Thu May 14 2026

Logo

ફેશનઃ ગરમીમાં પણ સ્ટાઇલ ને કમ્ફર્ટનું સંતુલન

2026-05-14 08:47:00
Author: Khushbu Mulani Thakkar
Article Image

ખુશ્બુ મુલાણી ઠક્કર

મુંબઈના ગરમ અને ભેજવાળા વાતાવરણમાં ઑફિસ જવું એટલે માત્ર કામની જવાબદારી નહીં, પણ કપડાંની પસંદગીમાં પણ ચાલાકીની જરૂર પડે છે. મે-જૂનની ગરમીમાં સ્ટાઇલિશ દેખાવા સાથે સાથે આરામ અને વ્યવસાયિકતા જાળવવી એ પડકાર છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ સમર સિઝનમાં કઈ ટાઇપનાં ઑફિસ વેર પહેરી શકો જે તમને ગરમીમાં પણ કૂલ, કૉન્ફિડન્ટ અને કમ્ફર્ટેબલ લુક આપશે. ઉનાળામાં પહેરવાં  માટે કૉટન ટ્રાઉઝર, કોર્ડ સેટ, કફ્તાન અને ડ્રેસ એ એક બેસ્ટ ઑપ્શન છે.

ફૅબ્રિક પસંદગી સૌથી મહત્ત્વનું પાસું

ઉનાળામાં ઑફિસમાં શું પહેરવું એ એક મોટી ચૅલેન્જ હોય છે. ઑફિસ વેર સૉફિસ્ટિકેટેડ, ડિસન્ટ અને  કમ્ફર્ટેબલ પણ હોવાં જોઈએ. ખાસ કરીને કૉટન અને લિનનનાં કપડાં પહેરી શકાય. સિન્થેટિક અને પોલિએસ્ટરવાળા કપડાં ટાળવા જોઈએ, કારણ કે તેમાં ગરમી અને પરસેવો વધારે થાય છે. ઉનાળામાં ખાસ કરીને કૉટન , લિનન, ક્રેપ કે મોડલ સિલ્કના ડ્રેસ પહેરી શકાય. આ ફૅબ્રિકમાં ઉનાળામાં ગરમી થતી નથી અને શાઇન પણ આપે છે.

ટ્રાઉઝર- ઑફિસમાં ખાસ કરીને યુવતીઓ ટ્રાઉઝર પહેરે છે. સિન્થેટિક ટ્રાઉઝર પહેરવાને બદલે તમે કૉટનના ટ્રાઉઝર પહેરી શકો. કૉટન ટ્રાઉઝર ઘણા અલગ અલગ ફીટના  આવે છે. તમે તમારી  બૉડી ટાઇપ અને હાઇટને આધારે ટ્રાઉઝરના ફીટની પસંદગી કરી શકો. જેમ કે જો તમારી હાઇટ સારી હોય તો તમે બૂટ કટ ટ્રાઉઝર પહેરી શકો તેમ જ એન્કલ  લેન્થનું  ટ્રાઉઝર પણ પહેરી શકાય. જો તમારું શરીર ભરેલું હોય તો, ફિટિંગવાળા ટ્રાઉઝર પહેરી શકાય. અને જો તમારું શરીર સુડોળ હોય તો તમે બ્રૉડ બૉટમવાળા ટ્રાઉઝર પણ પહેરી શકો. 

આ ટ્રાઉઝર સાથે કૉટનના કે લિનનના શર્ટ સારા લાગશે. જે શર્ટને તમે ઇન્ટક કરી શકો. આ શર્ટની પૅટર્ન એવી હોય છે કે તમે તેને ઇન્ટક નહિ કરો તો પણ સારા લાગશે. આ શર્ટની નેક લાઇનમાં વેરિએશન જોવા મળે છે જેમ કે, ચાઇનીસ કૉલર અને ઓપન નેક લાઇન. જેમનું શરીર ભરેલું હોય તેઓએ ખાસ  કરીને ચાઇનીઝ કૉલર પહેરવા ટાળવા, તેની બદલે તમે ઓપન નેકલાઇનવાળા ટૉપ્સ કે શર્ટ પહેરી શકો.

