Wed Aug 19 2026

Logo

જડીબુટ્ટી માત્ર ફાયદો જ નહીં, નુકસાન પણ પહોંચાડી શકે છે

2026-03-10 12:42:00
Author: Mumbai Samachar Team
Article Image

વિશેષઃ

રેખા દેશરાજ

વર્તમાનમાં પ્રાકૃતિક દવાઓ એટલે કે જડીબુટ્ટીઓમાં લોકોનો વિશ્વાસ ખૂબ વધ્યો છે, પરંતુ વધતા જતા આ વિશ્વાસ વચ્ચે સાવધાનીથી વર્તવું પણ એટલું જ જરૂરી છે કેમ કે છેલ્લાં કેટલાંક વર્ષથી જડીબુડ્ડી અને વિવિધ પ્રકારના હર્બલ ઉત્પાદનોનો જે રીતે આડેધડ ઉપયોગ શરૂ થયો છે તેનાથી ફાયદાની જગ્યાએ અનેક પ્રકારનું નુકસાન થઈ રહ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે. 

હકીકતમાં સામાન્ય માણસ જડીબુટ્ટીને દરેક રીતે સુરક્ષિત માને છે અને એટલે જ ઘણીવાર તેઓ કઈ જડીબુટ્ટી ક્યારે અને કઈ રીતે ખાવી જોઈએ એ અંગે જાણકારોની સલાહ લેવાનું પણ જરૂરી નથી સમજતા. 

ઘણીવાર જે જડીબુટ્ટીઓ સામાન્ય રીતે આરોગ્ય માટે લાભકારક હોય છે ક્યારેક તેને કારણે પણ નુકસાન થતું હોવાનું જોવા મળે છે અને એટલે પહેલા તો એ ગાંઠ બાંધી લો કે ભલે ગમે તે વસ્તુ કેમ ન હોય, જાણકારની સલાહ વગર તે ક્યારેય ખાવી ન જોઈએ. 

આજકાલ વૉટ્સઍપ, યુ-ટ્યૂબ, સોશ્યલ મીડિયા પર જડીબુટ્ટીને લઈને જે ખેલ ચાલી રહ્યો છે તેને કારણે પણ નુકસાન થવાની સંભાવના વધી જાય છે. 

પ્રશ્ન એ છે કે જડીબુટ્ટીઓનો ઉપયોગ કરતી વખતે ક્યા ક્યા પ્રકારની સાવધાની રાખવી જોઈએ જેથી કરીને આપણે તેનાં નુકસાનના જોખમથી બચી શકીએ?, પરંતુ સૌથી પહેલાં આપણે એ જાણી લેવું જોઈએ કે જે જડીબુટ્ટીને આપણે માત્ર ફાયદાકારક સમજીએ છીએ અંતે તેનાથી નુકસાન કઈ રીતે થાય છે? 

વાસ્તવમાં જડીબુટ્ટીઓ ઝાડ-છોડવાઓમાંથી મળે છે અને એટલે જ તેને રાસાયણિક દવાઓની સરખામણીએ વધુ કોમળ માનવામાં આવે છે, પરંતુ દરેક કોમળ વસ્તુના ડોઝની પણ એક મર્યાદા હોય છે. 

ઘણીવાર લોકો જડીબુટ્ટી નુકસાન ન પહોંચાડતી હોવાનું માની લઈ તેનાં ઑવર ડોઝનો શિકાર બની જાય છે. મતલબ તેની સુરક્ષિત મર્યાદા કરતાં તેનો વધુ ઉપયોગ કરી લે છે જેના કારણે ઊલટી, ઝાડા, માથાનો દુ:ખાવો, ચક્કર જેવી સમસ્યા તો ઊભી થાય જ છે, પરંતુ ક્યારેક તેને કારણે લિવર કે કીડની પણ ફેલ થઈ શકે છે અને એટલે જ ક્યારેય કોઈ પણ જડીબુટ્ટી નિર્ધારિત ડોઝ કરતાં વધુ માત્રામાં ન લેવી. 

ભારતમાં આયુર્વેદિક, સિદ્ધ અને યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ સદીઓથી ઉપયોગમાં લેવાઈ રહી છે. કહેવાને મતલબ આનું આપણને વારસાગત જ્ઞાન છે, પરંતુ જ્ઞાન હોવા છતાં એવું બની શકે છે કે કોઈ વિશેષ જડીબુટ્ટીથી કોઈને કંઈ ન થતું હોય અને કોઈને એલર્જી થાય. એવામાં જેને એલર્જી થતી હોય તેને જડીબુટ્ટીની ત્વચા કે શરીરના અન્ય ભાગ પર આડઅસર થઈ શકે છે. 

તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અથવા શરીર પર સોજા આવી શકે છે અને એટલે જ જડીબુટ્ટીનો ઉપયોગ કરતા પહેલાં જાણકાર વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે.  ભલે પછી એ જડીબુટ્ટી તમારા પરિવારમાં અગાઉ કોઈએ ઉપયોગમાં લીધી હોય અને તેને આ જડીબુટ્ટીને કારણે કોઈ તકલીફ ન થઈ હોય. 

