ફોકસ -રશ્મિ શુકલ
રામ બાબુ તિવારી
પાણીનું ખરું મહત્ત્વ જો કોઈએ જાણ્યું હોય તો એ છે ઉત્તર પ્રદેશમાં આવેલા બુંદેલખંડના નાના ગામ અધાંવમાં રહેતાં રામ બાબુ તિવારીએ. તેમનાં ગામમાં પાણી મેળવવું ખૂબ મુશ્કેલ રહેતું હતું. પોતાનું બાળપણ પાણીના જે અભાવથી વિત્યું એને કારણે રામને પાણીની ખરી કિંમત જણાઈ છે.
બાળપણનો એક કિસ્સો સંભળાવતા રામ કહે છે કે, ‘અમારા પરિવારમાં એકના નિધનને કારણે અમે સ્મશાનથી ઘરે પાછા ફર્યાં હતા. જોકે સ્નાન કર્યા વગર ઘરમાં પ્રવેશ ન કરવાની માન્યતાને કારણે પાણી ન હોવાથી આખા ગામમાં અમારે વલખા મારવા પડ્યા હતાં. પાણી માટે 3 કિલોમીટર દૂર સુધી બળબળતા તડકામાં ચાલવું પડ્યું હતું. મારું આખું બાળપણ પાણી માટે સંઘર્ષ કરવામાં પસાર થયું હતું. એથી પાણીનું ખરું મૂલ્ય હું સારી રીતે જાણું છું.’
અહીં પાણીની અછત હંમેશાં રહેતી હતી. પાણીની કટોકટી દૂર કરવા માટે અનેક પ્રોજેક્ટ્સ પણ ચલાવવામાં આવ્યા છે.
દસ ધોરણ બાદ વધુ સ્ટડી માટે રામને જ્યારે શહેરની હોસ્ટેલમાં જવું પડ્યું ત્યારે તેમણે પહેલી વખત શાવરમાં સ્નાન કર્યું હતું. જોકે શાવરમાં જે પ્રકારે પાણીની બરબાદી થતી હતી. એને જોઈને તેમને ગામડામાં પોતે વિતાવેલા ભૂતકાળના દિવસો યાદ આવી ગયા. એથી તેમણે મિત્રોને પાણીનો વેડફાટ ન કરવાની સલાહ આપી. તો મિત્રોએ ઊલટાનું તેને જ સલાહ આપવા માંડ્યુ કે પાણીની બચત ગામડામાં જઈને કરવાની.
પછી શું છે રામ બાબુએ રજાના દિવસોમાં ગામડે જઈને કામ કરવાનું બિડું ઉઠાવ્યું. કેટલાંક મિત્રોને સાથે લઈને પાણી ચૌપાલ બનાવી. એનો ઉદ્ેશ લોકોમાં પાણી પ્રત્યે જાગૃકતા લાવવાની હતી. તેમણે ગામડે-ગામડે જઈને પાણી ચૌપાલ કરવાનું શરૂ કર્યું. એનાં દ્વારા લોકોને જોડવાની શરૂઆત થઈ.
રામની મહેનત રંગ લાવી. ધીરે-ધીરે લોકોને પણ પાણીની અસલી કિંમત સમજાઈ. લોકો નાનાં તળાવો વિશે વાત કરવા લાગ્યા, એને સાફ કરવા લાગ્યા.
સમયની સાથે તેમણે અત્યાર સુધી 5000 જળ મિત્રો બનાવ્યા. લોકોને સમજાવવા માટે ધાર્મિક કાર્યક્રમની સાથે નુક્કડ નાટક પણ કર્યા. લોકોને ભંડારાનું ભોજન પિરસીને શ્રમદાન સાથે જોડ્યા અને આવી રીતે 10 વર્ષની સખત મહેનત બાદ બુંદેલખંડનાં 75 તળાવોને નવજીવન પ્રાપ્ત થયું.
હવે આ તળાવોમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે. એનો આખા વર્ષભર ગામના લોકો ઉપયોગ કરે છે. રામનું કહેવું છે કે તળાવોના ર્જીણોદ્ધારથી તળાવની પરંપરા પાછી આવી છે અને લોકોનું પાણી પ્રત્યેનું માન વધ્યું છે.
વર્તમાનમાં લોકો જે રીતે પાણીનો બેફામ વપરાશ કરે છે. એને જોતા દેશને રામ બાબુ જેવા જ અસલી હીરોની જરૂર છે, જેણે લોકોને પાણીનો સંગ્રહ અને સાચવતા શીખવ્યું.
રામ બાબુ તિવારીનો આ પ્રયાસ તો ભારત સરકારના પણ ધ્યાનમાં આવ્યો હતો. તેમના આ પ્રયત્નને જોતાં સરકારના જળ શક્તિ મંત્રાલયે રામ બાબૂને વોટર હીરોનો ઍવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા. આટલું જ નહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ રામનાં કાર્યોને બિરદાવ્યાં હતાં.