કોર્ડ સેટ  

ઉનાળામાં કોર્ડ સેટ એ એક આશીર્વાદ છે. કોર્ડ સેટ પહેર્યા પછી સિમ્પલ છતાં સ્ટાઇલાઇઝડ લાગે છે. તમે તમારી પર્સનલ ચૉઇસ પ્રમાણે પ્લેન અથવા પ્રિન્ટેડ કોર્ડસેટની પસંદગી કરી શકો. પ્લેન કોર્ડ પહેર્યા પછી એક સૉલિડ લુક આપે છે. આ લુકને તમે સ્કાર્ફ અથવા એક્સેસરીઝથી હાઇલાઇટ કરી શકો. લિનનના પ્લેન કોર્ડ સેટ એક આગવી છાપ ઊભી કરશે. 

કૉટનના પ્રિન્ટેડ કોર્ડ સેટની પ્રિન્ટ જોઈને લેવી કે જે ઑફિસમાં સારી લાગી શકે. ઑફિસ માટે ફ્લોરલ પ્રિન્ટ કરતાં જોમેટ્રિક પ્રિન્ટ પહેરી શકાય. જો તમારે ફ્લોરલ પ્રિન્ટ જ પહેરવી હોય તો ઝીણી પ્રિન્ટ પહેરી શકાય. વધારે પડતી બોલ્ડ ફ્લોરલ પ્રિન્ટ ઑફિસમાં સારી નહીં લાગે. પેસ્ટલ શેડના લિનનના કોર્ડ સેટ એક સ્માર્ટ લુક આપશે. પ્લેન કોર્ડ સેટને તમે એક્સેસરીઝથી હાઇલાઇટ કરી શકો જેમકે, સ્ટેટમેન્ટ ઇયરિંગ કે નેક પીસ.

કફતાન

ઑફિસમાં રેગ્યુલર કૉટનની કુર્તી પહેરવા કરતાં કફ્તાન પહેરી શકાય. કફ્તાન ફિટિંગમાં હોવા છતાં તેની સ્ટાઇલને કારણે કમ્ફર્ટેબલ લાગે છે. કફ્તાનની લેન્થ કઈ ટાઇપની બૉટમ પહેરવાનો છો તેમ જ તમારી બૉડી ટાઇપ અને હાઇટ અનુસાર સિલેક્ટ કરી શકો. કફ્તાન પણ અલગ અલગ ફૅબ્રિકમાં આવે છે. 

ઉનાળામાં કૉટનના કફ્તાન કરતાં ક્રેપ કે મોડલ સિલ્કના કફ્તાન પહેરી શકાય. આ ફૅબ્રિકથી થોડી શાઇન પણ આવશે અને  ચોળાતું  પણ નથી. કફ્તાન સાથે તમે નેરો પૅન્ટ કે પછી બ્રૉડ પૅન્ટ પણ પહેરી શકો. તે તમારી પર્સનલ ચૉઇસ પર આધાર રાખે છે. કફ્તાનની સ્ટાઇલ અને ફૅબ્રિકના હિસાબે તેમાં ગરમી થતી નથી. કફ્તાન બધી જ વયની યુવતીઓ અને મહિલાઓ પર સારા લાગે છે.  

ડ્રેસ- ઉનાળામાં ડ્રેસ પહેરવાની મજા જ અલગ હોય છે.તમારી ઑફિસ મુજબ તમે ડ્રેસની પસંદગી કરી શકો. જેમ કે જો તમે કૉર્પોરેટ કંપનીમાં કામ કરતા હોવ તો લિનનના ડ્રેસ પહેરવા. લિનન એ એક એવું ફૅબ્રિક છે જે ચોળાય જાય તો પણ ખરાબ નથી લાગતું. 

ડ્રેસની લેન્થ તમારી ઑફિસના માહોલ અનુરૂપ તેમ જ તમારી બૉડી ટાઇપ અનુસાર કરવી. વધારે પડતા પૅટર્નવાળા ડ્રેસ પહેરવા ટાળવા, તેની બદલે સિમ્પલ અને સ્ટાઇલાઇઝ્ડ ડ્રેસ પહેરવા. એ લાઇન અને સ્ટ્રેટ ડ્રેસ ઑફિસમાં ખૂબ  જ સૉફિસ્ટિકેટેડ લુક આપે છે. આ ડ્રેસને થોડો વધારે સ્ટાઇલાઇઝડ લુક આપવા માટે તમે ડ્રેસ પર ઓપન જૅકેટ પણ પહેરી શકો.