અમુક જડીબુટ્ટી પાચનક્રિયા સુધારવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીર પરના સોજા ઉતારવામાં ખૂબ અસરકારક હોવાનું મનાતું હોય છે, પરંતુ ક્યારેક આ જ જડીબુટ્ટી અન્ય કોઈ વ્યક્તિ જે પહેલા વિદેશી દવાઓનો ઉપયોગ કરતી હોય તેના માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે કેમ કે આ જડીબુટ્ટી વિદેશી દવાની અસર વધારી કે ઘટાડી પણ શકે છે જેના કારણે શરીરનો લય તૂટી જાય છે અને જે જડીબુટ્ટીને એકદમ સુરક્ષિત માનવામાં આવતી હોય તેનાં કારણે પણ શરીરને નુકસાન થઈ શકે છે. 

જડીબુટ્ટીને લઈને આપણાં બધામાં તેનાં દીર્ઘકાલિન ઉપયોગની ધારણા બંધાયેલી છે. લગભગ પ્રત્યેક વ્યક્તિ એમ માને છે કે જડીબુટ્ટીનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે કેમ કે તેની કોઈ આડઅસર નથી હોતી, પરંતુ આ વાત સાચી નથી. 

વિશેષ કરીને ગર્ભાવસ્થા અને સ્તનપાન કરાવતી મહિલાઓ આ પ્રકારનાં ભ્રમનો શિકાર બની શકે છે. આ જડીબુટ્ટી ગર્ભાશયનું સંકુચન વધારી શકે છે કે પછી વિશેષ સ્થિતિમાં શરીરનું હોર્મોનલ સંતુલન બગાડી શકે છે. આ કારણે વિશેષ પરિસ્થિતિમાં જડીબુટ્ટીનો ઉપયોગ કરતાં પહેલાં તેનાં નિષ્ણાતો પાસેથી સલાહ લેવી અત્યંત જરૂરી છે. 

છેલ્લે એ વાત પણ ધ્યાનમાં રાખવી જેવી છે કે જે રીતે વર્તમાનમાં લગભગ તમામ ક્ષેત્રે ભેળસેળની બોલબાલા છે તે રીતે જડીબુટ્ટીઓમાં પણ ખૂબ જ ભેળસેળ થતી હોવાનું જોવા મળી રહ્યું છે. જડીબુટ્ટીની આ અશુદ્ધતા અનેકવાર જીવલેણ પણ પુરવાર થાય છે. જો જીવ ન જાય તો પણ ભેળસેળયુક્ત જડીબુટ્ટી શરીર માટે અનેક રીતે જોખમી તેમ જ હાનિકારક પુરવાર થઈ શકે છે અને વ્યક્તિને પરેશાન કરી શકે છે. માટે જ જડીબુટ્ટીઓનો ઉપયોગ જાણ્યા-વિચાર્યા વગર ક્યારેય ન કરવો જોઈએ. જડીબુટ્ટીનો ઉપયોગ કરતાં પહેલાં કાયમ તેનાં યોગ્ય જાણકાર કે નિષ્ણાતની સલાહ લઈ લેવી જોઈએ. 

અમુક જડીબુટ્ટીઓમાં તો કાયમ આ પ્રકારનું જોખમ જોવા મળે છે જેમ કે હળદર સોજા ઉતારવામાં મદદરૂપ થાય છે, પરંતુ જરૂર કરતાં વધુ હળદરનો ઉપયોગ કરવામાં આવે તો પેટમાં બળતરા કે લોહી પાતળું થઈ જવાની સમસ્યા વધી જાય છે. 

એ જ પ્રમાણે અશ્વગંધા તણાવ અને થાકમાં તો લાભકારક છે જ પરંતુ, જો તમારામાં થાઈરોઈડનાં લક્ષણ જોવાં મળતાં હોય તો તેવા સંજોગોમાં જાણકારની સલાહ વિના તેનો ઉપયોગ ક્યારેય ન કરવો કેમ કે થાઈરોઈડની સ્થિતિમાં અશ્વગંધા શરીરમાં હોર્મોનનું સંતુલન બગાડી શકે છે. 

એલોવિરાના ઉપયોગમાં પણ આ જ પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે કેમ કે તે કબજિયાતમાં તો ઉપયોગી છે, પરંતુ તેનો આડેધડ વપરાશ કરવામાં આવે તો શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ અસંતુલન વધી જાય છે.  આ જ વાત લીમડા જેવી લગભગ તમામ બાબતમાં ઉપયોગી જડીબુટ્ટીને પણ લાગુ પડે છે. 

લીમડો જીવાણુવિરોધી ગુણો ધરાવતી એવી જડીબુટ્ટી છે કે તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો લીવર પર તેની અસર થઈ શકે છે. રોગપ્રતિકારક શક્તિ વધારતી ગિલોયનું વધારે પડતું સેવન લીવરને અને રોગપ્રતિકારક શક્તિને પણ હાનિ પહોંચાડે છે. 

ટૂંકમાં એટલું જ કહેવાનું છે કે જડીબુટ્ટીઓને ચમત્કાર માની લેવાની ભૂલ ન કરવી. જોકે તેને ઝેર માની લેવાની પણ જરૂર નથી. આ એવી ઔષધીઓ છે જે સમસ્યાઓમાં આપણને લાભ પહોંચાડે છે તો ક્યારેક તેનો ઉપયોગ સમસ્યા પણ ઊભી  કરે છે અને તેથી જ આંખ બંધ કરીને તેનો ઉપયોગ ન કરવો જોઈએ.