- આશુ પટેલ
થોડા સમય અગાઉ ગુજરાતના પ્રવાસ વખતે એક પરિચિતના ઘરે સરપ્રાઈઝ આપવા જઈ ચડ્યો. એ વખતે તેમના દીકરાએ આવીને કહ્યું કે ‘પપ્પા, મારે બે દિવસ માટે મિત્રો સાથે ફરવા જવું છે.’ એ સાથે મારા પરિચિત તેના પર ગુસ્સે થઈ ગયા. તેમણે ઊંચા અવાજે કહ્યું, ‘અત્યારે સામે બોર્ડની પરીક્ષા આવે છે અને તારે મિત્રો સાથે રખડવા જવું છે! તારી ઉંમરે હું કામે વળગી ગયો હતો અને તારે રખડી ખાવું છે?’ તેમણે પુત્રને બીજું પણ ઘણું સંભળાવ્યું પછી આદેશ આપી દીધો કે ‘ચૂપચાપ ભણવામાં ધ્યાન પરોવ.’ તેમનો દીકરો ઊતરી ગયેલા ચહેરે અંદરના રૂમમાં ચાલ્યો ગયો. પેલા પરિચિતના વર્તાવથી મને પણ આંચકો લાગ્યો. તેમની આર્થિક સ્થિતિ પણ સારી છે એટલે પૈસાના અભાવનું તો કોઈ કારણ હતું નહીં, પણ તેમણે પોતાના દીકરા સાથે જે વર્તાવ કર્યો એ આઘાતજનક હતો. એ પછી જાણે કશું બન્યું જ નથી એ રીતે મારા પરિચિત ફરી વાર મારી સાથે વાતે વળગી ગયા, પણ હું વિચલિત થઈ ગયો.
તેમણે દીકરાને જે રીતે ઉતારી પાડ્યો એ જોઈને મને હોલિવૂડની ફિલ્મ ‘લાઇફ ઈઝ બ્યુટીફુલ’ યાદ આવી ગઈ. મેં તેમને કહ્યું કે ‘તમારે આ ફિલ્મ જોવી જોઈએ.’ તેમણે કહ્યું કે ‘ફિલ્મો અને વાસ્તવિક જિંદગી વચ્ચે ઘણો તફાવત હોય છે. હું આજે તેને થોડી છૂટ આપીશ તો કાલે તે પોતાની ઇચ્છા પ્રમાણે જીવતો થઈ જશે અને ભવિષ્યમાં પોતાની પસંદગીની છોકરી લઈ આવશે!’
મને તેમના પર ગુસ્સો આવ્યો અને દયા પણ આવી. આ લેખ માટે વિષય વિચારી રહ્યો હતો એ વખતે તે પરિચિતે તેમના દીકરા સાથે કરેલો વર્તાવ યાદ આવી ગયો. પિતાનો નકારાત્મક વર્તાવ સંતાનની આખી જિંદગી પર અસર કરતો હોય છે.
ઘણા માણસોને દરેક વાતમાં નકારાત્મકતા દેખાતી હોય છે. એવા માણસોએ રોબર્ટ બેનિનીની (ઇટાલિયન ભાષામાં સાચો ઉચ્ચાર રોબર્તો બેનિગ્ની છે) ફિલ્મ ‘લાઈફ ઈઝ બ્યુટીફુલ’ ફિલ્મ જોવી જોઈએ (1997માં રિલીઝ થયેલી આ ફિલ્મને સાત ઓસ્કાર નોમિનેશન્સ મળ્યાં હતાં અને બેસ્ટ એક્ટર,બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ ફિલ્મ અને બેસ્ટ મ્યુઝિક એમ ત્રણ ઓસ્કર એવોર્ડ મળ્યા હતા).
એ ફિલ્મમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆતના અગાઉના સમયમાં ગાઈડો નામનો એક યુવાન કામની શોધમાં શહેરમાં જાય છે. તેના જીવનમાં પણ તકલીફો છે, પરંતુ તેનો ચહેરો સતત હસતો જ જોવા મળે છે. અને તે બીજા માણસોને ય હસાવતો રહે છે. તે ડોરા નામની એક રૂપાળી યુવતીને જોઈને તેના પ્રેમમાં પડી જાય છે. ડોરા એક ખતરનાક જર્મન અધિકારીની ફિયાન્સી છે. ગાઈડો પણ કંઈકને કંઈક કારણ શોધીને ડોરા સામે આવતો રહે છે અને તે કહે છે કે ‘હું તને પ્રેમ કરું છું.’ ડોરાને પણ આ યુવાન ગમી ગયો છે, પરંતુ તે અવઢવમાં હોય છે.
