Thu Jun 18 2026

Logo

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ સપનાના રાજકુમારથી સ્વ-ઓળખ સુધીની સફર...

2026-06-18 08:41:00
Author: Shweta Joshi Antani
Article Image

 

શ્વેતા જોષી અંતાણી 

સોળ વર્ષની મીરાંને લાગતું હતું કે એનું જીવન પહેલેથી જ લખાય ચૂક્યું છે. ગામની ધૂળભરી ગલીઓ, રોજ દેખાતા નિસ્તેજ ચહેરાઓ, એ નાનકડી શાળા અને એ જ દિનચર્યા. એના માટે દુનિયા એટલે એ ખોબાસરીખું ગામ. અન્ય ગ્રામજનો માફક મીરાંને પણ કોઈ મોટાં સ્વપ્નો કે લક્ષ્ય નહોતાં, પણ એક સાંજે બધું બદલાઈ ગયું.

મીરાં રસોડામાં મમ્મીને મદદ કરી રહેલી એ સમયે ટીવી પર એક અત્યંત તેજસ્વી વિદ્યાર્થીનો ઇન્ટરવ્યૂ આવી રહેલો. એનું નામ પ્રણિત. એણે દેશની પ્રતિષ્ઠિત એવી આઇઆઇટી એન્જિનિયરિંગ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હતો. એ લાઇવ પ્રોગ્રામમાં પોતાના સંઘર્ષ તેમજ સફળતાની વાતો કરી રહેલા પ્રણિતને જોતાં મીરાં આભી બની ગઈ. પ્રણિતના આત્મવિશ્વાસથી ભરેલા શબ્દો અને એની આંખોમાં ચમકતાં સપનાંઓએ મીરાંને આકર્ષિત કરી લીધી. 

ટીવી પરનો કાર્યક્રમ તો બે ઘડીમાં પૂરો થઈ ગયો, પરંતુ મીરાંના મનમાં પ્રણિતના ચહેરાએ અડ્ડો જમાવી લીધેલો. એ રાતે એને ઊંઘ ના આવી. મનમાં વારંવાર પ્રણિત અને એના શબ્દો ફરી રહ્યા હતા. ધીમે ધીમે એ સામાન્ય લાગતી ઘટના તરુણાવસ્થા દરમિયાન ઉદ્ભવતા નિર્દોષ આકર્ષણમાં બદલાય ગઈ.

‘હું પણ એ જ કૉલેજમાં જઈશ,’ મીરાંએ મનોમન નક્કી કરી લીધું. એટલું જ નહીં, આઇઆઇટી જેવી સંસ્થામાં પ્રવેશ મેળવવા કરવી પડતી આકરી મહેનતનો યોગ્ય ક્યાસ પણ કાઢી લીધો.

જોકે મીરાંનો આ વિચાર સાંભળી મિત્રો, પરિવારજનોએ એનું ચસકી ગયું છે એમ માન્યું. શાળાના શિક્ષકો પણ સ્પષ્ટ કહેતા કે ‘આવી મોટી સંસ્થામાં પ્રવેશ મેળવવો સરળ નથી.’ આસપાસમાં જે મળે એ મીરાં સામે બસ એક જ રટણ કરતા, ‘તું બહુ મોટું સપનું જોઈ રહી છે, પસ્તાવાનો વખત આવશે.’ 

જોકે આ પહેલીવાર મીરાંને કોઈ લક્ષ્ય મળ્યું હતું. ભલેને એક યુવાનના આકર્ષણને લીધે પણ મીરાને કોઈ પણ ભોગે આઇઆઇટી જવું એટલે જવું જ. હવે એ દરરોજ વહેલી ઊઠવા લાગી. જૂનાં પુસ્તકો ભેગાં કરતી, ઇન્ટરનેટ પરથી વીડિયો જોઈને અભ્યાસ કરતી, કલાકો સુધી પ્રશ્ર્નો ઉકેલતી. ઑનલાઇન ક્લાસિસ કરતાં એને અનેકોવાર નિષ્ફળતા મળી, પણ એ અદની છોકરી હાર માનવા તૈયાર નહોતી. 

ત્યાં સુધી કે એની નજીકની ફ્રેન્ડ્સ જ્યારે કહેતી કે એક અજાણ્યા છોકરા માટે આટલી મહેનત? મીરાં હસીને વાત ટાળી દેતી, પણ અંદરથી એને લાગતું કે કદાચ એ સાચું કહે છે, છતાં એ અટકી નહીં. સમય પસાર થતો ગયો. જે છોકરી પહેલાં સામાન્ય વિદ્યાર્થિની ગણાતી એ હવે શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાં ગણાવા લાગી. દિવસ-રાત એક કરતી મીરાંને હવે અર્જુનની માછલીની આંખ માફક આઇઆઇટીનું પ્રવેશદ્વાર દેખાતું.

