુજરાતી પત્રકાર હજી હાકલા, અનુરોધ, નનૈયો, અપીલ અને રદિયામાંથી બહાર નીકળી શકયો નથી. સરિયામ અનપઢપણું એ તેનો વોચવર્ડ છે. ગુજરાતી પત્રકારને ચાલાક માણસો બ્રેકફાસ્ટ કે લંચ ઉપર બોલાવીને જે બ્રીફિંગ આપે છે એ તેઓ સ્વીકારી લે છે. અણિયાળા પ્રશ્નો પૂછવા એ પત્રકારનો પ્રથમ ધર્મ છે, એ વિસરેય વહાણા વાઈ ગયાં.
એસએનડીટીની નિર્દોષ છોડીઓ સમક્ષ પીઢ (ઉંમરમાય નહીં અને જ્ઞાનમાં તો નહીં જ) પત્રકારો પત્રકારત્વના સુવર્ણયુગની વાતો કરે છે. વાસ્તવમાં ગુજરાતી પત્રકારત્વમાં ચાર યુગ હતા. કથીર યુગ, કથીર કથીર યુગ, કથીર કથીર કથીર યુગ અને ચોથો? તમે સમજી ગયા છો.
* * * *
આજના, સાવ ટીવી ન્યૂઝ ચેનલો (24 કલાકની ન્યૂઝ ચેનલોએ દેશ અને બ્રહ્માંડનો દાટ વાળી દીધો છે. સમગ્ર બ્રહ્માંડમાંય 24 કલાક ભરાય એટલા ન્યૂઝ બનતા જ નથી)ના 24 કલાક વેચાઉ પ્રવક્તાઓએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે ગાંધીભાઈ! તમને યાદ કરું છું તો ફૈઝ એહમદ ફૈઝનો એક શેર બહુ પજવી રહ્યો છે...
કર રહા થા ગમ-એ-જહાં કા હિસાબ
આજ તુમ યાદ બેહિસાબ આયે
આજે આટલું જ...