Fri May 29 2026

Logo

ટાઇગર વૂડ્સનો ચોથો કાર અકસ્માતઃ ધરપકડ બાદ જામીન પર છૂટ્યો

Jupiter, Florida   2026-03-28 15:43:01
Author: Ajay Motiwala
Article Image

AP


જ્યુપિટર આઇલૅન્ડ (અમેરિકા): ગૉલ્ફની રમતના લેજન્ડ ટાઇગર વૂડ્સની કારનો શુક્રવારે અકસ્માત થવાને પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી, પણ પછીથી તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. ટાઇગર દારૂ પીને કાર ચલાવી રહ્યો હોવાની પોલીસને શંકા જતાં તેને પકડવામાં આવ્યો હતો, પણ પછી તેને વધુ પૂછપરછ માટે પોલીસના સંપર્કમાં રહેવાની સલાહ સાથે છોડી મૂકવામાં આવ્યો હતો. ટાઇગર વૂડ્સ (Tiger Wiods)નો જિંદગીનો આ ચોથો કાર અકસ્માત હતો.

ટાઇગર તેની લૅન્ડ રોવર (Land Rover) કાર ખૂબ સ્પીડમાં ચલાવી રહ્યો હતો અને ટ્રક સાથે કાર ટકરાઈ જતાં દૂર ફંટાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ટાઇગરને નજીવી ઈજા પહોંચી હતી અને તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેણે દારૂ પીને કાર હંકારી હોવાની શંકાને આધારે કે ડ્રાઇવિંગની બાબતમાં તેણે બીજો કોઈ ગુનો કર્યો હશે એવી શંકા જતાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને કલાકો બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હોવાની જાહેરાત કરાઈ હતી.

યુરિન ટેસ્ટની ના પાડતાં થઈ ધરપકડ

તપાસકારોને એવી પણ શંકા હતી કે ટાઇગરે કોઈ પ્રકારની પ્રતિબંધિત દવા કે ડ્રગ્સનું સેવન કર્યું હતું. માર્ટિન કાઉન્ટીના શેરીફ જૉન બુડેનસિકે અસોસિયેટેડ પ્રેસ (એપી)ને જણાવ્યું હતું કે `ટાઇગર બે્રથલાઇઝર ટેસ્ટ માટે તૈયાર થઈ ગયો હતો અને એ પરીક્ષણમાં તેણે આલ્કૉહોલનું સેવન કર્યું હોવાનું કંઈ જ નહોતું જણાયું. જોકે તેણે યુરિન ટેસ્ટ માટે ના પાડી એટલે તેની ધરપકડ કરવામાં આવી હતી.' ફ્લોરિડાના કાયદા મુજબ ટાઇગરે જામીન મેળવતાં પહેલાં આઠ કલાક સુધી જેલમાં રહેવું જરૂરી હતી. જોકે તેને જેલમાં અન્ય કેદીઓ સાથે નહોતો રાખવામાં આવ્યો.

નવ વર્ષમાં ત્રીજી વખત ધરપકડ

ટાઇગર વૂડ્સની ડ્રાઇવિંગની બાબતમાં નવ વર્ષમાં બીજી વખત ધરપકડ થઈ છે. 2017માં પણ તેને કાર અકસ્માત વખતે પકડવામાં આવ્યો ત્યારે પણ તેણે આલ્કૉહોલ લીધું હોવાનું પરીક્ષણમાં નહોતું જણાયું. જોકે તેણે ખૂબ પેઇનકિલરની ગોળીઓ લીધી હતી અને તેને ડ્રાઇવિંગ દરમ્યાન ઊંઘ આવી જતાં તેની કારનો નજીવો અકસ્માત થયો હતો. 2021માં લૉસ ઍન્જલસના કૉસ્ટલ રોડ પર તેની હાઇ સ્પીડને લીધે તેની કારનો અકસ્માત થયો હતો જેમાં તેને શરીરના ઘણા ભાગોમાં ઈજા થઈ હતી. કુલ મળીને તેને ચાર વખત કાર અકસ્માત નડ્યા છે.