Sat Sep 05 2026

Logo

છેલ્લો ફોન, પછી સંપર્ક તૂટ્યો; નેપાળના પૂરમાં કલ્યાણનો ૨૮ વર્ષીય અભિષેક ગુમ

2026-08-29 18:57:22
Author: Mumbai Samachar Team
છેલ્લો ફોન, પછી સંપર્ક તૂટ્યો; નેપાળના પૂરમાં કલ્યાણનો ૨૮ વર્ષીય અભિષેક ગુમ

થાણે : નેપાળમાં આવેલા અચાનક પૂરના પગલે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણના ૨૮ વર્ષીય અભિષેક ઘોને ગુમ થયા છે. ટ્રાવેલ બુકિંગ પોર્ટલમાં કામ કરતા અભિષેક ૨૪ ઓગસ્ટે કાઠમંડુ માટે રવાના થયા હતા. મંગળવારે મોડી રાત્રે તેમણે પરિવારને ફોન કરીને બીજા દિવસે વહેલી સવારે કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરવાની માહિતી આપી હતી. ત્યારબાદ નેપાળના રસુવા સહિત મધ્ય વિસ્તારોમાં બુધવારે અચાનક પૂર આવતા અભિષેકનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

અભિષેકના પરિવારે તેમના લોકેશન અંગેની માહિતી મેળવવા સંબંધિત અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ હજુ સુધી તે સંબંધિત કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. અભિષેકના એક મિત્રએ તેના લોકેશનની જાણકારી મેળવવા માટે એઆઈ ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો. આ સાધનોના આધારે અભિષેક સલામત વિસ્તારમાં હોવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. જોકે, પરિવાર આ માહિતીને અપ્રમાણિત માનીને અધિકારીઓ પાસેથી સત્તાવાર અને ચોક્કસ માહિતીની રાહ જોઈ રહ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ, અભિષેકે લાંબા સમયથી આ યાત્રાનું આયોજન કર્યું હતું અને યાત્રાને લઈને તે ખૂબ ઉત્સાહિત હતો.

પરિવારે જણાવ્યું કે સ્થાનિક પ્રવાસ સંચાલક દ્વારા સમગ્ર ભારતમાંથી આશરે ૭૦થી ૮૦ યાત્રાળુઓને પાંચ વાહનોમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે ભારે વરસાદ અને અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તિબેટમાંથી નીકળેલા ભારે પૂરના પ્રવાહે મધ્ય નેપાળના અનેક વિસ્તારોમાં ભારે વિનાશ સર્જ્યો હતો, જેમાં મહત્વના પુલો ધોવાઈ ગયા હતા અને અનેક હાઇડ્રોપાવર પ્રોજેક્ટને પણ ખાસ્સું નુકસાન થયું હતું. અભિષેકના પિતાએ કહ્યું કે પરિવારને વહીવટીતંત્ર સામે કોઈ રોષ નથી અને તેમની એકમાત્ર માગણી તેમના પુત્ર અંગે ચોક્કસ માહિતી મેળવવાની છે. અહેવાલો અનુસાર, કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારના ચાર રહેવાસીઓ નેપાળમાં આવેલા પૂરને પગલે ગુમ થયેલા હોવાની માહિતીની અત્યાર સુધી પુષ્ટિ થઈ છે.