ભુજઃ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ લૂંટારુ ટોળકીઓ હવે ગરીબ શ્રમજીવીઓને પણ નિશાન બનાવી રહી છે. ભુજ પંથકમાં ગણતરીના કલાકોમાં લૂંટના બે ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે, જેમાં એક ચણા-ચટપટી વેચતા ફેરિયાને અને બીજા કિસ્સામાં એક રિક્ષાચાલકને ઊંચા ભાડાની લાલચ આપી અવાવરુ જગ્યાએ લઈ જઈ લૂંટ ચલાવવામાં આવી છે. બંને ગુનામાં ગુનેગારોની લૂંટ કરવાની પદ્ધતિ એકસમાન હોવાથી આ બંને ગુના પાછળ એક જ ટોળકી સક્રિય હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
પ્રથમ બનાવની વિગત મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના અને છેલ્લા ૨૦ વર્ષથી ભુજમાં રહીને મોટરસાયકલ પર ચણા-ચટપટી વેચી ગુજરાન ચલાવતા રણવીર ઓમપ્રકાશ રાઠોડે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગત રાત્રે તેઓ દહીંસરા, કેરા અને બળદિયા પંથકમાં ફેરી કરીને ભુજ તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાલાજી ગ્રીન્સ નજીક એક સફેદ એક્ટિવા પર ત્રિપલ સવારી આવેલા ત્રણ અજાણ્યા શખ્સો તેમની આગળ-પાછળ ચક્કર લગાવવા લાગ્યા હતા. શનિદેવ મંદિર પાસે આ શખ્સોએ રણવીરભાઈને રોક્યા હતા અને "અમારા ઘરે મહેમાનો આવ્યા છે, તેમને ચટપટી ખવડાવવાનો ઓર્ડર છે, તમે અમારી પાછળ આવો, પૂરતું ભાડું આપી દેશું" તેમ કહી વિશ્વાસમાં લીધા હતા.
ત્યારબાદ આ ત્રણેય શખ્સો ચટપટીવાળાને મોચીરાઈથી દંતેશ્વર મંદિર તરફ જતા એક સૂમસામ અવાવરુ માર્ગ પર લઈ ગયા હતા. રણવીરભાઈને શંકા જતાં તેમણે આગળ જવાની ના પાડી, જેથી ઉશ્કેરાયેલા લૂંટારુઓએ તેમની મોટરસાયકલની ચાવી ઝૂંટવી લીધી હતી અને ખિસ્સામાંથી રૂ.૫,૦૦૦નો મોબાઈલ ફોન તથા વકરાના રોકડા રૂ.૪,૦૦૦ મળી કુલ રૂપિયા ૯,૦૦૦ની લૂંટ ચલાવી હતી. પ્રતિકાર કરતાં શખ્સોએ તેમને બેરહેમીપૂર્વક ઢીકાપાટુનો માર માર્યો હતો અને પથ્થર વડે હુમલો કર્યો હતો. લૂંટ ચલાવતી વખતે આ ત્રણેય અંદરોઅંદર નરેશ, હાર્દિક અને કપિલ નામ બોલતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
લૂંટનો બીજો બનાવ માધાપર પોલીસ મથકે નોંધાયો છે. નાગોર ગામના રિક્ષાચાલક ખીમજી મનુ કાતરિયા બપોરના સમયે રિક્ષા સાથે ઊભા હતા, ત્યારે એક અજાણ્યો શખ્સ પેસેન્જર બનીને આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, "કોડકી-રતિયા રોડ તરફ જવાનું છે અને ત્યાંથી ઘઉંના બાચકા ભરીને પાછા આવવાનું છે, જે ભાડું થશે તે રોકડેથી ચૂકવી દઈશ." રિક્ષાચાલક વરધી સમજીને તેને બેસાડીને રતિયા ગામ તરફ જવાના કાચા રસ્તે નીકળ્યા હતા.
એકાંતવાળી જગ્યા આવતાં જ રિક્ષામાં બેઠેલા શખ્સે ચાલુ વાહને ચાવી ખેંચી લીધી હતી. એટલી જ વારમાં પાછળથી એક્ટિવા સવાર તેનો અન્ય એક સાથીદાર પણ ત્યાં ધસી આવ્યો હતો. બંનેએ રિક્ષાચાલકને ડરાવી-ધમકાવી તેમના ખિસ્સામાંથી વકરાના રૂ.૧,૫૦૦ ઝૂંટવી લીધા હતા. રિક્ષાચાલકે સામનો કરવાનો પ્રયાસ કરતાં લૂંટારુઓએ તેમને પણ પથ્થર મારીને ઘાયલ કર્યા હતા અને સફેદ એક્ટિવા પર નાસી છૂટ્યા હતા. નાસતી વખતે રિક્ષાચાલકે એક્ટિવાનો નંબર જોવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નંબર પ્લેટ વળેલી હોવાથી બરાબર વાંચી શકાયો ન હતો.
પોલીસના મતે, આ બંને ગુનામાં ભોગ બનનાર માત્ર શ્રમજીવીઓ જ છે. લૂંટારુઓ દ્વારા વાહનની ચાવી કાઢી લેવી, એકાંતવાળા કાચા માર્ગો પસંદ કરવા અને પ્રતિકાર કરવા પર પથ્થર વડે હુમલો કરવો જેવી એકસમાન પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ સામ્યતા જોતાં એ-ડિવિઝન અને માધાપર પોલીસની અલગ-અલગ ટુકડીઓ સીસીટીવી કેમેરા અને શંકાસ્પદ એક્ટિવાના નંબરના આધારે નરેશ, હાર્દિક અને કપિલ નામધારી લૂંટારુ ટોળકીને દબોચી લેવા સંયુક્ત તપાસ ચલાવી રહી છે.
(ઉત્સવ વૈદ્ય)