Sun Jul 12 2026

Logo

કાશ્મીરી ચટાઈ છે આ મહિલાની આવકનું સાધન

2026-07-12 09:32:12
Author: Nidhi Bhatt
Article Image

ફોકસ - નિધી ભટ્ટ

હાથવણાટથી ઘાસની બનેલી ચટાઈઓ હવે કાશ્મીરનાં અનેક ઘરોમાંથી અદૃશ્ય થઈ ગઈ છે. કાશ્મીરની આ જ પરંપરાગત ચટાઈઓને પુનર્જીવન આપ્યું છે ત્યાં રહેતાં ગુલામ હસન અને તેમની દીકરી તાન્ઝીલાએ. તેમણે કાશ્મીરની મહિલાઓને પગભર ઊભી કરવાનું બીડું ઉઠાવ્યું છે. સાથે જ વિસરાઈ ગયેલી એ ચટાઇઓને ફરીથી લોકોનાં ઘરોમાં સ્થાન અપાવી રહ્યાં છે.

આજનાં મોડર્ન યુગમાં લોકો હવે સ્ટાઇલિશ ટાઇલ્સ, ડિઝાઇનર કાર્પેટ્સ અને વિદેશી ચીજ-વસ્તુઓથી પોતાના ઘરને આધુનિક લુક આપે છે. એવામાં આપણી પરંપરાગત કલાકૃતિ વિસરાતી જાય છે. એક સમય એવો હતો જ્યારે કાશ્મીરનાં દરેક ઘરોમાં હાથેથી બનાવેલી ચટાઈઓ લોકોના સ્વાગત માટે જમીન પર પાથરવામાં આવતી હતી. જોકે સમયની સાથે એ બધું ભૂતકાળ થવા લાગ્યું છે.

એને કારણે કારીગરોની કળા પર પણ માઠી અસર પડી છે.

જોકે એ જ પરંપરાગત કળાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે ગુલામ હસન. આ ચટાઈ બનાવવા માટે તેઓ મહિલાઓને ટ્રેઇનિંગ આપે છે. આ ચટાઈઓ ચોખાના સૂકા ઘાસથી બનાવવામાં આવે છે. આ ચટાઇની વિશેષતા એ છે કે એ શિયાળામાં ઘરને હૂંફાળુ રાખે છે અને ગરમીમાં ઠંડક આપે છે.

2000ની સાલ સુધી તો કાશ્મીરના દરેક ઘરમાં આવી ચટાઈઓ મળી આવતી હતી, પરંતુ લાઇફસ્ટાઇલ બદલાતાં અને ફેક્ટરીમાંથી આવતા સસ્તાં માલને કારણે આવી ચટાઈ હાંસિયા પર ધકેલાઈ ગઈ. આ ચટાઈની ડિમાન્ડ ઘટતાં લોકોએ હવે આજીવિકા માટે પર્યાય શોધવાનું શરૂ કરી દીધું હતું. આવી રીતે સદીઓ જૂની આ ચટાઈ એક ખૂણામાં ધૂળ ખાવા લાગી.

નવી પેઢી શિક્ષિત થવા માંડી, નોકરી માટે શહેરો તરફ પ્રયાણ કર્યું અને ડિજિટલ ક્ષેત્રે કરીઅર બનાવવાને કારણે ખૂબ ઓછાં લોકોએ આ કળાને જકડી રાખી છે. 

એથી શ્રીનગરમાં વસતાં આ પરિવારે મક્કમ નિર્ધાર કર્યો કે આપણી આ કળા ખોવાઈ ન જાય. ગુલામ હસન અને તેમની દીકરી તાન્ઝિલાએ છેલ્લાં થોડાં વર્ષોથી આ કળામાં નવા પ્રાણ પૂર્યા છે. એના માધ્યમથી સ્થાનિક લોકોને આવકનું માધ્યમ મળ્યું છે.

એક નાનકડાં ઘરથી શરૂ થયેલી આ મોહિમ હવે ધીમે ધીમે સમાજમાં આગળ વધી રહી છે. 24 વર્ષની તાન્ઝિલાએ તેના પિતાનું નિરીક્ષણ કરીને આ કળા શીખી છે. આ જોઈને તો પાડોશીઓએ પણ તેમની પાસે આવીને આ કળા શીખવાનું શરૂ કર્યું. તાન્ઝિલાના પિતાની મહેનતને કારણે તેમની પાસે આ ચટાઇનું પ્રોડક્શન વધવા માંડ્યુ. તેમણે ગ્રાહકો સાથે સીધો સંપર્ક કર્યો અને યુવાનોને પણ આ કળા શીખવા માટે આકર્ષિત કર્યાં.

આજે તેમનું ઘર એક ટ્રેઇનિંગ સેન્ટર બની ગયું છે. તેમનો પ્રયાસ ન ફક્ત કારીગરો માટે આવકનું સાધન બન્યું પરંતુ એક સમયે કાશ્મીરનો અવિભાજ્ય અંગ રહેલી આ કળાને પણ નવજીવન મળ્યું.