પરિણામના દિવસે ગામ આખું ઉત્સુક હતું. અમુક હિતશત્રુઓ મીરાંની નિષ્ફળતા માટે રાહ જોઈ બેઠા હતા તો અમુક વળી માત્ર એ જાણવા તલપાપડ હતાં કે ધાર્યુ પરિણામ આવ્યું કે નહીં. કહેવાય છે ને કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો એમ મીરાં અંતે સફળતા મેળવીને જ જંપી. એને એ જ પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રવેશ મળ્યો, જ્યાં પ્રણિત અભ્યાસ કરતો હતો. ગામમાં ખુશીની લહેર ફરી વળી. બધાને એના પર ગર્વ હતો. આખરે માત્ર મજૂરી કરી જાણતાં હોય એવા ગામની દીકરીએ દેશ ગજવ્યો હતો. મીરાંને લાગ્યું કે એની પરીકથા હવે સાચી થવા જઈ રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ હતી.

કૉલેજમાં પહોંચ્યા પછી એને સમજાયું કે અહીં બધું જ નવું છે. એની સાથેના લોકો અત્યંત ચબરાક જ્યારે મીરાં તદ્દન સરળ છોકરી હતી. એક દિવસ આખરે એની મુલાકાત પ્રણિત સાથે થઈ. ધબકતા હૃદયે એણે પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે કઈ રીતે એના ઇન્ટરવ્યૂએ પોતાને અહીં સુધી પહોંચવાની પ્રેરણા આપેલી. આ જ વાત મીરાએ પોતાની રૂમપાર્ટનરને પણ કરી, સાથે લાગણીઓ નો ઉમેરો કર્યો કે પ્રણિત તો એને જોતાવેંત ગમી ગયેલો. બસ, પછી તો શું જોઈએ! વાત વાયુવેગે આખા કૅમ્પસમાં ફરી વળી. 

મીરાં હવે મજાકનું સાધન બની ગઈ. કોઈ એને સિન્ડ્રેલા કહેતું, તો કોઈ એને મૂર્ખ ગણતું. મીરાં મનોમન કચવાતી, છતાં એ હિંમત હાર્યા વગર પોતાનું કામ કરતી, પરંતુ એને જ્યારે ખબર પડી કે પ્રણિત પણ એની વાતને મજાકમાં જ લઈ રહ્યો છે ત્યારે એ ભાંગી પડી. જે વ્યક્તિને મેળવવા પોતે આટલી મહેનત કરી એ જ એની લાગણીઓને ગંભીરતાથી લેતો નહોતો.

એ રાત્રે મીરાં ખૂબ રડી. એને લાગ્યું કે કદાચ એની આખી સફર જ વ્યર્થ હતી. બસ, બીજા જ દિવસે બધું પડતું મૂકી એ પોતાના ગામ પાછી ફરી. ગામની શાળા સામે ઊભી રહીને એ વિચારશૂન્ય નજરે બિલ્ડિંગને તાકી રહેલી ત્યારે એણે એક નાનકડી છોકરીને પોતાની તરફ આશાભરી નજરે જોતા જોઈ. 

‘દીદી, હું પણ તમારી જેમ મોટી કૉલેજમાં ભણવા જઈશ.’ એ છોકરીએ કહ્યું. આ શબ્દોએ મીરાંને અંદર સુધી સ્પર્શી લીધી. એને સમજાયું કે પોતાની સૌથી મોટી સિદ્ધિ પ્રણિત સુધી પહોંચવાની નહોતી. એ છોકરા તરફનું આકર્ષણ તો માત્ર એક શરૂઆત હતી પોતાની અંદર પડેલી પ્રતિભાને બહાર લાવવા માટેની. સાચી શક્તિ તો પોતાની અંદર જ સમાયેલી હતી.

કૉલેજ પરત ફરી મીરાંએ નક્કી કર્યું કે હવે એ કોઈ વ્યક્તિ માટે નહીં, પરંતુ જાત માટે મહેનત કરશે. એ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા લાગી. નવા વિષયો શીખવા લાગી. પોતાની ક્ષમતાઓને ઓળખવા લાગી. ધીમે ધીમે એનો આત્મવિશ્વાસ વધ્યો. વર્ષના અંતે તેણે એક રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં કૉલેજનું પ્રતિનિધિત્વ કર્યું અને વિજેતા બની. 

પુરસ્કાર સ્વીકારતી વખતે મીરાને પોતાના ગામની એ સાદી છોકરી યાદ આવી, જે એક દિવસ ટીવી સામે બેઠી હતી અને જેને જાત પર કોઈ ખાસ વિશ્ર્વાસ નહોતો. એના ચહેરા પર સ્મિત તરી આવ્યું, કારણ કે હવે એને સમજાય ચૂકેલું કે જીવનમાં સૌથી મોટી જીત કોઈને પામી લેવામાં નથી. એ તો પોતાની જ અંદર છુપાયેલી પ્રતિભાઓને ઓળખવામાં છે.
કેટલીકવાર આપણાં સપનાંઓની શરૂઆત કોઈ અન્ય વ્યક્તિથી ચોક્કસ થાય છે, પરંતુ અંતે પોતાની ખરી ઓળખ સુધી પહોંચાડે દે એ આનું નામ.