આ દરમિયાન ડોરાનાં લગ્ન અગાઉ એક પાર્ટી યોજાય છે. ગાઈડો એ પાર્ટીમાં ધસી જાય છે અને દિલધડક રીતે બધાની વચ્ચેથી ડોરાનું અપહરણ કરી જાય છે. ગાઈડો યહૂદી છે. ડોરાને ખબર જ છે કે હિટલરની સેના યહુદીઓને નફરત કરે છે છતાં તે ગાઈડોના પ્રેમમાં પડી જાય છે. તે બંને સાથે જીવવા માંડે છે. ગાઈડો અને ડોરાને એક દીકરો થાય છે. તેઓ તેનું નામ જોશુઆ પાડે છે. તે પાંચ વર્ષનો થઈ ગયો છે એ દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. નાઝી સૈનિકો દ્વારા યહૂદીઓને શોધી-શોધીને ઊંચકી જવાનું અને ટ્રેનોમાં ભરીને કોન્સન્ટ્રેશન કેમ્પ તરફ ધકેલવાનું ચાલુ થઈ ગયું છે. આ કેમ્પમાં ધકેલાનારા યહૂદીઓની કત્લેઆમ થઈ જતી.
ગાઈડો અને તેનો દીકરો જોશુઆ પણ નાઝીઓના હાથમાં આવી જાય છે. સામાન્ય રીતે બીજો કોઈ બાપ હોય તો તે માનસિક રીતે પડી ભાંગે અને દીકરાને કહે કે ‘હવે આપણા જીવનનો અંત નિશ્ર્ચિત છે’ પરંતુ ગાઈડો અલગ પ્રકૃત્તિનો માણસ છે. તે એકદમ આનંદમાં હોવાનું નાટક કરે છે...
ગાઈડો અને જોશુઆને કોન્સન્ટ્રેશન કેમ્પ ધકેલી દેવામાં આવે છે. ત્યાં પણ ગાઈડો જીવનને રંગમંચ ગણીને દીકરા સામે નાટક કરે છે... તે જોશુઆને કહે છે કે ‘જો આપણે એક એવી ગેમ રમીશું, જેમાં જે જીતશે તેને એક સાચી ટેન્ક ઈનામમાં મળશે, પણ એ માટે તારે એક હજાર પોઈન્ટ્સ ભેગા કરવા પડશે. તું આ ગેમની વચ્ચે મમ્મી પાસે જવાની જીદ કરીશ કે મને ભૂખ લાગી છે એવી ફરિયાદ કરીશ તો ગેમમાં હારી જઈશ. બોલ , આ ગેમના બધા નિયમોનું પાલન તું કરીશ ને?’
જોશુઆ હસતા ચહેરે હા પાડે છે. ગાઈડોનું લક્ષ્ય એક જ છે કે પોતાના દીકરાના કુમળા માનસ પર ડરનો કે કોઈ પણ પ્રકારની નકારાત્મકતાનો ઓછાયો ન પડવો જોઈએ. જર્મન ઓફિસર કોન્સન્ટ્રેશન કેમ્પમાં બધા કેદીઓને ગાળો આપતો હોય, ગુસ્સો ઠાલવતો હોય, તેમનું અપમાન કરતો હોય ત્યારે ગાઈડો તેના શબ્દોનો પોતાની ભાષામાં ખોટો અનુવાદ કરીને જોશુઆને એવી રીતે કહે છે કે તે અધિકારી ટેન્ક જીતવાની ગેમ વિશે જ કંઈક વાત કરી રહ્યો છે. આ દરમિયાન જોશુઆ કેમ્પના ગાર્ડસની નજરે ન પડે એ માટે ગાઈડોએ તેને સતત છુપાવવો પડે છે. ગાઈડો એને પણ રમતના એક હિસ્સામાં ખપાવીને દીકરાને કહે છે કે ‘જો પેલા ગાર્ડ આવે ત્યારે તારે ચૂપચાપ ઉપર ચડીને ઊંઘી જવાનું. એ ગાર્ડ તને જોઈ લેશે તો તું આ ગેમ હારી જઈશ. તારા પોઈન્ટ્સ કપાઈ જશે. તારે સહેજ પણ હલનચલન કરવાનું નથી અને તેમને ગંધ સુધ્ધાં નથી આવવા દેવાની કે તું અહીં છે.’
