Fri Sep 04 2026

Logo

સુરતમાં પરિણીત યુવકે સગીર પ્રેમિકા સાથે બીલીના ઝાડ સાથે લટકી કર્યો આપઘાત

2026-08-13 12:42:00
Author: Mayur Patel
સુરતમાં પરિણીત યુવકે સગીર પ્રેમિકા સાથે બીલીના ઝાડ સાથે લટકી કર્યો આપઘાત

સુરતઃ શહેરમાં પરિણીત યુવકે સગીર પ્રેમિકા સાથે બીલીના ઝાડ સાથે લટકીને આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. બંને પ્રેમીપંખીડા બે દિવસથી ગુમ હતા. 

શું છે મામલો

સુરતના સંજયનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા 24 વર્ષીય યુવક અને 16 વર્ષીય સગીરાએ પ્રેમપ્રકરણમાં ખાડી કિનારે બીલીપત્રના ઝાડ પર દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બંને મૃતકો છેલ્લા બે દિવસથી ઘરેથી ગુમ હતા અને પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા. આજે સવારે રામજીનગર સોસાયટી નજીકથી બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.

યુવકના બે લગ્ન થઈ ચૂક્યા હતા

મૂળ દાહોદનો 24 વર્ષીય યુવક દોઢ મહિના પહેલાં જ મજૂરીકામ માટે સુરત આવ્યો હતો. તેના અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા હતા. છેલ્લા એક મહિનાથી 16 વર્ષીય સગીરા સાથે મજૂરીકામ પર જતી વખતે બંને વચ્ચે પ્રેમ થયો હતો. જોકે, બંનેના પરિવારજનો આ સંબંધથી અજાણ હતા. ઘરથી માત્ર 500 મીટર દૂર ખાડી કિનારે બંનેએ બીલીના ઝાડ સાથે લટકીને આ અંતિમ પગલું ભર્યું હતું.

બંને પરિવારોએ જણાવ્યું હતું કે લગ્ન કે પ્રેમસંબંધ અંગે તેમને કોઈ જાણ નહોતી. દીકરી ગુમ થતાં ચિંતાતુર બનેલા માતા-પિતાને ગામડે મોકલવામાં આવ્યા હતા, જ્યાં પહોંચતા જ તેમને આ માઠા સમાચાર મળ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
..