ગાઈડો એટલી સહજતાથી દીકરાને કહે છે કે તેને સહેજ પણ ગંધ નથી આવતી કે તેના પિતા નાટક કરી રહ્યા છે. કોન્સન્ટ્રેશન કેમ્પમાં ક્રૂર જર્મન અધિકારીઓ બેરહેમીથી યહૂદીઓના જીવ ક્રૂર રીતે લઈ રહ્યા છે, પરંતુ ગાઈડોનો દીકરો એમ જ સમજે છે કે આ તો બધું પેલી ગેમનો જ એક ભાગ છે.
ગાઈડો તેના જીવનના અંત સુધી આ નાટક ચાલુ રાખે છે, પણ પછી એવી સ્થિતિ આવે છે કે કોઈ પણ ઘડીએ જર્મન અધિકારી આ બાપ-દીકરા સુધી પહોંચી જાય અને તેમને મારી નાખે. એ વખતે ગાઈડો દીકરાને એક બોક્સ પાસે લઈ જાય છે અને તેને છુપાવતા કહે છે કે ‘આ બધા અધિકારીઓ તને શોધી રહ્યા છે. તું આમાં છુપાઈ જા અને જ્યાં સુધી ગેમ પૂરી ન થાય ત્યાં સુધી તું બહાર ન નીકળતો. નહીં તો આપણે આ ગેમ હારી જઈશું.’
એ પછી જર્મન સૈનિકોનું ધ્યાન પોતાના પર રહે અને દીકરો બચી જાય એ માટે ગાઈડો જર્મન સૈનિકોનું ધ્યાન ખેંચવા માટે ઊલટી-સીધી હરકતો કરે છે. દીકરાને છુપાવ્યો છે એ જંકશન બોક્સ પાસેથી તે સૈનિક પરેડ કરતા હોય એ રીતે બૂમો પાડતો-પાડતો નીકળે છે એટલે એ જંકશન બોક્સના નાનકડા બાકોરામાંથી જોઈ રહેલા દીકરાને એમ જ લાગે છે કે આ પણ ગેમનો જ એક ભાગ છે. જોશુઆને કલ્પના પણ નથી કે પોતાને જીવતો રાખવા માટે પિતા પોતાના જીવનનો ભોગ આપી રહ્યો છે અને તે હવે પિતાને ફરી પાછો ક્યારેય નહીં જોઈ શકે.
બીજે દિવસે જોશુઆ જંકશન બોક્સમાંથી બહાર નીકળે છે અને એ જ વખતે એ સ્તબ્ધતાભર્યા વાતાવરણમાં અચાનક સામેથી એક ટેન્ક આવતી દેખાય છે. નાદાન જોશુઆ રાજી થઈ જાય છે. તેને લાગે છે કે પિતાએ કહ્યું એવું જ થયું. સાચેસાચ ટેન્ક આવી. હું ગેમ જીતી ગયો અને સાચી ટેન્ક જીતી ગયો. તેને પોતાની મમ્મી પણ દેખાય છે.
ફિલ્મ પૂરી થાય છે એ વખતે જોશુઆ મોટો થઈ ગયો છે અને પોતાના શબ્દોમાં પોતાના પિતાના અકલ્પ્ય બલિદાન વિશે વાત કરે છે.
આ અત્યંત હૃદયસ્પર્શી ફિલ્મ એ સંદેશ આપે છે કે ચેકમેટ જેવી સ્થિતિમાં પણ ધારીએ તો આપણે હસતાં-રમતાં રહી શકીએ.
ખરાબ સંજોગોમાં પણ સંતાન સાથે કેવી રીતે વર્તવું જોઈએ એ સમજવા માટે આ ફિલ્મ જોવી જોઈએ અને વાતે વાતે રોદણાં રડતાં કે નાની નાની તકલીફો આવે ત્યારે ભાંગી પડતા હોય એવા લોકોએ પણ આ ફિલ્મ ખાસ જોવી જોઈએ.